પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ધૃષ્ટ છોકરી !
૧૭
 


લીધી.

પિતાએ કહ્યું : “કાયદો ભણીને પછી શું કરીશ ?”.

“ન્યાયાધિકારી બનીશ.”

“ન્યાયાધિકારીના માર્ગ કેટલા વિકટ છે તે જાણે છે ?”

“આપ ન્યાય કરો છો એટલું જ જાણું છું.”

“તારા ગુરુકુલના આચાર્ય જેવો ઈન્સાફ તો નહીં આપી બેસ ને !”

શિવરાજના અંતરમાં હવે સ્પષ્ટ થયું કે પોતાની ધૂન શામાંથી જન્મી હતી. આચાર્યદેવે પોતાને ગેરઇન્સાફ કર્યો હતો તે દિવસથી જ પોતાના મનમાં આ જીદે ઘર કર્યું હતું.

“હું નિર્દોષોનો પક્ષ લઈશ.”

“સમજ કે હું — તારો પિતા જ — અપરાધી હોઉં તો ?”

શિવરાજ વિચારમાં પડ્યો.

“સમજ કે સાહેબની પુત્રી સરસ્વતીબાઈ જ ગુનેગાર હોય તો ?”

શિવરાજ વધુ વિચારગ્રસ્ત બન્યો : પિતાએ સરસ્વતીબાઈનું નામ શા માટે લીધું ?

પિતાએ આગળ ચલાવ્યું : “કલ્પના કર કે મેં કોઈ નિર્દોષ નારીને ફસાવી છે. તો તું શું કરે ? મને બચાવે કે એ સ્ત્રીને ? મને તું જન્મકેદ ફરમાવી શકીશ ?”

શિવરાજ નિરુત્તર રહ્યો. એણે કાયદાનું ભણતર ભણવાનો સંકલ્પ કર્યો ત્યારે પોતાની જાતને આવી માનસિક કસોટીમાં નહોતી મૂકી જોઈ. એની ધૂન ફક્ત આટલી હતી: હું ગરીબોને, નિર્દોષોને ન્યાય અપાવીશ. એની એ ધૂન કેવી વાંઝણી હતી ! ‘ગરીબો’ અને ‘ન્યાય’ એ બે શબ્દોનું સીમાવર્તુલ પોતે કલ્પી જ શક્યો નહોતો.

એનું નિરુત્તર રહેવું એ પિતાના મનથી એક મંગળ ચિહ્ન હતું. છોકરો ડંફાસુ નહોતો.

“એલએલ. બી. થવું નથી ?”

“ના. જલદી પતી જાય તે માટે હાઈકોર્ટ પ્લીડરનું ભણવું છે.”

“ભલે.” પિતાને પણ એ જ ઉમેદ હતી કે શિવરાજનું જીવનઘડતર પોતાની હયાતી સુધીમાં જેમ બને તેમ જલદી પતી જવું જોઈએ.

બીજા દિવસથી પિતાએ શિવરાજ પાસે હિંદના તેમ જ હિંદ બહારના એક પછી એક નાજુક ન્યાયના કિસ્સાઓની વાર્તા કહેવા માંડી. શિવરાજ એ સાંભળતો ગયો તેમ તેમ એક બાજુથી એના પ્રાણમાં ચેતન પુરાતું ગયું, તેમ બીજી બાજુથી એના ટાંટિયા ધ્રૂજતા ગયા. આમ એનો અભ્યાસ ‘ઇન્ડિયન પીનલ કોડ’ અથવા ‘રોમન ધારાશાસ્ત્ર’થી નહીં પણ જગતના જીવતાજાગતા ઈન્સાફી કિસ્સાઓથી શરૂઆત પામ્યો. રાત્રિએ પિતા એ કિસ્સાઓનું પારાયણ કરી રહેતા તે પછી ચોપડી બંધ કરતાં કરતાં એટલું જ કહેતા :

“બેટા, ઈન્સાફની ત્રાજૂડી નાજુક છે. એક જ નાની લાગણીનો વાયરો એ ત્રાજૂડીની દાંડીને હલાવી મૂકે છે. ઈન્સાફ પોતે આ જગત પર જેટલો ગેરઇન્સાફ પામ્યો છે તેટલો તો કોઈ નિર્દોષ-નિરપરાધી પણ નહીં પામ્યું હોય. ઈન્સાફ આપણા આત્માનું લોહી માગી લે છે.”