“પછી ?”
“રસ્તે સંતાતી સંતાતી ઊભી છું.”
“કોની વાટ જોતી ?”
અજવાળી કશો ઉત્તર ન આપી શકી. એનો દયામણો ચહેરો શરમથી નીચે ઢળ્યો.
“ક્યાં જવું’તું ?”
“શી ખબર ?”
“કોઈ ઠેકાણું છે ? કોઈ સગાંવહાલાં ? — કોઈ ઓળખીતાં ?”
“જે છે તે બધાંયને બારણે જઈ આવી. એકોએકે ઉઘાડવા ના પાડી.”
“હવે ક્યાં જવું છે ?”
“ખબર નથી.”
“મારી મેડી પર બેસીશ ? હું તારે માટે મારી ઓળખાણવાળાઓને ઘેર ક્યાંક સગવડ કરીને તેને તેડી જાઉં.”
અજવાળીના મોં પર અજાયબીના રંગોની ચડઊતર થઈ રહી. સુધરાઈનાં નિસ્તેજ ફાનસો, કોઈની પણ ચુગલી ન ખાવાનો સ્વભાવ ધારણ કરીને જગતથી કંટાળેલાઓ જેવાં, એક પછી એક આવતાં ગયાં, તેના જરી જેટલા તેજમાં શિવરાજ અજવાળીના મુખભાવ પારખતો ગયો. મેઘલી રાતની મીઠી ઠંડીમાં બુરાનકોટ લપેટીને પહેરેગીરો પોતપોતાની છાપરીમાં ઊભા ઊભા નીંદમાં પડેલા હતા, તેઓ ફાંસીને ગાળિયે લટકતા કેદીઓ હોય તેવા લાગ્યા.
કોઈની જાણ વગર મોડી રાતે શિવરાજે મેડીનું તાળું ખોલીને અજવાળીને અંદર લીધી. ત્રાસી ગયેલી હરણીને છુપાવાનું સ્થાન મળે ને જેવી નિરાંત થાય તેવી નિરાંતનો એક નિઃશ્વાસ અજવાળીના હૈયામાંથી હેઠો પડ્યો. શૂન્ય મેડીમાં એ નિસાસાના પડવાનો જાણે કે અવાજ થયો.
પછવાડે, મેઘલી રાતની આરપારથી, નિદ્રાવશ પાડોશીઓનાં નસકોરાં સંભળાતાં હતાં. શિવરાજના શ્વાસ ફડક્યે જતા હતા.
બત્તી કરવા જતાં શિવરાજ અજવાળી સાથે સહેજ અફળાયો — ને એને એ જુવાન ખેડુ-કન્યાના દેહની એક માદક સોડમ આવી.
બત્તી કરીને શિવરાજ બીધેલા જેવો ઝડપથી બહાર ચાલ્યો, કહ્યું : “હું હમણાં તપાસ કરી આવું છું. તું બીશ નહીં ને ?”
“ના.”
શિવરાજ બહારથી તાળું મારતો હતો તે અજવાળીએ સાંભળ્યું. એનો વિશ્વાસ સહેજ કંપ્યો.
ચાલતાં ચાલતાં શિવરાજે નૂતન અને પુરાતન, જાણીતા ને અજાણ્યા — બેઉ પ્રકારના મનોભાવ અનુભવ્યા. એક જુવાન છોકરી પોતાને આશરે આવી હતી. એનાં માબાપે એને રઝળતી મૂકી હતી. કોઈ મવાલીને હાથ પડી ગઈ હોત તો ચૂંથાઈ જાત. પોલીસો એને શું ન કરત ? પોતાના જીવનમાં એ બીજી વારનો ગર્વકારી અવસર હતો.
પોતે મેળામાં અજવાળીને દીઠી હતી. દીઠેલું રૂપ યાદ આવ્યું. અકળ ઉત્સુકતાભરી એ ચકડોળ પાસે ઊભી હતી. ચકડોળમાં અનેક જુવાન જોડલાં માતેલાં બનીને ચડતાં હતાં. ઊંચે જતા ફાળકામાંથી હાથ લંબાવીને જુવાનો નીચે ચાલ્યા આવતા ફાળકામાં