લખાણ પર જાઓ

પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
‘એને ખેંચી લે !’
૩૫
 


કરી નહોતી. એક વાર હોઠ ઝબોળીને એણે કહ્યું : “એના પિતાની એ લાડીલી છે; પૈસા લાવી શકશે. શક્તિ છે – ને સંપત્તિ ભળશે. આપણા પંદર ભાઇબંધો ભૂખે મરે છે તેની તને લજ્જા નથી આવતી ?”

“પણ મારી લાગણીનો તમને વિચાર નથી આવતો ?”

“એ લાગણી ક્રાંતિની શત્રુ છે. ક્રાંતિ આવ્યા પછી કરોડો હૃદયોને એ લાગણીથી લીલાલહેર થઈ રહેશે. તારા જેવો ચહેરો ને તારા જેવી કાળી સુંદર આંખો અમને મળી નથી. તને એ મળી છે તે કોને માટે ? — શાને માટે ? ક્રાંતિને માટે — શોભાને માટે નહીં. ઊઠ, એને તારી કરી લે.”

બેઉ ઊઠ્યા. મોટાએ ફરીથી જુવાનનો પંજો પકડ્યો. હોટેલમાંથી નીકળતે નીકળતે એણે એ પંજો જોરથી દાબ્યો; દાબતે દાબતે કહ્યું : “તું ઉગ્રભાષી છે, ક્રાંતિનો લાડીલો છે.”

ફરી પાછી સામી ફૂટપાયરી પર જવા માટે ઝીંકાઝીક ચાલી. જતાં વાહનોની ગિરદી, વચ્ચે મોટો આ જુવાનને ખેંચી ખાબકી પડ્યો. વાહનોની ચીસાચીસોની વચ્ચે મોટાના છેલ્લા બોલ સંભળાયા : “નામ તો પછી બદલવું પડશે. ‘સરસ્વતી’ નામમાં ક્રાંતિની ઘાતક કોઈ જુનવાણી સુગંધ છે.”

બેઉ મિત્રો રાજમાર્ગમાંથી બહાર નીકળી ગયા. મોટાએ જુવાનની છાતી પર પંજો મૂક્યો — ને કહ્યું : “કલેજું ફફડી ઊઠે છે ત્યાં સુધી ક્રાંતિની ઝંખના જૂઠી છે. તારાં પ્યારાં શાસ્ત્રોએ પણ નિર્મમ થવા પ્રબોધ્યું; તારી માનીતી ‘ગીતા’એ ‘વિગતજ્વર’ બનીને ધર્મયુદ્ધ કરવા ફરમાવ્યું છે.”

જુવાનના ચહેરા પર આ શબ્દો જાણે કે તમાચા બની પડ્યા હતા. એનો ક્રાંતિકારી વડીલ આજે શાસ્ત્રો ટાંકતો હતો. એ શાસ્ત્ર-વચનનો ઇન્કાર-પ્રતિકાર થઈ શકે તેમ નહોતું.

“‘ગીતા’ તો ક્રાંતિવાદની હિમાયત કરનારો મહાગ્રંથ છે,” વડીલની મુખરેખાઓ તુચ્છકારના ભાવમાંથી સળવળીને ધર્મના રંગો ધારણ કરી રહી “પણ ‘ગીતા’નો દુરુપયોગ થયો છે. ક્રાંતિના છેલ્લા પડકાર કરતી ‘ગીતા’ આજે તારા સંતડા અને સાધુઓને પનારે પડી રહી છે. હું જન્માન્તરમાં માનતો હોત તો કહેત કે કૃષ્ણનો આત્મા જ્યાં હશે ત્યાં આજે માથાં પટકતો હશે.”

“તમે કોણ છો ?” જુવાન આ અકળ પુરુષને તાકી તાકી જોઈ રહ્યો.

“હું કોણ છું ?” વડીલ હસ્યો : “હું ક્રાંતિ છું, હું એક ભાવના છું. હું જગતનો સરવાળો અને બ્રહ્માંડનો નિષ્કર્ષ છું. માનવતાના ક્ષીરસાગરની હું મલાઈ છું — બીજું કશું નથી. તું પણ બીજું કંઈ નથી રહેવાનો. ક્રાંતિ એક એવો સરવાળો છે કે જેમાંથી બાદબાકી થઈ શકતી નથી.”

ક્રાંતિનો એ ભક્ત પોતાના જુવાન શિષ્યને નિગૂઢતાના ભયાનક સૂરે ગૂંગળાવી રહ્યો.

“તું એને તારી કર — મારે ખાતર નહીં, તારે ખાતર નહીં, ક્રાંતિને ખાતર તારી કર. તું પોતે નિર્મમ બનવા ખાતર આ ભયાનક માર્ગની ઉપાસના કર. પછી જોજે તું, તારું દિલ કોઈ એક સમાધિમાં લીન બની જશે. આપણા સર્વની અંદર વિષાદમાં પડેલા અર્જુનને કૃષ્ણની ‘ગીતા’ હાકલ કરે છે.”

નદીનો પુલ આવી ગયો. વડીલે કહ્યું : “હું સ્નાન કરવા જઈશ. તું તારે કામે પહોંચ. આ ઊભું એનું છાત્રાલય. એને ઉપાસ ! ક્રાંતિને ઉપાસ !”