પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ધૃષ્ટ છોકરી !
૧૫
 


એક પળ નવાઈ લાગી. એવો ભાસ થાય કે જાણે આ ચોરને કોઈએ ઠમઠોરેલ હશે. પણ માર માર્યા પછી માણસને નવરાવવામાં આવે, તેમ જ માર ખાધેલો માણસ આટલો રૂડો લાગે, એવી એને ગમ નહોતી. એ ખસિયાણી પડી ગઈ. એને પોતાની ભૂલ માલૂમ પડી : પોતે ઘરના નાના માલિકનું જ અપમાન કર્યું હતું.

ને માંસની છૂટી છૂટી પેશીઓથી મઢેલા શિવરાજના બાહુ ઉપર એક કાળે દોરે પરોવેલ ત્રાંબાના માદળિયાનો બાજુબંધ હતો.

એક વેદપૂજક પિતાના પુત્રને હાથે માદળિયું હોય તે વાત અજુગતી હતી. ને શિવરાજને કંઈક વર્ષો પૂર્વે એ માદળિયું બાંધવા બાબત તો બુઢ્‌ઢા માલુજી ને દેવનારાયણસિંહની વચ્ચે ટપાટપી બોલી ગઈ હતી :

“એ તો નર્મદાબાનું આપેલ માદળિયું ! તમે એમાં શું સમજો ? તમારો ધરમ તમે પાળો : એનો ધરમ એની માલિકીનો. એ તમને પરણીને પોતે તમારાં વેચાણ થયેલાં, પણ એણે કાંઈ એનો ધરમ તમને નહોતો વેચ્યો-ખબર છે !”

“પણ આમાં શું છે ?”

“અરે, ભલે ચપટી માટી જ રહી.”

ને ખરે જ એમાં માટી હતી. નર્મદાએ પોતાનું ઘર છોડતી વખતે પોતાના નિઃશ્વાસે ભીંજાવેલી એ ઘરની માટીની ચપટી.

એ ટપાટપીમાં આખરે માલુજી જ જીતેલો.

દેવનારાયણસિંહે પોતાની બુદ્ધિને પત્નીની આસ્થા પાસે કમજોર દીઠી હતી. માલુજીની વાત રહી હતી. માદળિયું શિવરાજની ભુજા પર સલામત બન્યું હતું.

દાગીના પહેરવા એ સ્ત્રીનો જ શણગાર છે એવું સમજતી એ કન્યાએ શિવરાજના બાહુને શોભાવતા એ ત્રાંબાના ટુકડાની ઠેકડી કરી. પણ એ ભુજદંડની હાંસી એના અંતરમાં ન ઊગી શકી. એ ભુજાની પોતાને ઈર્ષા આવી. આવો સુગઠિત દેહ મારે હોત ! — એ અગોચર ઝંખના એના દિલમાં રમતી થઈ. કપડાં પહેરીને શિવરાજ પિતાની ને પરોણાની પાસે આવ્યો. પણ એણે મસ્તક ન નમાવ્યું, હાથ પણ ન જોડ્યા, અખાડેબાજની અદાથી છાતી પર પંજો મૂકી નમસ્તે કર્યા. છોકરીએ ફરી વાર મનમાં ઉપહાસ કર્યો.

“અખાડામાં જતો લાગે છે.” ડેપ્યુટી સાહેબે કંઈક ટકોરમાં કહ્યું : “ક્યાંક પેલા ‘રેવોલ્યુશનરી’ના હાથમાં ન પડી જાય !”

આ ટકોર પર શિવરાજને અણગમો આવ્યો છતાં પેલી છોકરી પર ભવાં ચડાવવાની તક સમજીને થોડી વાર એ બેઠો. એના પિતાએ સાહેબની ટકોરનો સાદો, ટૂંકો ઉત્તર સંભળાવ્યો : “આપણા રોક્યા કોઈ નથી રોકાવાના, સાહેબ !”

“તમારા આર્યસમાજીઓની ઉદ્ધતાઈથી સંભાળવા જેવું છે.”

“આપણી પામરતાથી ક્યાં કમ ચેતવા જેવું છે ?” દેવનારાયણસિંહે ઉત્તર હિંદની પૃથ્વી પાસેથી પીધેલો જૂનો જુસ્સો દાબ્યો ન દબાયો.

શિવરાજ ઊઠી ગયો. એને આ પિતા-પુત્રી બંને પ્રત્યે નફરત આવી. આ લોકો પારકી ચોકીદારી શા માટે કરવા આવ્યાં હશે ! વણમાગી સલાહ સોનાની હોય તોપણ સાંભળનારનાં કલેજામાં એ છૂરી જેવી ખૂંતી જાય છે.

બત્તી લઈને માલુજી આવ્યા. સંધ્યાનો એ પહેલો દીપક હતો. માલુજીએ જૂની ધર્મક્રિયા જેવી બની ગયેલી લોકરૂઢિ મુજબ ‘રામરામ ! ભાઈ, રામરામ ! સાહેબ, રામરામ !’