લખાણ પર જાઓ

પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪
અપરાધી
 


જુવાન એની ઠંડાઈ પ્રત્યે જોઈ રહ્યો. મોટાએ જમણો પંજો ખોલીને ચાના ટેબલ પર પાથર્યો. એણે બતાવ્યું નહીં, કંઈ કહ્યું નહીં. જે કહેવાનું હતું તે એનો પંજો જ કહી રહ્યો હતો. આખા પંજામાં કોઈ જૂના દાહની ઊંડી દાઝ્યો હતી.

જુવાને આ પંજો પૂર્વે પણ જોયો હતો; અત્યારે જોઈને એને થરેરાટી છૂટી ગઈ.

પંજો બોલતો હતો : “હજુ આ તો બાકી છે. અત્યારથી જ શું મરું મરું કરે છે !”

પોતાનો ચાનો પ્યાલો જુવાને મોંએ લીધો. મોટાએ પ્યાલાને ટેબલ પર જ રહેવા દઈ પોતાનું મોં નીચે સુધી લીધું.

એની આંખો જુવાન સામે તાકતી હતી જાણે કોઈ ઝાડીમાં લપાઈ રહેલી વાઘ જોતો હતો.

“શું ધાર્યું ?” એણે જુવાનને પૂછ્યું.

“શાનું ?”

“ભાષણ કરનારીનું.”

“એટલે ?”

“એનામાં તાકાત છે ને ?”

જુવાનના પોતાના જ બોલને આ મૂંગા માણસે પોતાના મૌનના વીંછી–આંકડામાં જાણે કે પકડી લીધો હતો.

“એ તાકાત આપણામાં ભળે તો ?” મોટો હજુય બિલ્લી-આંખે ટેબલ પરનો પ્યાલો પીતો પીતો ઊંચે નજર માંડી રહ્યો હતો. ખરી રીતે એ ચા પીતો નહોતો, પણ હોઠને ભીંજવી જ રહ્યો હતો.

“કેવી રીતે ભળે ? આપણે એનામાં અભ્યાસ અને ભાવના ભરવી જોઈએ.”

“નાદાન !” મોટાએ ચાના ભર્યા પ્યાલામાં ફક્ત હોઠ પલાળતે જ કહ્યું : “ક્રાંતિ ત્યાં સુધી વાટ જોઈને ઊભી રહે ? ક્રાંતિ દરવાજા પર ટકોરા દઈ રહી છે, સાંભળતો નથી ?”

“શું કહેવા માગો છો ?”

“એને ખેંચી લેવી.”

“પણ કેવી રીતે ?”

“રસીથી.”

“રસીથી ?”

“હા; એ રસી તારી આંખોમાં જ છે.”

જુવાનને લાગ્યું કે આ શબ્દો કોઈ ઝીણાં જીવડાં બનીને પોતાની આંખોમાં ફરવા લાગ્યાં છે.

“એને બાંધી લે.”

“શું ? – શું ? આ તમે કેવી વાત કરો છો, પ્ર –”

“ચૂપ ! નામબામ ન ઉચ્ચારવું. હું ઠીક વાત કરું છું : ક્રાંતિના દીપકમાં પૂરવાનું દિવેલ ચોરવું, છીનવવું કે ઉધાર લેવું – એ ધર્મ છે.”

“પણ મને એના પ્રત્યે કોઈ ભાવ જ ઊપજતો નથી.”

“ભાવ ન ઊપજે તો કંઈ નહીં; ભાવને જાતે જ બનાવી લેવો. સ્વયંસ્ફુરણા તો શાયરોને માટે જ રહેવા દઈએ.”

યુવાનની આંખોમાં ભૂતો ભમવા લાગ્યાં. મોટાએ હજુપણ પ્યાલાની સપાટી ઓછી