“એમણે રજા આપી છે.”
“પણ, પણ, આંહીં કોણ લગ્નવિધિ કરાવશે ?”
“હું લાવી છું એક બ્રાહ્મણને.”
“કોણ છે ?”
“એક છે, જેના ઉપર — તમે ઘણાં વર્ષો પર ઉપકાર કર્યો હતો તે, આવો અહીં.”
એક બૂઢો જર્જરીત આદમી બહાર ઊભો હતો, તે અંદર આવ્યો, એના હાથમાં તસલું ને ચંબુ હતાં. તસલામાં થોડાક ચોખા જેલના કોઠારમાંથી માંગી આણ્યા હતા. ચંબુમાં કોપરેલ તેલ હતું.
“આ કોણ ? ગુરુદેવ ?” શિવરાજે નવા માણસને ઓળખ્યો — પોતાને સોટીઓ મારનાર ને રજા આપનાર વિદ્યાગુરુ, “તમે ક્યાંથી ?”
“આંહીં કેદી છું, શિવરાજ ! એક કલ્પિત અપરાધ માટે મેં તને સોટીઓ મારી હતી. પણ હું તો એક સાચો અપરાધ કરીને ત્રણ વર્ષથી આંહીં પડ્યો છું. તેં મારા પર ક્ષમા બતાવી હતી. આજે હું તારી લગ્નવિધિ કરવા હાજર છું.”
શિવરાજને ખબર નહોતી કે ગુજરાતના કોઈ એજન્સી તાબામાંથી આ આચાર્ય કશોક ગુનો કરીને અહીં પુરાયા હતા.
શિવરાજ જોઈ રહ્યો. એણે માથું ધુણાવ્યું: “નહીં, નહીં, ન બની શકે. મારા જેવા બદનામની સાથે જીવન જોડીને બરબાદ ન બનો. હું – હું – હું તમને નિરંતર ચાહ્યા કરીશ. એથી વધુ દુષ્ટ બનવાનું મને ન કહો.”
એણે માથું હેઠું ઢાળ્યું.
સરસ્વતી નજીક ગઈ, નીચે બેસી ગઈ, ને એણે શિવરાજનો હાથ ઢંઢોળીને કહ્યું : “પણ મારો તો વિચાર કરો ! હું આખરે નારી છું. મારું નારીત્વ માગે છે કે મને પ્રેમ પછી આપજો, પહેલી પરણી લ્યો – પરણીને પછી ભલે ન ચાહી શકો.”
“નહીં, નહીં, સરસ્વતી ! હું રાક્ષસ નહીં બનું !”
“મને રઝળતી મૂકવી છે ! એકને — પાછી બીજીને ?” સરસ્વતીના શબ્દોમાં અસહ્ય મહેણું હતું. “હું હવે ક્યાં જઈશ? કોની પાસે મોકલવી છે મને ? હું સ્ત્રી છું. અપરાધ પર અપરાધ કેટલાક કરશો ?”
સરસ્વતીના આ શબ્દોએ શિવરાજને ભાંગી નાખ્યો.
“ચાલો આચાર્ય, ઝટ કરો.”
એ ભાંગેલો બુઢ્ઢો કેદી પાસે આવ્યો. એણે મહામહેનતે શિવરાજના જાડા પહેરણ સાથે ઉપરવટણીની છેડાછેડી બાંધી. અગ્નિમાં એણે જેલમાંથી આણેલું કોપરેલ તેલ અને ચોખાના દાણા ‘સ્વાહા’ કરી સપ્તપદીની એકમાત્ર વિધિ કરાવી. બોલતે બોલતે બ્રાહ્મણના બોખા મોંનું થૂંક ઊડ્યું. બેઉનો હથેવાળો મળ્યો. બે વિધુતપ્રવાહ એકત્રિત બન્યા : “જીવનથી મૃત્યુ સુધી… જન્મજન્માંતરો સુધી… નર અને નારી રહેશું… સુખમાં ને દુઃખમાં, જળમાં ને જ્વાળામાં… સાથે ચાલીશું…”
બત્તી ચાલી ગઈ. સરસ્વતી બત્તીની પાછળ ગઈ… અને એ બત્તીનાં કિરણો જેવા દિન પછી દિન તબકતા ગયા.
❏