પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮
અપરાધી
 


લાગવગ નહીં તોપણ પિતાની સુવાસભરી કારકિર્દીની આડકતરી લાગવગે એને યારી આપી. એની ધારાશાસ્ત્રી તરીકેની તેજસ્વિતાએ થોડા જ મહિના પછી એને જાણીતો કરી મૂક્યો. શિવરાજ એક બે મુકદ્દમા લડ્યા પછી ન્યાયાધિકારી નિમાયો. દેવકૃષ્ણ ‘મહારાજ’ પણ એની પાસે શ્રીફળ તેમ જ સાકરનો પડો લઈ રાલામે આવી ગયા. અજવાળીનો સાવકો બાપ પણ આવ્યો, અને પગમાં માથું નાખી ગયો.

“એંહ — જોવો, સા’બ, તમારું ખાસડું ને મારું મોં !” એમ કહીને એણે શિવરાજનો સ્લીપર ઉપાડ્યો, ત્યારે શિવરાજે એના હાથ ઝાલીને એને ક્ષમા આપી.

બાર મહિના આવ્યા — ને ગયા. ન આવી એક સરસ્વતી. શિવરાજના મનમાં સરસ્વતી એક નીરવ શૂન્યતા મૂકી ગઈ હતી. સરસ્વતી ઉપર અણગમો લાવવાના પ્રયત્નોએ શિવરાજના મન પર ઊલટા પ્રત્યાઘાતો કર્યા હતા. પ્રથમ દીઠેલી અને દિલની લગોલગ ડોકિયું કરી ગયેલી સરસ્વતીને નવા ઢંગવાળી સરસ્વતી દબાવી કે અદીઠી નહોતી કરી શકી. સરસ્વતીએ પોતાને રઝળતો કર્યો હતો. પોતાના માતૃહીન, ભાંડુહીન સંસારમાં ગુપ્ત પડેલી વાસનાનાં પંખીડાં પાસે થોડો કાળ ચપટી ચણ નીરીને જાણે કે સરસ્વતી છટકી ગઈ હતી. ટેવાયેલાં મન-પંખીડાં ચબૂતરાને ઉજ્જડ પડ્યો દેખી, અફાટ પૃથ્વીતલ પાથરેલું હોવા છતાં, ચણવા ઊડી શકતાં નહોતાં. શિવરાજની ધંધાદારી સફળતાનું ઝરણું જ્યાં ચાલ્યું જતું, તેની નીચેની ધરતીમાંથી કોઈ ક્ષાર જાણે કે ખદબદતો હતો : જીવનનાં નીર બેસ્વાદ બન્યાં હતાં.

પુરુષની બેવફાઈ પર પુરાણો ભરાયાં છે. પુરુષોની હૃદય-ક્યારીઓને પાણી પાઈ પાઈને પછી એક દિવસે ઓચિંતાના ધોરિયા તોડી નાખનાર સ્ત્રીઓ વિશે સાહિત્ય ચૂપ રહ્યું છે.

અમદાવાદનાં છાપાં ‘વીરાંગના’ સરસ્વતીની છબીઓ લઈને આવતાં. શિવરાજ કેટલાય કલ્પિત ધૂર્તોને દાંત વચ્ચે ભીંસતો. એક બાજુ અણગમો, અને બીજી બાજુ વધુ જોર કરતું આકર્ષણ : બે છેડાની વચ્ચે તેના હૃદયનો લોલક ઝૂલ્યા કરતો.

શ્રાવણ માસ આવ્યો. મેળાની મોસમ આવી. સોરઠી ધરાને તેમ જ સોરઠના માનવીઓને રંગો ધારણ કરવાની ઋતુ આવી. મનખ્યો તરણેતરને મેળે હાલ્યો. માર્ગે માર્ગે ને સાંકડી કેડીઓને માથે પાંચ-પાંચ ગાઉ જનસમૂહનાં કીડિયારાં ઊમટ્યાં.

શિવરાજની પાસે અદાલતમાં એક એવો મામલો હતો, કે જેનો સંબંધ મેળાઓ જોડે હોય. મેળે આવીને પરબારાં પરણી ગયેલાં બે આહીર સ્ત્રીપુરુષનો એ મામલો હતો. બાઈએ કબૂલાત કરી હતી કે, જુવાન મને ભોળવી ગયો હતો. જુવાને તકરાર લીધી હતી કે, એ ડાકણે જ મને મેળામાંથી મોહને ફાંસલે ફસાવ્યો હતો.

બંને જણાંએ સામસામા મોરચા માંડીને મેળાની હવામાં ભરેલી મુગ્ધતા વર્ણવી બતાવી હતી. “મેળો તો, સા’બ, તમ રોખા ડાયાઓનાંય મન ભમાવી નાખે છે, તો મારા જેવા અભણ અજ્ઞાની રોંચાની શી ગુંજાશ !” પુરુષ આવું આવું બોલતો હતો — ને અદાલત આખીને હસાવતો હતો.

“સાહેબને કહેવાય, ગાંડા !” પ્રોસિક્યુટર પેલાને ઠપકો આપતા હતા.

એ તે વળી કેવાક મેળા ! કોઈ ન જાણે તેમ સાહેબ મેળો જોવા ચાલી નીકળ્યા.

મધ્યરાત્રિની છેલ્લી ગાડીમાં શિવરાજ મેળેથી પાછો વળ્યો ત્યારે એણે સ્ટેશનની બહાર એક બાઈ-માણસ ઊભેલું જોયું.