“જી મૈં સચ કહતી હૂં. મેં સ્વાશ્રયી હોને ચાહતી હૂં. ઈતની મહેરબાની કીજિયે.”
“મિસ સરસ્વતીબાઈ, મૈં તો સુશિક્ષિત ઓરતો કી સહાય ચાહતા હૂં. મૈં વોહિ ખોજ રહા હૂં. આઈએ, આપ થોડે રોજ અજમાયશી તોર પર રહિયે, એકદમ કાયમી બિચાર મત કરના. બડા ‘નાસ્ટી’, બડા ‘ડર્ટી’ હૈ યે કામ. યહાં તો ખૂની ઓરતોં કે સાથ કામ લેના પડતા હય; પર મેં આપકો પૂર્ણ સહકાર દૂંગા.”
જેલનું અંદરનું વિરાટ દ્વાર ઊઘડ્યું, ને સરસ્વતીને લઈ સુપરિન્ટેન્ડેન્ટ અંદર સમાયા. દરવાજા પર વોર્ડરો, પહેરેગીરો અને બહાર પાટીમાં કામ કરવા જતા ફાઈલબંધ કેદીઓના મુકાદમો અરસપરસ કૌતુક-દૃષ્ટિઓના તાંતણા વણી રહ્યા. અંદર જઈને સુપરિન્ટેન્ડેન્ટ પહેલું જ કામ પોતાની ખુરશી પાસે ખડા કરવામાં આવેલા ખટલા થનારા દોષિત કેદીઓને ક્ષમા આપવાનું કર્યું. “જેલર, આજ મિસ સરસ્વતી પંડિત કે આનેકી ખુશાલી હૈ. છોડ દો ઉન સબ ખટલેવાલોંકો.”
નવી શિક્ષાઓના ડરમાંથી છૂટેલા કેદીઓ પાછા જતા જતા પાછળ નજર કરવા મથતા હતા. વોર્ડરોના ધોકલાઓએ પણ એ પ્રભાતે પાછળ જોનારા કેદીઓની આંખમાં સરસ્વતીના દર્શનનું અમી અંજાવા દીધું.
૪૨. થાણદાર લહાવો લે છે
“ચાળીસ વર્ષોથી શું અમે ગધાવૈતરું કરીએ છયેં !” એવો ધોખો ધરનાર થાણદારની ઈન્ચાર્જ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ તરીકેની અદાલત દસ વાગ્યાથી ઠાંસોઠાંસ હતી અને ત્યાં બેઠેલા વકીલમિત્રોના વાર્તાલાપમાં તો હજુય એ જ વિસ્મય રમી રહ્યું હતું કે આ શિવરાજમાં શું મતા બળી’તી ! એનામાં લોકો શું જોઈ ગયા’તા ! દરેક વકીલ એમ જ કહેતો હતો કે, મને તો આ દાળમાં પહેલેથી જ કાળું લાગતું હતું.
મુકદ્દમાની હાકલ પડી. બે પહેરેગીરોની ચોકી હેઠળ શિવરાજ દાખલ થયો, પીંજરામાં જઈ ઊભો રહ્યો. એના ગાલમાં ખાડા હતા, એની આંખોમાં અણપડ્યાં અશ્રુજળનો જાણે મોટો સંઘરો જમા થયો હતો. એક જ કદમે એણે જાણે કે જોબનમાંથી જઈફીમાં પ્રવેશ કર્યો હતો. પણ દુઃખ એ તો પરમ શિલ્પીનું ઢાંકણું છે. એનું કોતરકામ જ્યાં જ્યાં થાય છે ત્યાં ત્યાં સૌંદર્ય સરજાય છે. વિપત્તિ માનવીને ચોક્કસ પ્રકારનું ગૌરવ પહેરાવે છે. પહેરેગીરો પાછળથી વાતો કરતા હતા કે, “મરદ દેખાતો હતો, હો ભાઈ ! માટીને મોંએ ભારી રૂડપ ખીલી ઊઠી’તી, મારી જુવાનીના સમ !”
એ તો હતા પોલીસના વિચારો. ત્યારે પ્રેક્ષકોને તો શિવરાજની સમતા ચોખ્ખી નિષ્ઠુરતા, હૃદયહીન નફટાઈ જ ભાસતી હતી. “શી નિર્લજ્જતા છે આ બદમાશની ! લાજતો નથી ને ગાજે છે ! જેટલો બહાર છે એટલો જ ભોંમાં સમજવો હો, ભાઈ !”
“એનો બાપ તો કોક પરદેશી હતો ને ?”
“કોણ જાણે હતો કોક કિરસ્તાન જેવો : ને પાછી ઘરમાં બેસારી’તી કોક વંઠેલને ! હંઅ ! થાણદારસાહેબ જ કહેતા’તા ને!”
“આરોપી, તારે શું કહેવાનું છે ? તું ગુનેગાર છે કે બિનગુનેગાર ?” થાણદારસાહેબે મુકદ્દમાનો પ્રારંભ કર્યો.