પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૫. છાપાવાળાની સત્તા

પને આનંદ થાય એવી એક માગણી લઇને આવ્યો છું.” દેવકૃષ્ણ મહારાજે સુજાનગઢ આવીને દેવનારાયણસિંહ સામે મોં મલકાવ્યું.

“કહોને — શી માગણી છે ?”

“આ વર્ષની મારી સંસ્થાની વરસગાંઠ આપના પમુખપદે ઉજવવી છે.”

“કઈ સંસ્થા ?”

“પીડિતોનું પૈસાફંડ.”

“ક્યાંની ?”

“આખા કાઠિયાવાડની. એનું હેડક્વાર્ટર કેમ્પમાં છે.”

“કેમ્પમાં ? મને તો ખબર જ નથી ! કયે ઠેકાણે ?”

“રેલગાડીના વાંકે. ત્યાં, આપનું ધ્યાન હોય તો, ચાર પાટિયાં ચોડેલાં છે, એ ચારે સંસ્થાઓ મારા હસ્તક ચાલે છે.”

દેવનારાયણસિંહને ચારે ‘સાઈનબોર્ડ’ યાદ આવ્યાં ખરાં. પાંચમું નાનું બોર્ડ હતું — સનંદી વકીલ દેવકૃષ્ણ ‘મહારાજ’નું. એ જગ્યાએ નીકળતી વેળા હર વખત એમને રમૂજ પડેલી. અક્કેક ‘સાઇનબોર્ડ’ પર અક્કેક આખી સંસ્થાનું સર્જન કરનારા લોકો એને શક્તિમાન લાગેલા.

“આ જુઓને, સાહેબ !” એમ કહી દેવકૃષ્ણ મહારાજે ચાર જુદાં જુદાં પેડ પોતાની થેલીમાંથી કાઢીને દેવનારાયણસિંહ પાસે સાદર કર્યા : ચારેના હાંસિયા ઉપર પ્રત્યેક જુદી જુદી સંસ્થાનાં નામ, ઠામ ને નિયમો હતાં; ચારેની અંદર મંત્રી તરીકે એક જ પુરુષનું નામ બેઠું હતું.

“બધું ખૂબ સુવ્યવસ્થિત રાખવામાં આવે છે. સાહેબ !” મહારાજ મૂંગા રહેલા અધિકારીના મન પર છાપ પાડવા મથ્યા. “ચારે સંસ્થાઓની ચાર ચાર વર્ષગાંઠો ઊજવાઈ ગઈ. તેમાં આટલા આટલા પ્રમુખો આવી ગયા —” એમ કહી મહારાજે કાઠિયાવાડ-ગુજરાતની કેટલીક જાણીતી વ્યક્તિઓનાં નામો ગણાવ્યાં. એ નામો પૈકી એક નામ પત્રકારનું, એક નામ કવિનું, એક કોઈ દરબારશ્રીનું — એવી નવરંગી ભાત પડેલી હતી.

“ગયા વર્ષે તો પ્રાંત-સાહેબ પોતે આવવાના હતા, પણ એમનાં મડમસાહેબના કૂતરાને માંદગી આવી પડવાથી મુંબઈ જવું પડ્યું એટલે એમણે દિલગીરીનો કાગળ લખેલો; આ રહ્યો કાગળ —”

એમ કહીને મહારાજે એક ટાઈપ કરેલ કાગળ કાઢ્યો.

“પણ હું તો નહીં આવી શકું, ભાઈ ! — માફ કરજો.” દેવનારાયણસિંહે કશો ઉપચાર કર્યા વિના ના પાડી.

“પણ મેં આ ચંદ્રક ઘડાવી રાખ્યો છે, સાહેબ !”

“શાનો ?”

“પ્રમુખને પહેરાવવાનો.”

પાશેર રૂપાનો એ ચંદ્રક — જેની વચ્ચે એક સાંતીડું કોતરેલું હતું, ને બીજી બાજુ એક પરબનું માટલું-ડોલચું કંડારેલાં હતાં, તે જોઈને દેવનારાયણસિંહ સ્તબ્ધ બન્યા.

૧૮