પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮
અપરાધી
 


સળવળ્યું. શિવરાજની ઇજજત સાચવવા માટે એક જુવાન છોકરી જાણે કે કાળા અંધકારની કબરમાં જીવતે જીવે ચણાઈ ગઈ હતી.

અજવાળી ફફડી ઊઠી — સાપને માળા પર આવતો સાંભળી પારેવું ફફડે તેમ.

શિવરાજે બત્તી કરી, પાંચ દીવાસળી બગાડ્યા પછી દીવો થયો — કારણ કે એના અંતરનો દીપક ગુલ થયો હતો.

દીવો પેટાતાં અજવાળીને થયું કે જાણે કોઈ એનાં લૂગડાં ઉતારી લે છે. પ્રકાશ કૃતાંત કાળ સમો દેખાય એવી પળો માનવીના જીવનમાં આવે છે.

માલુજીએ અજવાળીને નિહાળી. બુઢ્‌ઢાના મોંમાંથી ‘અરર !’ એવી અરેરાટી નીકળી ગઈ. એણે પોતાની શ્વેત પાંપણો શિવરાજ સામે ઊંચી કરી. એ જઈફ નેત્રોના અંગારા અબૂઝ હતા.

“આમની જોડે જઈશ ? મારા બાપ સમા છે એ.” શિવરાજનો લાચાર ચહેરો અજવાળીની સામે લળી રહ્યો.

અજવાળીએ બુઢ્‌ઢાને નખશિખ નિહાળ્યો ને ડોકું હલાવ્યું.

“આ લે.” શિવરાજે ગજવામાંથી કંઈક કાઢ્યું. એ હતો નોટોનો થોકડો.

અજવાળીએ નકારમાં માથું ધુણાવ્યું. એ નોટો એને કાળી નાગણીઓ લાગી.

“આંહીં લાવો.” માલુજીએ થોકડો લઈ લીધો.

“બાંય ઊંચી ચડાવો.” માલુજીએ એટલું કહીને શિવરાજનો જમણો હાથ પકડ્યો. માલુજી શું કરવા માગે છે તે શિવરાજને ન સમજાયું. માલુજીએ જ શિવરાજની બાંય ઊંચી ચડાવી અને ભુજા પરથી માદળિયું છોડ્યું – છોડ્યું શું, ઝટકો દઈને જાણે કે તોડી દીધું.

“તારો હાથ લાવ, બેટા !”

એટલું કહી માલુજીએ, એ માદળિયું અજવાળીના હાથ પર બાંધી આપ્યું — બાંધતાં બાંધતાં અજવાળીને કહ્યું : “હું કદાચ નહીં હોઉં. મારો અંતકાળ હવે ઢૂકડો છે. હું નહીં હોઉં, કોઈ નહીં હોય, ત્યારે આ એક જ ચીજ આ નાલાયક માણસના અપરાધની સાક્ષી પૂરશે, સાચવીને રાખજે. એ બદલી બેસે તે દી દુનિયાને આ મૂંગું માદળિયું દેખાડજે.”

શિવરાજનું મસ્તક પૃથ્વીને જાણે કે વીનવતું હતું કે મારગ આપ, માતા !

સરસ્વતીએ જેની હાંસી કરી હતી, દેવનારાયણ જેને વહેમનું રમકડું સમજી ઉપહાસ કરતા હતા, ને જેને માટે માલુજીએ જીદ ચલાવી હતી, તે જ એ માદળિયું : શિવરાજની માએ પુત્રને પહેરાવેલું — ને માલુજીએ આટલાં વર્ષ સંઘરાવેલું.

મને ક્યાં લઈ જાઓ છો, મારું શું ધાર્યું છે, મને હવે તમે ક્યારે મળશો ? — એવા સો-સો સવાલોને એકસામટા ઘૂંટીને જાણે કોઈએ આ છોકરીની બેઉ આંખોમાં આંજ્યા હતા. એની જીભ ને એનું હૃદય આંખોમાં આવીને બેસી ગયાં હતાં. માલુજીની પાછળ જ્યારે અજવાળી દાદર ઊતરતી હતી ત્યારે ઉપર ઊભીને શિવરાજે અજવાળીની હડપચી ઝાલી મોં એક વાર ઊંચું કર્યું. એટલું જ કહ્યું : “તને હું નહીં રઝળાવું, વહેલામાં વહેલી તકે મારી કરીશ.”

બસ, એટલું કહીને એણે હડપચી છોડી દીધી. છતાં અજવાળીને માથું ઢાળતાં થોડી વાર લાગી. ન કથી શકાય તેવા ભાવ એના મોંમાં સમાયા હતા.

“સા… ચ… વી… ને… રે’… જો !” એ બોલ બોલતાં અજવાળીને ગળે કાંચકી બાઝી ગઈ.