પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સરસ્વતી પાછી આવે છે
૫૧
 


“હં, પછી ?”

“પછી કાલે એક સ્રીએ પોતાનાં બે બાળકોને સાથે લઈ કાંકરિયા તળાવમાં જીવ આપ્યો. એના ત્રણેનાં શબો મેં નજરોનજર જોયાં. એનો ઉદ્ધાર પણ મેં જ કર્યો છે.”

એટલું કહેતાં તો સરસ્વતી ખૂબ રડી.

“તમે શી રીતે ?”

“આ વાંચો.” સરસ્વતીએ પોતાના બ્લાઉઝની અંદરની ખીસીમાંથી એક ચોળાયેલ કાગળ કાઢી શિવરાજને આપ્યો. કાગળમાં થોડું ભણેલી ઓરતના હસ્તાક્ષરોમાં આટલું જ લખ્યું હતું.

“ભણેલીગણેલી બેન, તારા મારગમાંથી અમે સૌ ખસી જઈએ છીએ. મારો ધણી તારે સુવાંગ રિયો. બેન, સુખી થાજે !”

વાંચીને શિવરાજે સરસ્વતીની સામે જોયું.

“એના પતિ કોણ ?”

“વિભૂતિ.”

“વિભુતિ ? ક્રાંતિકાર વિભૂતિ ?”

“એ જ વિભૂતિ.”

“અને તમે…”

“એણે મને ને મેં એને બંડનાં વ્યાખ્યાનો આપતાં જોયાં, તેમાંથી અમે અન્યોન્ય ખેંચાયાં.”

“એ પરણેલા છે તેની તમને ખબર નહોતી ?”

“એ મને મોડેથી ખબર પડી.”

“પછી ?”

“પણ એણેં પોતાની કજોડા-કહાણીથી મને પિગાળી નાખી. એણે મને પોતાની પ્રેરણાની દેવી બનાવી. એની સ્ત્રી એક-બે વાર મારી પાસે આવી મહેણાં દઈ ગઈ. પણ મને વિભૂતિએ કહ્યું કે, મારી સ્ત્રીનો અપરાધી જો કોઈ હોય તો તે હું છું. તમે કશો જ અપરાધ નથી કર્યો. એ મારા દેહને પરણેલી છે : તમે મારા પ્રાણની અધિષ્ઠાત્રી છો.”

“તમે ભોળવાઈ ગયાં ?”

“હું ભોળવાઈ ગઈ હોત તો મને આજે આટલો ડંખ ન થાત. પણ મને આ સ્ત્રીના દુઃખની સાન જ ન રહી. મેં એને તુચ્છકારી. પણ આજે હું એનાં ને બાળકોનાં શબો મારી સામે સૂતાં જોઉં છું ને હું ભાંગી પડી છું.”

“વિભૂતિને છોડીને આવ્યાં ?”

“એણે મને ક્રાંતિનું અદ્ભુત સ્વરૂપ દેખાડ્યું.”

“શું ?”

“કાલ ને કાલ મને મળ્યો, ને કહ્યું કે, હવે આપણે મોકળાં બન્યાં, ક્રાંતિની જ્વાળા ચેતવશું. ફરીથી એની એ ભૂલ નહીં કરીએ.”

“કઈ ભૂલ ?”

“પરણવાની. કાલ ને કાલ એણે આ બધું કહ્યું.”

સરસ્વતી ફરીથી ભાંગી પડી.

સરસ્વતીએ આંખો ઉઘાડી. પણ એ આંખો પર શિવરાજનો હાથ નહોતો ફરતો.