પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૬. અજવાળી

બ્બે કે ત્રણત્રણ દિવસે શિવરાજ કેમ્પમાં જતો. પ્રાંતના એક તેજસ્વી વકીલ પાસે એ તાલીમ લેતો. કોઈ કોઈ વાર આગગાડીમાં ન પહોંચી શકતો ત્યારે પગપાળો પંથ કરતો. વચ્ચે બે ગામડાં આવતાં ને ક્ષિતિજનાં ચુંબનો ઝીલતી ચોમેર ઉઘાડી સોરઠી સીમ એના પગને પ્યારી લાગતી; એની આંખોમાં હરિયાળું કે સોનાવરણું તેજ ભરતી. કોઈ વાર માટીની મીઠી ચળ લેવા માટે શિવરાજ ખુલ્લા પગે ચાલતો. એને હાથમાં જોડા લઈ ચાલતો જોઈ લોકો હસતા.

“કાં, ભાઈ, આજ તો ગૂડિયાવેલ્ય જોડી છે નાં !” તલના દાણા વાવલતાં વાવલતાં લોક ‘ભાઈ’ને પૂછ્યા કરતા.

“મજા પડે છે.” શિવરાજ જવાબ દઈને જરા થોભતો.

“નસીબદાર માણસ ટાંટિયા શીદ તોડતા હશે ?” ખેડૂત નવાઈ બતાવતો.

“ટાંટિયા તો તોડે છે ઘોડાગાડીઓ ને મોટરો, કાકા !”

શિવરાજ બૂઢા ખેડૂતોને બાપના સમવયસ્ક ગણી સન્માનતો.

લાકડાની ઘોડી પર ચડીને ખેડૂતની જુવાન દીકરા-વહુઓ સૂપડે સૂપડે દાણાની ધાર કરતી, ફોતરાંને ઉપાડતો પવન એમનાં શરીરોની અંદર શારડી ફેરવતો, ને નીચે બેઠેલ ડોસો સુંવાળી સાવરણી ચલાવી દાણાનો ઢગલો ચોખ્ખો કરતો. જુવાન દીકરા ખળામાં ધાનને પીસવા ગાડાં હાંકતા, નાને કૂંડાળે ફરતા બળદો પ્રત્યેક આંટે ટૂંપાતા હતા.

“ભાઈ વકીલ થાશે પછે આપણે તો ભાઈને જ વકીલાતનામાં સોંપશું.” બુઢ્‌ઢા વાતો કરતા.

સાંભળતો સાંભળતો શિવરાજ કાંપનું નાનું ગામડું પાર કરતો. ત્યાં એને એક જુદો જ ખેડુ જોવા મળતો. એના મોંમાંથી “રાંડ ગધાડી, ધાન ખાતી નથી કે શું ?” એવા ગોફણના પથ્થરો જેવા બોલ વછૂટતા તે સાંભળવા મળતા.

“અરે અરે, તમે જરા જીભ તો સંભાળો… જુવાન છોકરીને…” દૂર ઊભી ઊભી વાવલતી એક આધેડ બાઈ આ કુહાડજીભા કુંભારખેડુને વારવા મથતી.

“દીકરી તારી છે, રાંડ !” ખેડુ બાયડી પર ઊતરતો : “મારી દીકરી આવી નઘરોળ હોય ? પરોણે પરોણે બરડો ન ફાડી નાખું ! મારા ઘરનું પાલી એક ધાન આરોગી જાય છે તે શું મફત મળે છે ?”

“તે કાંઈ મફત નથી ખવરાવતા તમે;” એક જુવાન છોકરી ધાન ઝાટકતી ઝાટકતી જવાબ દેતી હતી : “હુંય તૂટી મરું છું.”

“સાંઢડો રાંડ ! ફાટ્યું બોલી રહી છે ! અડબોત ભેળા બત્રીસે દાંત પાડી નાખીશ.” ખેડુ હાથ ઉગામીને એ છોકરી પર ધસતો હતો.

ધસ્યા આવતા બિહામણા બાપને દેખી છોકરી ગભરાઈ, ચોમેર જોયું. ફાળ પામતી નાસવા ગઈ. નજીકમાં કોઈ નહોતું; ફક્ત શિવરાજને જ માર્ગ પર ઊભેલો દેખ્યો. દોડીને એ શિવરાજની પાછળ લપાઈ.

ખેડુ ધારતો હતો કે આ અજાણ્યો જુવાન ખસી જશે. ખેડુ શિવરાજથી દોઢેરો

કદાવર હતો. કરડાઈ જાણે એના ચહેરા પર ગૂંચળું વળીને કાળી નાગણ જેવી બેઠી હતી.

૨૦