નહીં આવે. બાકી તો, ભાઈ, મેં ક્યાં મકાન ભાડાં ખાવા કર્યા હતાં ? આ તો ઘરની
સાચવણી રહે, ને તમારા બાપુની શરમ ન છોડાય, એટલે વળી ભાડે આપેલ છે. નીકર
મેડી કાંઈ આટલા ભાડા સારુ થઈને થોડી બગાડાય છે, ભાઈ !”
એ બધું કહેતા શેઠ નીચે ઊતરતા. તે પછી મકાનની અંદર જતા ઘરધણીની ત્રાડો શિવરાજને કાને પડતી :
“એલા, ક્યાં ગયો તારો ડોસો ! છ મહિનાનું ભાડું ચડ્યું છે તોય ચોટ્ટો ભરતો કેમ નથી ? એલી ઓતડી ! તારો રઢિયાળો શહેનશાહ ચાની તો નાત ભેગી કરે છે હોટલુંમાં ! — ને ભાડું ભરતાં કાં બરછિયું લાગે છે ? મારાં સાળાં પણ ભેળાં થયાં છે ને મારા મકાનમાં !”
શેઠની આ ભયાનક હાકલો ચોગાનમાં રમતાં નાનાં ભાડૂત-બચ્ચાંઓની ક્રીડાઓને થંભાવી દેતી. દરવાજાની ચાલીમાં ભાડે મુકાતા મરચાના કોથળા, અને ચોગાનમાં ભાડે સૂકવાતી તમાકુ ભાડૂતોનાં બચ્ચાંને દિવસરાત ખોં-ખોં કરાવતી. શિવરાજની મેડી બહાર પડતી. તેનો દાદર પણ સ્વતંત્ર, બહાર હતો. એટલે પોતે આ તકલીફથી મુક્ત હતો. ને ભાડૂતોનાં સ્ત્રી-બાળકોનાં કષ્ટોનો મૂંગો પ્રેક્ષક બની શકવા તેને પાછળની એક બારી મળી હતી. એ એક જ મકાનમાં શિવરાજની સંપૂર્ણ દુનિયા હતી. એ દુનિયામાં એનો રસ વધતો ગયો. પિતાએ એક વાર શિવરાજને ત્યાંથી મકાન બદલવા કહ્યું. પણ શિવરાજ આ માનવ-જંતુઓના જીવનમાં એકરસ બન્યો હતો. ઉંદરના પ્રેમી પેલા ચિનાઈ કેદી લાટૂદની માફક મુક્તિ એને ગમતી નહોતી. પિતાને તો આગ્રહ ન કરવાનું નીમ હતું. શિવરાજ એ સૃષ્ટિમાં જ સમાઈ રહ્યો.
રવિવાર ગાળવા માટે પ્રત્યેક શનિવારની સાંજે શિવરાજ સુજાનગઢ ચાલ્યો જતો. બાપુ સાથે ગાળવા મળતી આ અક્કેક રાત પુત્રને વધુ ને વધુ મીઠી થઈ પડતી. ઓછાબોલા પિતા પણ શનિવારની રાત્રિએ શબ્દોની કૃપણતા નહોતા રાખતા. ઈન્સાફ અને કાયદાની રોમાંચક ઘટનાઓ, અપરાધના રહસ્યભર્યા કિસ્સાઓ, અને લોકોનું સાચું જિવાતું જીવન : એ પિતાજીની વાતોના વાણાતાણા હતા. એ વાતો કોઈ વેલ અને બુટ્ટા ભરેલી ચાદરો જેવી, તારાજડિત રાત્રિઓ સમી, વાદળીઓની કંડારેલી સંધ્યાઓ સરખી બની જતી.
“લોકોને સુધરેલી સભાઓમાં નહીં પણ તેમના મેળાઓમાં ગોતજે; નાટકશાળાઓમાં નહીં પણ ભવાઈઓમાં નિહાળજે; છાપાંમાં નહીં પણ તાબૂતોનાં સરઘસોમાં ઓળખજે. ઈન્સાફની આંખો આવા પરિચયો વગર આંધળી છે, બેટા.” દેવનારાયણસિંહ એટલું કહ્યા પછી સિતાર પર ખૂબ જામી જતા.
સેંકડો સરકારી અધિકારીઓના દીકરા રાષ્ટ્રભક્તિની જાહેર બંડખોરીમાં જોડાયા છે. શિવરાજના મનોરાજ્યમાંથી એ ઊર્મિના વાયરા વીંધીને આરપાર નહોતા ગયા એમ કોઈ ન માને. પરંતુ નથી માલૂમ, કયા કારણે, પિતાના ભાવના-રંગોમાં પોતે વધુ પડતો રંગાયો હતો તે કારણે, કે પછી કદાચ લોકસેવાની જે સીધી શક્યતા વધુમાં વધુ તો ન્યાયના ક્ષેત્રમાં રહેલ છે તેના ખ્યાલને કારણે — શિવરાજ પોતાના દોર પર જ, એક પ્રવીણ નટવાની પેઠે, એકચિત્તે રમતો રહ્યો. એના જીવન-સંસ્કારોએ સરલ કેડો પકડ્યો. રાષ્ટ્રયુદ્ધની કારમી વાટ કાં તો પોતાને ઢોંગી બનાવશે, અથવા તો પોતાને કાયર કરી મૂકશે એવી એને દહેશત લાગી. દેશના લાખો જુવાનોની જોડે એ પણ શરમિંદો બનતો બનતો પિતાની સરકારી નોકરીના સુરક્ષિત પંથ પર પગલાં માંડતો ચાલ્યો. સીધી