ધમપછાડા ભાગ્યે જ ગમે, નાસ્તાની રકાબી ભરવા જતાં જતાં ચારેક વાર પાછી ફરીને સરસ્વતી એ–ના એ બબડાટ કરી ગઈ. રકાબીમાં ચવાણું પૂરતાં પૂરતાં એણે ચેવડાની બરણીને બદલે મીઠાની બરણીમાં ને મેવાના ડબાને બદલે કોકમના ડબામાં હાથ નાખ્યા.
અંતરના એકાદ સ્નેહબિંદુની વાટ જોતો શિવરાજ નિરાશ થયો. સરસ્વતીનાં નેત્રોમાં, મોં માથે, ચેષ્ટામાં — ક્યાંય એણે ઉરની ઊર્મિની કિનાર પણ ન દીઠી. એની એ જ વાતો : આંહી ગયા’તાં : ત્યાં આવું ભાષણ કર્યું’તું : પેલે ગામ અમને માનપત્ર મળ્યું’તું : સ્ત્રી-જાતિને અમે ખળભળાવી મૂકી’તી : નાટ્યપ્રયોગમાં મારો બંડખોર કન્યાનો પાઠ આવ્યો ત્યારે તાળીઓના ગડગડાટ થયા હતા, વગેરે વગેરે.
શિવરાજને ખાતરી થઈ કે પોતે શોધતો હતો તે બારી તો બિડાઈ ગઈ હતી.
૮. બે વચ્ચે તુલના
શિવરાજ અને સરસ્વતી વચ્ચે જ્યારે સો જોજનનું અંતર પડી રહ્યું હતું, ત્યારે એમના બંનેના બુઢ્ઢા પિતાઓ અંદર બેઠા બેઠા જુદો જ વાર્તાલાપ છેડી રહ્યા હતા. ડેપ્યુટીએ જ પ્રશ્ન ઉખેળ્યો હતો : “આપણે બંને પરદેશીઓ છીએ. વતનમાં કોઈ આપણાં છોકરાંને સંઘરશે નહીં, ને આંહીં પણ ગુજરાતીઓ પોતાને સુધારકો કહેવરાવે છે એટલું જ માત્ર. આંહીંના સંસારસુધારા સમાજો અને થિયોસોફિકલ સમાજ એ તો એના સભ્યોને મન શોભાની કલગીઓ છે. બાકી એ કોઈ કુટુંબમાં આપણાં છોકરાંનો સંસાર બંધાવાની આશા રાખવા જેવું નથી.”
“હું જાણું છું. એમાંના ઘણાખરા લોકો કુલીનો છે; કુલીનો હોવાનો દાવો કરે છે ને એક-બે આંતરજાતીય લગ્નો પોતાને ત્યાં થયાં છે એવું અભિમાન લે છે. પણ મારા જેવા કાઠિયાવાડમાં પરણેલાઓને તો એ ઊતરતી જાતના જ ગણે છે.”
“મને ડગલે ને પગલે ફાળ પડે છે, કે આ સરસ્વતીને કોઈક અમદાવાદી જુવાન લગ્નની લાલચ આપશે ને પાછળથી એનાં કુટુંબીજનોની કુલીનતાનું દબાણ આવશે ત્યારે એ છોકરીને ધક્કો દેશે.”
“ને શિવરાજની મા તો ઢેડડી હતી એમ આજ પણ છાને ખૂણે વાતો કરનારા સુધારકો પડ્યા છે !”
“આપણે બંને આપણી મૈત્રી છોકરાંનાં જીવનમાં ન રોપી શકીએ ?”
“એમને એમની જાતે જ નિર્ણય લેવા દઈએ તો ?”
“આપણા મનોભાવની એમને જાણ થાય તો એમનો રસ્તો સરલ બનશે.”
“ભલે.”
સરસ્વતી અને શિવરાજ અંદર આવ્યાં. સહેજ શ્યામવરણો શિવરાજ અને ગોરી સરસ્વતી એકમેકથી ખીલતાં હતાં. શિવરાજના ગાંભીર્ય ફરતી સરસ્વતીની ચંચળ ધૃષ્ટતા, મેઘ ફરતી જ્યોતની કિનાર ટાંકતી વીજળીનું સ્મરણ કરાવતી હતી. પરંતુ આંતરિક વિરોધને ન ઉકેલી શકનાર બંને બુઢ્ઢાઓ આ દેખાતા મેળથી છેતરાતા હતા.
શિવરાજ જોડા પહેરવા લાગ્યો.
“ઘેર આવવું છે ને ?” પિતાએ પૂછ્યું.