પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૨
અપરાધી
 


પડ્યો હતો, પણ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટની પદવીનો એકબે દિવસનો લહાવો લેતા થાણદારની તેજોદ્વેષી લાલસા ઊલટાની વધુ પ્રજ્વલિત બની હતી.

એણે આંખો પર ચશ્માં બેસતાં કરીને કહ્યું : “આ લાંબીચોડી વાતોનો ભાવાર્થ તો એ જ છે ને, કે હર કોઈ શખસ એકીસાથે ને એકીસમયે ગુનેગાર પણ હોય ને બિનગુનેગાર પણ હોય ! હ-હ-હ.”

એ જરાક હસ્યા. લોક-ટોળાની અંદર પડેલી હિચકારી મનોવૃત્તિને હડકાઈ બનાવવા માટે એવું ક્રૂર કુટિલ હાસ્ય બસ થઈ પડ્યું. મેજિસ્ટ્રેટે મેજ પર પોતાના હાથને આંકડા ભીડીને ગોઠવ્યા, અને પછી સહેજ ઢળીને શિવરાજને કહ્યું : “આરોપી, ઊભો થા !”

એને ભાન નહોતું કે શિવરાજ ખડે પગે જ પીંજરામાં રાહ જોતો હતો. એને માટે ખુરસી મુકાવવાની સભ્યતા ન્યાયાધિકારીએ બતાવી નહોતી.

એણે છૂટા હાથની અદબ ભીડીને મેજિસ્ટ્રેટ સામે પ્રશાંત નજર તાકી.

“તારા બચાવમાં તારે કાંઈ કહેવાનું છે ?”

“કશું નહીં.”

થોડી પળો એકલા એકલા હસી લેવાની મજા કર્યા પછી મેજિસ્ટ્રેટે કહ્યું : “આરોપી ! એક જુવાન ઓરતને પ્રથમ શિયળભ્રષ્ટ કરીને, પછી એનો ત્યાગ કરીને અને છેવટે એને શિરે ગંભીર તહોમત તોળાતું હતું તે વેળાએ એને તારી સત્તાની રૂએ નસાડવાનો ગુનો તેં કબૂલ કર્યો છે, ખરું ?”

“હા જી.”

“આરોપી !” મેજિસ્ટ્રેટે આગળ ચલાવ્યું, “આંહીં એવું કહેવામાં આવ્યું છે કે તેં રાજીખુશીથી પોતાની મેળે એકરાર કર્યો છે. અજબ વાત છે કે તહોમતદારણ પરનો આરોપ પુરવાર કરવાની ફરજ જેની હતી તે ખુદ સરકારી નોકરે જ આ તારા બચાવમાં કહેલી વાત છે. બિલકુલ જૂઠ છે એ વાત. તે એકરાર કર્યો, તે તો તારા પર કાયદાની તલવાર તોળાઈ ચૂકી હતી તે ટાણે; તારું પાપ પ્રગટ થઈ જવાની તૈયારીમાં હતું તે ઘડીએ !”

“શાબાશ !” પ્રેક્ષકોમાં ધ્વનિ ઊઠતો હતો.

“આંહીં એમ પણ બતાવવામાં આવ્યું છે કે તારા આ ગુપ્ત પાપનો એકરાર તારા આત્માની ઊંચી ગતિ દર્શાવે છે. આ તારા કહેવાતા આત્માને પોતાની આજની કહેવાતી ઉચ્ચ ગતિ તો ત્યારે સૂઝવી જોઈતી હતી, જ્યારે તું તારો પોતાનો જ ભોગ બનેલી સ્ત્રી પર ઇન્સાફ તોળવા બેઠો હતો. તારા એ ઇરાદાપૂર્વકના અપરાધનો તો ઇન્સાફની તવારીખમાં કોઈ જોટો નથી જડતો.

“છેવટમાં એવી દલીલ કરવામાં આવી છે કે તારો ઊંચો દરજ્જો અને તારા કુટુંબની ખાનદાની ધ્યાનમાં લઈને તને ઓછી સજા કરવી. એથી ઊલટું, અમે માનીએ છીએ કે, આ બંને કારણો જોતાં, તારી સજા વધવી જોઈએ. તેં તારા કુટુંબને અને દરજ્જાને ભયાનક કલંક ચડાવ્યું છે !”

“આહાહા !” પ્રેક્ષકોનાં હૈયાં બોલી રહ્યાં.

“તારો ગુનો સ્પષ્ટ છે. એનો અંશ માત્ર બચાવ ન હોઈ શકે. તેં તારા નામને, ધંધાને, આખી એજન્સીને, અને નામદાર બ્રિટિશ સરકારને બટ્ટો બેસાડ્યો છે.

“તારો ગુનો એક તહોમતદારણને ઈરાદાપૂર્વક નસાડનાર જાહેર નોકરનો કલમ ૩૨૧ મુજબનો છે. મજકૂર તહોમતદારણનો ગુનો કલમ ૨૧૫ મુજબનો બાળહત્યાનો