પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
છાપાવાળાની સત્તા
૧૯
 


“આ ચંદ્રક પ્રમુખસાહેબોને અર્પણ થાય છે, સાહેબ !” મહારાજે પ્રલોભનને જોરદાર બનાવ્યું.

“આના પૈસા શામાંથી ખર્ચો છો ?”

“ફંડમાંથી જ તો, સાહેબ !”

દેવનારાયણસિંહે પોતાનો કચવાટ સંઘરી રાખવા પ્રયત્ન કર્યો.

“વળી હું પણ આર્યસમાજી છું — એટલે આપનો ધર્મબંધુ છું !”

“હું તો નહીં આવી શકું.”

“કેમ ?”

“મને તમારી આ પ્રવૃત્તિ વિશે કશી જાણ નથી.”

“આપ કહો તે જાણ કરાવી આપું.”

“કાગળ પરની જાણને હું જાણ નથી કહેતો.”

“આગલા તમામ પ્રમુખ એ જ રીતે આવ્યા છે.”

“હું તેમના જેટલો લાયક ન કહેવાઉં —– એટલે લાચાર.”

“એનો અર્થ તો, સાહેબ, એમ થયો કે આપને મારા વિશે કશો વહેમ છે.” મહારાજ કડક બન્યા.

“હું એવું ક્યાં કહું છું ? મારે શી નિસ્બત છે ?”

“ના, પણ મને ખબર મળેલ છે કે આપની મારા પર મેલી નજર છે જ —”

“હું તમને એટલું બધું મહત્ત્વ આપતો નથી; સમજ્યા, વકીલ ?” દેવનારાયણસિંહનો અવાજ ઊંચો થયો.

“નથી આપતા — પણ આપવા જેવું છે.”

દેવકૃષ્ણ મહારાજના એ શબ્દોમાં ડારો હતો કે આગ્રહ હતો તે કળવું કઠિન પડે. પણ એની આંખો ઝીણી બની હતી. એની દેવનારાયણસિંહની સામે તાકી રહેવાની અદા વગડાઉ બિલાડા જેવી હતી.

“આપવા જેવું એટલે ? એટલે શું કહેવા માગો છો ?” દેવનારાયણનું આવું સ્વરૂપ કોઈક જ વાર પ્રકટ થતું હતું.

“એટલે કે મેં પણ આપને સાચવી લીધા છે.”

“શામાંથી ?”

“સુજાનગઢના કારોબારની પ્રસિદ્ધિ કરવામાંથી.”

“તમે છાપાવાળા છો એમ ને ?”

“છાપાવાળાની સત્તાને આપ સમજો છો ને ?”

“એની કુસત્તાને પણ સમજું છું. તમે મારા પર એ કુસત્તાનો પ્રયોગ કરવા આવ્યા છો એ વાત પહેલેથી જ કહી નાખી હોત, તો તમારા જેવા જાહેર સેવકનો હું આટલો બધો સમય ન બગાડત.”

“ઠીક, સાહેબ, બગડ્યું છે તે તો હું જ સુધારી લઈશ. બાકી, આપને પ્રમુખસ્થાન સ્વીકારવું હશે તો હજુ મને ખબર મોકલવાનો વખત આપના હાથમાં રહે છે.”

પરોણાની આ છેલ્લી ધૃષ્ટતા અસહ્ય બનતાં દેવનારાયણ ઊઠીને અંદર ચાલ્યા ગયા.