એવા શબ્દો કહ્યા, નાની કન્યાને એ વાત પર પણ મનમાં હસવું આવ્યું. આ ડોસો એને
આ ઘરમાં કોઈ વિચિત્ર દરજ્જો ભોગવતો ભાસ્યો.
પછી સાહેબ કેમ્પ તરફ સિધાવી ગયા. સીમાડા સુધી દેવનારાયણસિંહ પોતાની ગાડી લઈ વળાવવા ગયા, શિવરાજને સાથે લીધો. વેણુતળાવડી પાસે જ્યારે એ પાછા વળ્યા ત્યારે કન્યાએ એક વાર એ ગાડીનાં નિસ્તેજ ફાનસોને અજવાળે પણ શિવરાજને નીરખવા પાછળ ફરી નજર કરી.
કોઈ વાર ધિક્કાર પ્રેમનો છદ્મવેશ ધારણ કરે છે, તો ઘણી વાર પ્રેમ તિરસ્કારના સ્વાંગમાં પ્રકટ થાય છે શિવરાજના અંતરનો અણગમો પણ એને આ વિદાય લઈ ગયેલી કન્યા તરફ અગ્રસર કરવા લાગ્યો. એમ થયા કર્યું કે, એને એક વાર મળું તો થોડી એસીતેસી સંભળાવી નાખું.
પણ વળતા રવિવારે એ પિતાની સાથે કેમ્પમાં ડેપ્યુટીસાહેબને ઘેર ગયો ત્યારે મિયાંની મીની જેવો જ થઈ બેઠો રહ્યો. મનમાં જે જે શબ્દ-તમાચા ગોઠવીને લાવ્યો હતો તે મોંમાંથી બહાર જ ન નીકળી શક્યા. ડેપ્યુટીસાહેબની પુત્રીનું નામ સરસ્વતીબાઈ હતું એ જાણ્યા પછી તરત જ એના અંતરમાં શ્વેત હંસ પર સવાર બનેલી વિદ્યાદેવીનું ચિત્ર રમતું થયું.
સરસ્વતીએ એને કહ્યું : “ચાલો, હું તમને મારા ફોટોગ્રાફોનો સંગ્રહ બતાવું.”
સંગ્રહમાંથી એક છબી બતાવીને એણે કહ્યું : “આ કોણ હશે ?… મારા ભાઈ. એનું નામ રણજિત.”
“એ ક્યાં છે ?”
“ખબર નથી.”
“એટલે શું — મરી ગયા છે ?”
“ખબર નથી.”
“એટલે ?"
“ચાલ્યા ગયેલા છે.”
“ક્યાં ?”
“કોઈને ખબર નથી.”
“ક્યારે ચાલ્યા ગયા છે ?”
“હું જન્મી પણ નહોતી ત્યારે. આજે હોય તો તમારા કરતાં કદાચ મોટા લાગે. પણ આમ તો બરાબર તમારા જેવા જ લાગે. જુઓ આ છબીમાં !”
“ઘડીક છબી પ્રત્યે ને ઘડીક શિવરાજ પ્રત્યે જોતી સરસ્વતી જાણે કે ચહેરો મેળવી રહી હતી; વારંવાર કહી રહી હતી કે, “જુઓ, અસલ તમારા જ જેવા હશે, નહીં ?”
શિવરાજને છબીમાં આવું કશું જ મળતાપણું ન લાગ્યું. મળતા અણસારની માન્યતાએ આ છોકરીના મનમાં એક મીઠી આત્મવંચના જન્માવી હશે એમ લાગ્યું. બહેનો સહોદરના સ્નેહની બેહદ ભૂખી હોય છે એ વાતની શિવરાજને જે ખબર નહોતી તે ખબર આજે પડી.
❋
છૂટા પડ્યા પછી થોડા દિવસોમાં સરસ્વતીબાઈ પોતાના છાત્રાલયે ચાલી ગઈ. ને અહીં શિવરાજ તે વર્ષે મેટ્રિક પાસ થયો, ને પછી એણે કાયદો ભણી નાખવાની જ જીદ