પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જળમાં ને જવાળામાં સંગાથે
૧૭૩
 

હતો. એ આરોપસર એને ૧૦ વર્ષની સજા થઈ શકી હોત. એ ન્યાયે તને હું ઇ. પી. કો. ક. ૩૨૧ મુજબ કાયદાએ વધુમાં વધુ ફરમાવેલી ત્રણ વરસની સખત મજૂરીની કેદ ફરમાવું છું.”

શિવરાજે શિર નમાવીને સજા માથે ચડાવી લીધી. મેજિસ્ટ્રેટ પોતાનાં ચશ્માં ઉતારીને ઝડપથી ચેમ્બરના દ્વારમાં પેસી ગયા.

૪૩. જળમાં ને જ્વાળામાં સંગાથે —

“સ્પ્લેન્ડીડ જજમેન્ટ !” આધેડ વકીલોમાંથી એકનો અવાજ ઊઠ્યો. “ચલો, નીચે ઊતરો !” એવા પહેરેગીર સિપાઈના તોછડા શબ્દોએ શિવરાજને અપરાધીના પીંજરામાં સૂનમૂન સ્થિતિમાંથી હલાવી દીધો. આગળ ચાલતા શિવરાજની પીઠ પાછળ પોલીસો બોલતા હતા : “ક્યા બદમાશી બઢ ગઈ દુનિયામેં ! હેવાનિયત દેખ કે તાજુબ હો જાતે હૈં અબ તો, ભાઈ !”

શિવરાજને સમજાઈ ગયું કે આગલી સાંજરે જેલમાં એના પ્રત્યે સિપાઈઓએ વિનય બતાવેલો, કેમ કે તેઓ શિવરાજના ગુનાનું સ્વરૂપ સમજ્યા નહોતા. કોર્ટમાં ચાલેલી ગુજરાતી ભાષાએ સૌને આ હેવાનિયતથી માહિતગાર કરી મૂક્યા.

બહાર નીકળતા શિવરાજે પોતાની પાછળ સરકારી વકીલની ઠેકડી થતી સાંભળી : “કાં કાકા, આટલું બધું હેત ક્યાંથી ઊભરાઈ હાલ્યુંતું ? કાંઈ ચાંપી તો નથી દીધુંને ભાઈસાહેબે ? અરે કાકા, આખી જિંદગી તો નિર્દોષો માથેય સાવજ જેવા ગાજ્યા, ને આખરે આ નપાવટનો બચાવ કરવા ચીથરાં ફાડ્યાં ? ધૂળ પડી તમારા ધોળામાં, કાકા !”

શિવરાજ આ બધા ઠઠ્ઠા સાંભળતો હતો. પબ્લિક પ્રોસિક્યૂટરનો એક ઉચ્ચાર એને કાને પડતો નહોતો. પણ એણે મશ્કરી કરનારાઓના છેલ્લા બોલ આટલા સાંભળ્યા : “અરે, અરે કાકા, રડવું આવી ગયું ? ઘરડા આખા થઈને આંસુ પાડો છો ? જોઈ લો ભાઈઓ ! આ પબ્લિક પ્રોસિક્યૂટરને.”

જેલના દરવાજા સુધી શિવરાજની પાછળ ટોળાં થયાં હતાં. લોકવર્ણની બેચાર સ્ત્રીઓ પણ દૂર ઊભી ઊભી વાતો કરતી હતી : “ઓલી અંજુડી નૈ, ઇ ને આવડે આણ્ય રાખી’તી ને પાછી ભગાડી.”

“લાજ્યોય નૈ બધું કબૂલ કરતાં ?”

“અરે, ઓલી બચાડી મોયલા ડિપોટીની ભણેલી છોકરીનોય ભવ બગાડ્યો.”

“પરણ્યો’તો ?”

“ના રે, પરણે શું ? આવા ને આવાં કામાં ! મોટાઓનું માયલું બધું ખોટું જ હોય, માડી !”

રેલવે-સ્ટેશન પર હોહા ન થાય તે સારુ કેદીને તે જ રાતની આગગાડીમાં ચડાવી રાજકોટ ઉપાડ્યો. નાના સ્ટેશનેથી એને જુદા ખાનામાં લઈને પોલીસપાર્ટી બેઠી. બારીઓ પણ બંધ રાખી. પોલીસોની સતત ચાલુ બીડીઓના ધુમાડામાં આખું ખાનું ગૂંગળાતું ચાલ્યું ત્યારે શિવરાજે પૂછ્યું : “જરા બારી ખોલું ?”

“બિલકુલ નહીં.” પોલીસ તાડૂકી ઊઠ્યો.