પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મારું સ્થાન
૧૬૭
 


“શું ? — શું કહે છે, સરસ્વતી ?”

“એણે વીરતા બતાવી છે.”

“વીરતા !”

“હા, બાપુજી. મને તો એક જ બીક હતી કે આ અપકીર્તિમાંથી છટકી જવા એ જીવ કાઢી નાખશે. પણ હવે તો એણે એનો માર્ગ નક્કી કરી લીધો એટલે મારે પણ મારો માર્ગ પસંદ કરવાનો રહે છે.”

“તારો માર્ગ ?”

“હા, એનાં કૃત્યનાં પરિણામને એણે છાતીએ ઝીલ્યાં, એ વીર બન્યા; હું વીરપુરુષને કેમ ત્યાગું ?”

“અરે દીવાની ! એનો તો કેસ ચાલશે, ને પેલી છોકરી સાથેના ભવાડા ખુલ્લા થશે.”

“એ માટે હું તૈયાર છું.”

“સરસ્વતી !” ગુસ્સાથી ફાટફાટ સ્વરે એણે કહ્યું, “તું મારી દીકરી છે. જો દીકરો હોત તો હું તને શું કરત, જાણે છે ?”

“તમે મને ઘરમાંથી રજા આપત, એમ જ ને ? એ રજા હું સામે ચાલીને જ માગી લઉં છું, બાપુજી ! હું ચાલી જઈશ.”

“બસ, ઘણું થયું; જા, સૂઈ જા.”

સરસ્વતી શાંત પગલે પોતાના ખંડમાં ગઈ, ને બુઢ્‌ઢો પોતાનાં કપડાં કાઢી કાઢીને જ્યાં-ત્યાં ફગાવી દઈ, ધૂંઆપૂંઆ થતો સૂતો.

સવારના ઊઠીને એ બેબાકળા સરસ્વતીના ખંડમાં ગયા. સરસ્વતી ઘૂંટણભર બેઠી બેઠી એક નાનીશી બેગમાં કપડાં ભરતી હતી.

“આ શી નાદાની કરે છે, સરસ્વતી ?”

“કશું નહીં. બાપુજી ! હું રજા લઉં છું.”

“બેવકૂફ ન થા.”

“હું આપના ચરણોમાં પડું છું, બાપુજી !”

“આમ જો, બેટા !” વૃદ્ધનો અવાજ નરમ પડ્યો, “ગુસ્સામાં મારાથી કાંઈ બોલી જવાયું, એમાં દીકરી આવી રીસ કરે ?”

“હું રીસ નથી કરતી, બાપુજી ! પણ મારી ફરજ મને લઈ જાય છે.”

“સાંભળ, સરસ્વતી. મારી અપકીર્તિ કરાવીશ ? તું મને છોડીને જઈશ ? તું મારી એકની એક દીકરી : હું તારો બુઢ્‌ઢો બાપ : મારે ને તારે બીજો કોઈ આધાર છે ? બાપનો ત્યાગ કરીને એક અજાણ્યા કલંકિત પુરુષ પાસે જવાનું તને કેમ સૂઝે છે ?”

“સાંભળી લ્યો, બાપુજી. પુરુષની ફરજ માબાપનો ત્યાગ કરીને પણ સ્ત્રીને સાથ દેવાની છે. એ જ ધર્મ સ્ત્રીનો છે. એ મારા સ્વામી છે. મેં એને વચન આપેલ છે.”

“પણ ગાંડી, એ તો જેલમાં જશે.”

“તો એ છૂટશે ત્યાં સુધી રાહ જોઈશ. પાછા આવશે ત્યારે…”

“ખબરદાર ! હું જોઉં છું કે કયો બામણો તને પરણાવવાની હિંમત કરે છે !”

“તો હું એમ ને એમ જ એનું ઘર સંભાળીશ.”

“વગર પરણ્યે રાખેલી થઈને ?”