આ દોષમાં તો સરસ્વતી મને ઈતિહાસના મહાપુરુષોની જોડે સહભાગી બતાવે છે,
એવું જોઈ શિવરાજને દિલાસો જડ્યો.
“આ તમામ અન્યાયોના ઢગલામાં સુરંગ મૂકવા અમે આજની — નવા યુગની — નારીઓએ કમર કસી છે.”
શિવરાજને છાપાનાં મથાળાં સાંભર્યા. સરસ્વતી વર્તમાનપત્રો પણ વાંચે છે ને શું ! કેટલું બહોળું જ્ઞાન ! કેટલી અબૂઝ આગ !
“એ સુરંગ મૂકવામાં તમે સામેલ થાઓ — તમારા પૂર્વજોએ કરેલા મહાપાપનું પ્રાયશ્ચિત મેળવો, મારી સાથે જોડાઓ.”
શિવરાજને માટે તો એ એક જ વાક્ય અગત્યનું હતું. નારીજાતિના પ્રારબ્ધમાંથી જુગજુગોના જુલ્મો ભૂંસવાવાળું વાકય ? ના. ના. ‘મારી સાથે જોડાઓ’ — એ વાક્ય. આખી સ્ત્રીજાતિ એક આ કુમારિકાનો અવતાર ધરીને એની સન્મુખ ખડી થઈ હતી. શિવરાજ ઝડપાયો.
“અમે છ મહિનાની મુસાફરી પર ગયાં હતાં.” સરસ્વતીએ પોતાને જે નશો ચડ્યો હતો તેનો ઈતિહાસ કહ્યો : “અમે ઉત્તર હિંદનાં શહેરે-શહેર ઘૂમ્યાં. અમે અક્કેક દિવસમાં પાંચ-પાંચ સભાઓ કરી ભાષણો કર્યાં. મારાં ભાષણોની તો આગ લાગી ગઈ છે.”
“લાગ્યા વિના ન જ રહે.” શિવરાજ પોતે જ આ નાનકડા ભાષણથી સળગી ઊઠ્યો હતો તે પરથી ત્રિરાશિ બાંધી શક્યો.
“આ બાપુજી આવ્યા.”
“તમારી જાતથી તો તોબાહ, બાઈ !" બુઢ્ઢા ડેપ્યુટીએ બેઠક પર પોતાનો દેહ પડતો મૂકતાં કહ્યું.
“તમારી જાતથી દસ હજાર વાર તોબાહ !” સરસ્વતીએ પિતાને સંભળાવ્યું.
“આજનો કેસ સાંભળવા તું આવી હોત તો જોઈ શકત.”
“શું જોઈ શકત ?”
“- કે તારી જાત કેટલી ઘાતકી ને ખૂની બની શકે છે. શિવરાજ, તમે વકીલાત માટે તૈયાર થઈ રહ્યા છો, ને આવો રસભર્યો મુકદ્દમો સાંભળવા ન આવ્યા ? એક કણબણે પોતાના ધણીને ખોરાકમાં કાચ ખવરાવીને તરફડાવી-તરફડાવી માર્યો.”
“ને એનો ધણી તો સાવ સોજો હશે ? કાચ ન ખવરાવે તો બીજું શું કરે નિરાધાર સ્ત્રી ? તમારો કાયદો એને પતિની પૂંછડીએ જકડી રાખે છે તેનું કેમ ?” સરસ્વતી પાસે ગોખેલી ભાષા હતી.
“કાચ ખવરાવીને !” શિવરાજને કમકમાં આવ્યાં.
“મારી સામે જે જુબાનીઓ પડી છે તેમાંથી તો એક જ છાપ મારા મન પર પડી છે-એ નામર્દ હતો, મેંઢા જેવો હતો. બાયડીનો મદ માતો ન હતો. બીજા સાથે પરણવું હતું. ધણીને કહેતી કે, મને લખણું કરી દે તો હું બીજે જાઉં. ધણીનો બાપ કહે કે, મફત લખવું નથી કરી દેવું, પૈસા આપે. બસ, એટલા ખાતર કાચ ખવરાવી માર્યો !”
“તમે એની શી સજા કરવાના છો ?” સરસ્વતીએ પૂછ્યું.
“સેશન્સમાં મોકલીશ.”
“શિવરાજભાઈ !” સરસ્વતીએ કહ્યું : “તમારી સનંદ ઝટ લઈ લ્યો. સેશન્સમાં જઈ તમે એનો બચાવ કરો.”