પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦
અપરાધી
 


સાહેબના એ નરમ શબ્દોએ શિવરાજનો ધ્રાસકો સહેજ નીચો બેસાર્યો.

“ઓચિંતી આવી છે.” સાહેબે ફોડ પાડ્યો : “તમારે ને એને કશો પત્રવ્યવહાર થયો છે ?”

શિવરાજે કહ્યું : “ના.”

“જુઓ, તપાસો તો ખરા — શી પીડા પેદા થઈ છે ?”

મારે શું ? શિવરાજનો એ પ્રથમ તિરસ્કાર-ભાવ : વળતી પળે પોતાને પોતાની પામરતાનું સ્મરણ થયું : હું તો પોતે જ અપરાધી છું. એને મારી સામે કાંઈ કહેવાનું હશે તો ? તો હવે ક્યાં સુધી છુપાવ્યા કરીશ ? સામે જઈને જ વધાવું.

ઓરડાના ખૂણામાં સાદડી પર સરસ્વતી વ્યસ્ત દેહે લોચાતી પડી હતી. શિવરાજને ભાળી એણે દેહ સમાર્યો, પણ બીજી બાજુ જોઈ ગઈ. છતાં શિવરાજ જોઈ શક્યો કે આજે સરસ્વતી સિંહણ નહોતી, ગાય હતી.

“શું છે ?”

એના જવાબમાં પહેલાં સરસ્વતીએ અંતરને મોકળું મૂક્યું. આંખો અણખૂટ ધારાઓ વહાવવા લાગી. પછી એણે સ્વસ્થ બનીને શિવરાજ સામે જોયું. ન મનાય તેવી નરમ, છતાં કોઈ વિલક્ષણ ઠપકાથી ભરેલી નજર એણે શિવરાજ પ્રત્યે નોંધી.

“શા માટે મારી સામે એ રીતે જુઓ છો ?” શિવરાજે પૂછ્યું.

“તમે મને કેમ નહોતી ચેતાવી ?”

“કઈ બાબતમાં ?” શિવરાજે તોપના મોંએ બંધાયા જેવી સ્થિતિ અનુભવી.

“તમે નહોતા જાણતા ?”

“પણ શું ?”

"હું તમારાથી નાની હતી, અનુભવ વિનાની હતી, મને કશું જ ભાન નહોતું.”

“ક્યારે ?”

“તમને મેં તરછોડ્યા જેવું કર્યું ત્યારે.”

“એટલે ?”

“એટલે તમે મને મારી ધૂનમાંથી પાછી કેમ ન વાળી ?”

“પણ મારે તમને પાછાં વાળવા જેવું શું હતું ? શું થયું છે ?”

“મને કશી શુદ્ધિ જ ન રહી.”

શિવરાજને લાગ્યું કે આ બધા બબડાટમાં કોઈક ઊંડો ભેદ રહેલો છે. પણ સરસ્વતી પોતાની મેળે જ વિશેષ ફોડ પાડે તેની એણે રાહ જોઈ.

“તમે દયા લાવીને સાંભળશો ?”

“સાંભળીશ, કહો.”

“મને ક્ષમા આપશો ?”

“આપીશ.” શિવરાજે યંત્રવત્ જ બોલી નાખ્યું. પણ એને ખબર હતી કે પોતે જ જગતની ક્ષમા માટે તલસતો હતો.

“બાપુજીને કે કોઈને કહેશો તો નહીં ને ?”

“નહીં કહું.”

“હું અમદાવાદમાં સ્ત્રીઓનો ઉદ્ધાર કરતી હતી.” કહેતી કહેતી સરસ્વતી હસી; પછી એણે આંખો આડે સાડી દાબી દીધી.