લખાણ પર જાઓ

પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
અપરાધી
 


“પરણાવી’તી પૈસા લઈને, ત્યાંથી વળતે જ દિવસે બહાનું કાઢીને પાછી લઈ આવ્યો છે, તે હવે મોકલતો નથી.”

“કેમ ?”

“ફરી વાર ઘરઘાવીને પૈસા કમાવા માટે. એ શિખવણી પણ મારા બાપુની જ છે.”

“શા માટે પણ ?”

“બાપુને પોતાનું લેણું પતાવવું છે. મારાથી તો હવે ઘરમાં રહી શકાતું નથી, ભાઈ !”

“હવે ક્યાં ઝાઝી વાર છે ? એક વર્ષ પછી તું પણ તારો સ્વતંત્ર ધંધો માંડી શકીશ.”

“પણ આ સંતાપનો માર્યો વાંચવામાં મન જ પરોવી શકતો નથી ને !”

“મને પાસ થઈ જવા દે. પછી મારી જોડે જ રહેજે.”

સંધ્યાકાળના ચોર જેવા ચાલ્યા જતા અજવાળામાં દૂર દૂર સરતો જતો કાળો ડગલો રામભાઈની આંખોએ પારખી લીધો એ હતા દેવકૃષ્ણમહારાજ. ડરેલો રામભાઈ બીજી દિશામાં સરકીને ચાલી નીકળ્યો.

ગામડાનાં ખોરડાંમાંથી સાંજના રાંધણાનો ધુમાડો છાપરાં વીંધતો હતો. છાપરે છાપરે ધુમાડાની શેડ્યો ગૂંચળાં ખાતી ખાતી નીકળતી હતી. પડી ગયેલો પવન ગુંડાશાહી કરી કરીને એ ધુમાડાની રેખાઓને આમ કે તેમ ક્યાંય જાણે કે છટકવા દેતો નહોતો. ખેતરમાં ભરવાડો ગાડર ને બકરાં દોહી રહ્યા હતા. નાનાં બચળાંના બેંબેંકાર ગામના વાતાવરણમાં કોઈ અકળ ઉદાસી ભરતા હતા. ભરવાડના કૂતરા એક ગધેડીના પગને બચકાં ભરી ભરી રાતના ભોજનની વહેલી વહેલી તજવીજ કરતા હતા.

અજવાળી એ વખતે ઓરિયાની માટી ખોદીને ચાલી આવતી હતી. શિવરાજને જોતાંની વાર જ એને શરમની ફાળ પડી. પોતાનું ઓઢણું એણે સંકોડીને હૈયા પર ઓઢી લીધું. પણ એ સંકોડવું ન સંકોડવું એકસરખું જ હતું. ઓઢણાના તો લીરા લીરા થઈ ગયા હતા.

બાપાની સાથે ડાકણરૂપ ધરીને બાખડનારી તે દિવસની પ્રભાતની અજવાળી, અને ઉદાસ સંધ્યાના કરુણાર્દ્ર વાતાવરણની વચ્ચે ઉદ્યમ કરીને એકલી ચાલી આવતી અજવાળી, એકબીજાથી જુદી જ હતી.

‘હું વકીલ થઈ જાઉંને એક વાર,’ શિવરાજને વિચાર આવ્યો : ‘તો પછી આ છોકરીને એના બાપના જુલમોમાંથી છોડાવી દઉં.’

ગામના ઝાંપામાં પેસીને અદીઠ બની ત્યાં સુધી અજવાળી એક જ સરખી લજ્જાળુ ચાલે ચાલી જતી હતી. સંકોડેલા ઓઢણાને એણે છેવટ સુધી ઢીલું મૂક્યું નહોતું. એની અદબમાં કોઈ પ્રકારની બનાવટ ન લાગી. એણે કુતૂહલથી પાછળ પણ જોયું નહીં.

સરસ્વતી અને અજવાળી વચ્ચે શિવરાજના અંતરમાં આપોઆપ સરખામણી સ્ફુરી : પુરુષોના સિતમો સામે પડકાર કરતી સરસ્વતી હજુ પુરુષજાતના એક પણ સિતમનો અનુભવ ચાખ્યા વિનાની જ હતી. અન્યાયોની સામે હાકલ કરવાનો જાણે કે એ કોઈ નાટકિયો પાઠ કરી રહી હતી. એની પાસે શબ્દો હતા. અજવાળીને મોંએ ને હૈયે મૌન હતું. સિતમોના સોળ એની રગ રગ પર ઊઠ્યા હતા. ઝઝૂમવાનું જોમ તેમ જ ઝનૂન — બંને એના મનમાં ભરપૂર હતાં, છતાં અજવાળીના સ્વભાવની ક્રિયા જુદી હતી. આ સરસ્વતીઓ, આ શહેરની સભાઓ ગજવનારીઓ, કદી આ અજવાળીના અંતઃકરણ સુધી પહોંચવાની છે ? નાટક અને જીવન વચ્ચેનો ફરક સમજવાની છે ? ઉકેલ આપવાની છે ?