પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સરસ્વતી પાછી આવે છે
૪૯
 

તે પછી અર્ધાક કલાકે શિવરાજ પોતાની બારીએ ઊભો ઊભો કાન માંડીને સાંભળતો હતો : ગાર્ડની સીટી, સાંધાવાળાના ડંકા, એન્જિનનો પાવો, વરાળના ફૂંફાડા અને પાંચસો પૈડાંના ચગદાટ : પા કલાકની અક્કેક યુગ જેવડી પંદર મિનિટો : શિવરાજ જાણે એક દટણ- પટણમાંથી જીવતો ઊભો થયો. એ સૂતો — પણ પલેપલ એણે એક જ બોલ સાંભળ્યા કર્યો :

“સા… ચ… વી… ને… રે’… જો !”


૧૫. સરસ્વતી પાછી આવે છે

વાર પડ્યું. બે રાત્રિઓની રજેરજ સ્મૃતિઓને શિવરાજ ઘરમાં શોધતો હતો. શૂન્યતા સળવળતી હતી. અજવાળી ક્યાં ઊભી હતી… પછી ક્યાં ક્યાં બેઠી હતી… કેવું મોઢું, કેટલી નીરવતા, શી દયામણી મુખમુદ્રા… હજુયે ઘરમાં આ શાની સોડમ આવે છે ?

એના જ દેહપ્રાણની આ ફોરમ પડી રહી છે ? એ શું એના પ્રાણપુષ્પોનો અર્ક અહીં નિચોવી ગઈ છે ? તંદ્રામાં જાણે કે ચૂલા પર તપેલી ચડી છે… ભાત અને દાળ રંધાય છે… બાપુજીને પહેલી પ્રથમ વાર પુત્રવધૂના હાથનું રાંધેલું ભોજન પીરસાય છે… જમતાં જમતાં બાપુજી આજે પહેલી જ વાર ઉપરાછાપરી માગી માગીને જમે છે… તંદ્રાની ડાળે સોણલાંની વાંદર-લીલા : ત્યાં તો નીચેથી કોઈએ હાક દીધી : “સાહેબ !”

“કોણ ?”

“ડિપોટીસાહેબ યાદ કરે છે.”

“અત્યારમાં !” શિવરાજનું ચોર-હૈયું ચમકી ઊઠ્યું: “કાંઈક થયું ? પકડાઈ ગયો ?”

“કેમ અત્યારમાં ?”

“બેન આવ્યાં છે.”

“કોણ બેન ?”

“સરસ્વતીબેન.”

“ક્યારે ?”

“પરોઢિયાની ગાડીમાં.”

“તે મારું શું કામ છે ?”

“કોણ જાણે, બેન ધ્રુસકે ધ્રુસકે રોયા કરે છે. બંધ પડતાં જ નથી.”

શિવરાજના મનમાં અમંગલ. અનુમાનોની ફોજ બંધાઈ ગઈ : સરસ્વતીએ જાણ્યું હશે ? શી રીતે જાણ્યું હશે ? અજવાળી મળી ગઈ હશે ? સ્ત્રીઓના પરિત્રાણની ધૂની સરસ્વતીને અને રક્ષાયોગ્ય અજવાળીને અહીં કેમ્પમાં અગાઉ ભેટો થયો હશે ? એ જૂની ઓળખાણનું શરણ અજવાળીએ સ્ટેશન પર લીધું હશે ? કાળનાં સામટાં ચક્કર શિવરાજના શિર પર ભમવા લાગ્યાં. એ જેવોતેવો તૈયાર થયો ને ચાલ્યો.

પરસાળમાં વૃદ્ધ ડેપ્યુટી વિહ્‌વળ પગલે આંટા મારતા હતા. એના વદન પર કાળાશ વળી ગઈ હતી. એ કાળાશે શિવરાજને વિશેષ ભયભીત કર્યો. પોતે કોઈક પ્રહારને માટે માથું તૈયાર કર્યું. પોતાનાં બારે વહાણ બૂડતાં લાગ્યાં. શિવરાજ નમન કરવાનું પણ વિસરી ગયો.

“એને શું થઈ ગયું છે ? નથી બોલતી, નથી હું પૂછું છું તેના જવાબો આપતી. રડ્યા કરે છે.”