એના પગ અજવાળીની માના કપાળને કોણ જાણે કેટલી વાર સ્પર્શ પામ્યા. રવિવાર
હોવા છતાં જુવાન મેજિસ્ટ્રેટે ગરીબ ખેડૂતોની કેટલી વહાર કરી ! વચન આપ્યું કે, “તમારી પુત્રીને શોધાવ્યા વિના હું જંપીશ નહીં, એ જીવતી જ છે — મારું અંતર સાક્ષી પૂરે છે.”
“બસ બાપા !” એની માએ સાતમી વાર શિવરાજના પગ પાસે શિર નમાવ્યું.
શિવરાજ જોરમાં આવી ગયો.
“એ ગમે ત્યાં હો, એ જીવતી રહે તેટલું જ મારે કામ છે.”
“હું તમને ખાતરી આપું છું કે કાલે મેં એને મેળામાં જોઈ હતી. તે પછી રાતે હું સ્ટેશને ઊતર્યો ત્યારે એ જ ગાડીમાં મેં એને એક જુવાન સાથે ચડતી જોઈ છે. પણ એ દેવકૃષ્ણ મહારાજનો દીકરો નહોતો. મારી એ નજરે જોયેલી ખાતરી પછી મારે અહીં કોઈની વાતો સાંભળવી નથી.”
“ઈ જુવાન કેવોક હતો, હેં બાપા ?”
“મને તો આબરૂદાર કોઈ ખેડુ-જુવાન લાગ્યો. મેં તો માન્યું કે બેય ધણીધણિયાણી પોતાને ઘેર જઈ રહેલ છે.”
“બસ ત્યારે, મારી છોકરી જીવતી છે. પછી મને કોઈ વાતે ફફડાટ નથી, માડી ! પણ એ મારી અંજુડી જ હતી ને ? એને ગાલે કાળો મોટો મસ હતો ને ? એનો પગ જરીક લચકાતો’તો ને ? એની આંખ્યું મોટિયું ને કાળિયું ઝેબાણ હતી ને, હેં માડી ? તમે ધારીધારીને તો ક્યાંથી જોઈ હોય ઈ ટાણે ? સારા માણસ કાંઈ તાકીને તો થોડા જોવા ઊભા રે’? પણ આ તો તમે ઝાંખી ઝાંખીય જો યાદ રાખી હોય તો —”
“મને તો ખાતરી છે કે એ તમારી દીકરી જ હતી.”
શિવરાજનું અંતર ડંખતું હતું. પોતે આબરૂદાર માણસ ! સારું માણસ ! તાકી તાકીને જોવાનું શું બાકી રહ્યું હતું !
“તો બસ, સાહેબ, મારે કોઈના ઘરની ઝડતી લેવરાવવી નથી. કોઈ આબરૂદારની આબરૂ માથે હાથ નાખવો નથી. મારે તો મારી દીકરીનું આ રાખહના ઘરમાં કામ પણ નથી. હુંય ભલે એને જોવા ન પામું. ઈ જીવતી હોય તો બસ !”
શિવરાજે બાઈના ધણીને બોલાવી કહ્યું : “તમારે, છોકરીના રક્ષક તરીકે, શરમાવું જોઈએ. એને તમે અધરાતે કાઢી મૂકી છે. એણે કૂવો નથી પૂર્યો તેની શી ખાતરી ? તમારા કહેવા પરથી હું કોઈની આબરૂ લેવરાવું ? સૌ પહેલાં તો મારે તમને જ પોલીસમાં સોંપવા પડશે.”
એ દમદાટીએ ખેડૂતને ઠંડોગાર બનાવ્યો. “મારે ફરિયાદ જ નથી કરવી, સાહેબ ! મને છોડો તો બસ.” કહીને એણે ચાલતી પકડી.
કચેરીમાંથી છૂટીને શિવરાજ સુજાનગઢ જવા નીકળ્યો. કોઈ માણસને મળ્યા વિના પોતે ટ્રેન પર પહોંચી ગયો.
લોકોએ માન્યું કે જુવાન મેજિસ્ટ્રેટ પોતે ઊઠીને આ ભાગેડુઓની તપાસ કરવા જાય છે. કેવો લોકલાગણીથી ભરેલો અમલદાર !
કોઈ બીજાઓએ કહ્યું : “પોતાના ભાઈબંધનો અપરાધ ઢાંકવાની પેરવીમાં છે.”
પણ એ પોતે જ અપરાધી હતો એમ તો કોઈએ ન કહ્યું, કોઈને શંકા ન ગઈ.
મોડી રાતે જ્યારે શિવરાજ પાછો વળ્યો ત્યારે તેની સંગાથે બુઢ્ઢો માલુજી હતો. મકાનનું તાળું ઉઘાડ્યું. ત્યારે અંદર અંધકાર હતો. અંધકારની વચ્ચે અજવાળીનું શરીર