પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧. શિવરાજ

પ્રભાતની પ્રાર્થના પૂરી થઈ ત્યારે આચાર્યદેવે કહ્યું : “બ્રહ્મચારીઓ, હમણાં જતા નહીં.”

સળવળેલા મધપૂડાની માખો પાછી ઝૂમખું વળીને ચોંટી જાય તેમ અર્ધા ઊભા થઈ ગયેલા વિદ્યાર્થીઓએ પાછી પલાંઠી ભીડી. સૌએ એકબીજા સામે જોયું. આચાર્યદેવનો ઘાંટો તરડાયેલા મૃદંગના જેવો જણાયો : “આપણા ગુરુકુલ ઉપર એક કલંક આવ્યું છે.”

સૌએ માથાં હેઠાં ઢાળ્યાં.

“છેલ્લાં દસ વર્ષના ઈતિહાસમાં ન બનેલી કાળી ઘટના કાલે રાતે બની ગઈ છે.” આચાર્યનો અવાજ વધુ ને વધુ તરડાતો ગયો.

“ગઈ કાલની મધરાતે દરબાર તખુભાના દીકરાના માથાની ખોપરી ફૂટી છે. દરબાર શિવુભાના ઘરની વડારણ છોકરી ઝબુની કોઈએ છેડતી કરી છે.”

એક સિવાયના તમામ છાત્રો જાણે કે ભોંમાં સમાઈ જવાનો માર્ગ શોધતા હતા.

“ને એ કૃત્ય કરનાર તમારા માંહેનો જ એક છે.”

પ્રાર્થના – મંદિરની દીવાલો ફાટું ફાટું થઈ રહી. છાત્રો ત્રાંસી નજરે ઊંચે જોઈને છોભીલા પડી ગયા. માત્ર એક વિદ્યાર્થી બારીની આરપાર આકાશના રતાશ પકડી રહેલ રૂપની સામે તાકતો બેઠો હતો, તે તેમ ને તેમ બેઠો રહ્યો.

“હું પૂછું છું.” આચાર્યદેવે અવાજ ધીરો પાડ્યો : “કે એ નાદાની કોણે કરી છે ?”

કોઈ ન બોલ્યું.

“જેણે કરી હોય તે કબૂલ કરી નાખે. હું દરબારની તેમ જ આ ગામના પ્રજાજનોની ક્ષમા માગી લઈશ. કબૂલ કરનારને કોઈ પ્રકારની શિક્ષા નહીં થાય.”

તોપણ બધા શાંત રહ્યા.

“અપરાધ કરનારને હું જાણું છું.” આચાર્યના એ બોલમાં કોઈ પોલીસ-અધિકારીનો ઠંડો ગર્વ હતો : “હું આશા રાખું છું કે મારો વિદ્યાર્થી એક અપરાધને ઢાંકવા માટે મૌન સેવવાનો બીજો અપરાધ નહીં ઉમેરે.”

દરેક વિદ્યાર્થીએ પોતાના સિવાયના બીજાના જ એકરારની રાહ જોયા કરી.

“નથી કબૂલ કરવું – એમ ને ? એટલી બધી વાત !” આચાર્યનું મોં ધમણે ધમાતું હતું.

એણે ઘડીભર શ્વાસ હેઠો મૂક્યો. હોઠ સુકાયા હતા તેને જીભનું અમી ચોપડી ઠંડા કર્યા. પણ ભીનાશ એ હોઠ પર ન આવી. પંચાવન વર્ષના એ પ્રૌઢ પુરુષના ખભા પરથી પીતવરણી શાલ ખસી ગઈ, તેનો જનોઈધારી દેહ થરથરતો લાગ્યો. એ દેહ પરની લાંબી રુંવાટી ઊભી થઈ ગઈ.

જૂના વખતની એક રાજસ્થાની હાઈસ્કૂલમાં લાંબા વખત સુધી હેડમાસ્તરગીરી કરીને ગુરુકુલ ચલાવવા આવેલ એ આચાર્યના અંગેઅંગમાં જૂના કાળનો દેવતા સળગી ચૂક્યો.

એણે પોતાની બાજુમાં રૂપાની ખોભળવાળી સીસમની લાકડી પડી હતી તે ઉઠાવી.