લખાણ પર જાઓ

પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બે વચ્ચે તુલના
૨૯
 


“હા જી.”

“ક્યાંથી લેતો જાઉં ?”

“હું રસ્તા પર પીરની દરગાહ પાસે આપની રાહ જોઈશ.”

“સારું.”

“વારુ ત્યારે, આવજો !” એટલો વિવેક કરીને સરરવતી પોતાના ઓરડામાં ધસી ગઈ. ત્યાંથી એના સ્વરો ઊઠતા હતા. શિવરાજ ચાલ્યો જતો જતો સાંભળતો હતો :

જુગજુગના અન્યાય —
ભેદો જુગજુગના અન્યાય;
પુરુષજાતિ ફીટ જાય —
ભેદો જુગજુગના અન્યાય.

કેમ્પની બહાર ચાલ્યા જતા શિવરાજને પછવાડેથી કોઈક હાકલા થતા સંભળાયા. પોતે પાછળ જોયું. ખેતરમાંથી આડે માર્ગે રામભાઈ દોડ્યો આવતો હતો — શિવરાજનો સ્નેહી અને દેવકૃષ્ણમહારાજનો દીકરો.

રામભાઈ આવીને ઊભો રહ્યો ત્યારે એના ચહેરા પર ફિક્કાશની ફૂગી વળી ગઈ હતી. કાંઈ બોલ્યાચાલ્યા વિના જ એ કોઈ ગુનેગારની જેમ ઊભો રહ્યો.

“કેમ ? દોડ્યો આવ્યો ને બોલતો કેમ નથી ?”

રામભાઈનાં નેત્રોમાં જળનું કૂંડાળું હતું — જેવું કૂંડાળું કોઈ કોઈ વાર ચંદ્રમા ફરતું અંકાય છે.

“અમે બધાં આજે ઘરમાં રડ્યાં-કકળ્યાં છીએ. મારી બા અને મારી બહેનો તારી માફી માગે છે.”

“શા માટે ?”

“મારા બાપુએ તને છાપામાં બદનામ કર્યો છે એ ખબર પડતાં જ અમારા બધાંના હોશ ઊડી ગયા છે. શિવરાજભાઈ, તું…”

રામભાઈએ શિવરાજનો હાથ ઝાલી લીધો.

“અમે એને પનારે પડ્યાં છીએ. અમે એની ગંદી રોટલી ખાઈને જીવીએ છીએ !”

“તું મનમાં કાંઈ ન લાવ.”

“મારી બાએ ને બહેનોએ એક વાર તને મળવા તેડાવ્યો છે.”

“કાલે આવી જઈશ.”

“મનમાં કાંઈ…?”

“કાંઈ નથી — હતું તે ઊતરી ગયું. જા, તું તારે.”

“મારી બાએ તલ અને દાળિયાના લાડવા કર્યા છે, તને ચખાડવા છે.”

“તેં તો આજ સુધી એકલા એકલા ખાધા કર્યા ને !”

“ના, હું અડક્યો જ નથી. અમારા ખેતરમાં એ વાઘડાની દીકરીનાં ને એની માનાં આંસુ છંટાય છે. હું એ તલના લાડવા જોઉં છું ત્યાં મને એ યાદ આવે છે.”

“મને તો થાય છે કે તારા બાપુની પાછળ તું ખેતર-વાડી સાચવી રહ્યો !”

“બાપુ પણ મને એમ જ કહે છે, એમાં તું નવું શું કહી રહ્યો છે ?”

“અજવાળીને હજુય એનો બાપ મારે છે ?” શિવરાજે અજવાળીની વાતનો તાંતણો ન ગુમાવ્યો.