“પણ હોય તો આપણને શો વાંધો છે ? હે-હે-હે—” દેવનારાયણસિંહ છાપરું ફાટે
તેટલા જોરથી હસતા હતા.
“અંદર કોઈક માણસ આવીને પેસી ગયો છે.” સરસ્વતીએ આવીને ફાળભેર કહ્યું.
“આંહીં ઘરમાંથી એને લઈ જવા જેવું કાંઈ નથી. હું પણ હવે ફૂટી બદામની કિંમતનો રહ્યો નથી !”
પણ માલુજીનો જીવ કેમ રહી શકે ? એણે હોકારા કરી કરી ઘરમાં દોડધામ મચાવી.
“કોણ, ભાઈ, તમે હતા ? માલુજીએ શિવરાજને એના ઓરડામાં ભૂંડે હાલે ગાદલા પર પડેલો જોઈને પૂછ્યું.
“કેમ, શું છે ?”
“અરે, અમને તો ભડકાવ્યા.”
“શું ભડકાવ્યા ?”
“— કે કોઈ ચોર પેસી ગયો છે.”
“કોણે કહ્યું ?”
“ડિપોટીસા’બનાં દીકરી — સરસ્વતીબાએ.”
“એને શી પંચાત ?” શિવરાજ ગરમ બની ગયો.
“હવે ઊઠો, હાથ-મોં ધોઈને કપડાં તો બદલો !”
“ના, એને જવા દો.”
“અરે ! તમારી તો વાટ જોઈને સા’બ બેઠા છે.”
“કહો કે મને ઠીક નથી.”
“ખોટું ! બાપુના દીકરા ખોટું બોલે ?”
“નહીં, પણ મને એ છોકરી દીઠી જ ગમતી નથી.”
“પણ ત્યાં ક્યાં તમને ઝટ ગોળ ખાવા તેડાવે છે ?”
લજ્જાથી શિવરાજ ફરી ગયો. માલુજીએ એને વહાલથી પંપાળીને નાહવાની ઓરડીમાં લીધો. કમનસીબે નાહવાની ઓરડી સામી બાજુએ હતી, ને ડિપોટીસાહેબની અણગમતી છોકરી સરસ્વતી વચ્ચે જ ઊભી હતી.
“એને માર મારવા લઈ જાઓ છો ?” ડેપ્યુટીની છોકરીએ માલુજીને પૂછ્યું.
ખરેખર માલુજી શિવરાજનું કાંડું ઝાલીને એવી રીતે લઈ જતો હતો કે આ છોકરીને થઈ તેવી શંકા હરકોઈને આવે. જવાબમાં માલુજીએ નાક પર આંગળી મૂકીને છોકરી સામે જરી આંખો ફાડી.
છોકરી જરીક હેબત ખાઈને પાછી હઠી ગઈ, તે જોઈ શિવરાજ મલકાયો. એને માલુજીના ડોળા મારફત પોતાના અપમાનનું વેર વળી ગયું લાગ્યું. નાહવાની ઓરડીમાં દાખલ થતાં થતાં પાછળ ફરીને શિવરાજે પણ મહેમાન-કન્યા સામે થોડા ડોળા ખેંચી લીધા.
સાફસૂફ થઈને જ્યારે શિવરાજ બહાર નીકળ્યો ત્યારે એના કસરતી દેહના બેઉ ખભા ઉઘાડા ગંજીફરાકની અંદરથી બહાર નીકળેલા હતા. શિયાળાની પવનભરી સાંજે ટાઢાબોળ પાણીથી ધોવાયેલ એના દેહમાંથી ધુમાડા નીકળતા હતા. જાણે કે મારુતિની કોઈ નાનીશી દેરીમાંથી ધૂપ ભભકતો હતો. માલુજીએ શિવરાજના શરીર પર ટુવાલ એટલો બધો ઘસ્યો હતો કે જાણે હમણાં લોહીના ટશિયા ફૂટશે. પુરુષનું આવું રૂપ જોઈ છોકરીને