શિવરાજ ચાલતો થયો, પણ એના મનમાં નવો પ્રદેશ ઊઘડ્યો. એ પ્રદેશ હતો આ
ખેડુલોકોના લગ્ન-સંસારનો. પોતે વકીલ બની રહ્યો હતો, પણ પોતાને આ લોકોના,
જીવન-પ્રશ્નોની ગમ જ નહોતી.
“એને શા માટે વેઠો છો ?”
“શું કરીએ ?”
“છોડી દો.”
“એને બાપડાને આટલાં વરસે રઝળતો મેલતાં હામ હાલતી નથી, બાપુ ! એનું કોણ ? એનાં આંખ્ય-માથું દુખે તો કોનો આધાર ? સૂઝે એમ તોય એણે મને ખરા ટાણાનો આશરો આપ્યો’તો ને ! માણસ જેવું માણસ એકબીજાના ગણ કેમ ભૂલે ?”
તે પછી શિવરાજ જ્યારે જ્યારે કેમ્પને ગામડે થઈને નીકળતો ત્યારે ત્યારે એની આંખો એ ખેડુ-કન્યાને ગોતતી, એના કાન એ છોકરીનું કલ્પાંત પકડવા તત્પર થતા, એના ઘરની પછીત શિવરાજને જીવતી લાગતી. અંદરથી ત્રણે સૂર સંભળાતા : ખેડુની વસમી ત્રાડો, ઓરતની કાકલૂદી અને જુવાન છોકરીના, નહીં પૂરા કરુણ તેમ નહીં પૂરા ઉદ્ધત, છતાં ઉદ્ધતાઈ અને કરુણતાની અધવચ્ચે અટવાતા સ્વરો.
એ છોકરીનું નામ અજવાળી હતું. એના બાપનું નામ વાઘો હતું. ‘વાઘો ભારાડી’ એ એને લોકોએ કરેલું પદવીદાન હતું. સાંજ પડી, ને વાઘો પોતાના જમીન-માલિકને ઘેર પહોંચ્યો. એ ઘર પર ચાર પાટિયાં ચોડ્યાં હતાં. વહેલા વાળુ કરી લઈને દેવકૃષ્ણ મહારાજ પોતાના હાથ મોં ઉપર ફેરવતા હતા. શાકમાં પડતું તેલ અને ખીચડીમાં પડતું ઘી, ખાનારના હાથ પર ચોંટી જાય છે, તેને સાફ કરવા માટે સાબુનું ખર્ચ વધારવું તે કરતાં વધુ સારી રીત એ હાથને સાદે પાણીએ ધોઈને પછી શરીરની ચામડી પર મસળી લેવાની છે, એમ દેવકૃષ્ણ મહારાજ પોતે માનતા ને અન્યને મનાવવા પ્રયત્ન કરતા.
“આવ, વાઘલા.” કહીને એણે પોતાનું ખેતર ખેડતા વાઘાને આદર આપ્યો. વાઘો ખુરશી પર નહીં, ગાદી પર નહીં, જાજમ પર પણ ન બેસતાં બારણામાં જ્યાં જૂતાં પડેલાં હતાં ત્યાં ઉભડક પગ રાખીને બેઠો.
વાઘાને એવી સભ્યતા સાથે બેઠેલો દેખીને મહારાજના મોં પર એક પ્રકારનો સંતોષ પ્રસર્યો. દસ વીઘાંના માલિકે પણ મીઠો આત્માનંદ અનુભવ્યો કે, હું ધણી છું; આ મારો ખેડુ છે, ને એ મારી પાસે રાવે આવ્યો છે.
વાઘાએ બેસતાંની વાર નિઃશ્વાસ નાખ્યો.
“ફોરમના પૈસા લાવ્યો છો ?” મહારાજે વાઘાની સામે દીપડાદૃષ્ટિ કરી. વાઘાએ ડોકું ધુણાવ્યું.
“તો મેલી દે જમીન.”
“તોય ચડત ફારમ ક્યાંથી ભરીશ ?”
“દીકરી પરણાવ્ય.”
“કોની દીકરી ?”
“તારી.”
“મારી નહીં — મારી બાયડીના આગલા ધણીની.”
“કોની દિકરી એ મારે ક્યાં નક્કી કરવું છે ?”
“મારા પંડ્યના સમ, ધજાવાળાના સમ : પેટમાં છોરુ સોતી આવેલી — ને મેં એને