પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨
અપરાધી
 


એ તો એનું સ્વપ્ન હતું. શિવરાજ સારી પેઠે દૂર બેઠો હતો. શા માટે શિવરાજ એની એટલી પણ અનુકંપાને અવરોધતો બેઠો છે ?

“તમે મને ધિક્કારતા તો નથી ને ?” એણે પૂછ્યું.

“ના.” શિવરાજના એ નકારમાં કંટાળો હતો કે ક્ષમા હતી ?

“જે વાત હું બાપુજીને ન કહી શકી હોત તે તમને કહી શકી.” એણે આ વાક્ય શિવરાજની લાગણી માપવા માટે મૂક્યું.

“બોજો એટલો હળવો થયો ને !” શિવરાજે કંઈક બોલવું જ જોઈએ એવા ભાવે કહ્યું,

“પાપ બોજો કરે છે — કેમ કે એને છુપાવવામાં આવે છે.”

શિવરાજને સરસ્વતીના એ શબ્દોએ ગભરાવ્યો.

“હવે હું શું કરું ?”

“અજ્ઞાન સ્ત્રીઓની સેવા કરવી હોય તો અહીં ક્યાં ઓછી છે !” શિવરાજે કહેવા ખાતર જ કહ્યું.

“હું અહીં રહું એ તમને ગમશે ?”

“શા માટે ન ગમે ?” શિવરાજ શબ્દોનો જાણે સંચો બની ગયો.

“તો હવે અહીં જ રહીશ.” બોલનાર હોઠે લાલી પકડી, આંખોએ ગોળાકાર ધર્યો. શિવરાજના જીવન ફરતા જાણે એ બંને ગોળાકારના કોઠા બંધાયા.

“તમારી નજરમાં હું નિર્મળ બનવા મથીશ.” સરસ્વતીએ શરણાગતિ બતાવી.

“કોઈ બીજાની નજરમાં શા માટે ?”

“જે નિષ્પાપ છે તેની નજરમાં.”

“કોને ખબર છે ?”

“મને.”

મને ! — એને શી ખબર છે ! એ શું કશુંક ગર્ભિત અણકથ્યું કથે છે ?

“અહીં રોજ આવતા રહેશો ?”

“કેમ નહીં આવું ?”

“મને આ કૂવામાંથી કાઢશોને ?”

“હું પોતે જ પૂરો તરનારો નથી.”

“તો હું તમનેય ડુબાવીને તળિયે બેસીશ.”

આ વાક્ય પરનું શિવરાજનું હસવું એકદમ અસ્વાભાવિક હતું. એ કોઈક નાટકનું પાત્ર ભજવવા લાગ્યો. એણે સરસ્વતીને સાંત્વન આપીને રજા લીધી. ઓફિસનો સમય થઈ રહ્યો હતો.

તે દિવસે રાત્રિએ શિવરાજે ઘરમાં બેઠાં બેઠાં એક કાગળ લીધો. એના પર પેનસિલથી ડાબા હાથે અક્ષરો પાડવાનો પ્રયાસ કર્યો. લખ્યું કે, ‘મારી માને માલૂમ થાય કે હું તારી દીકરી અજવાળી આંઈ જ્યાં છું ત્યાં ખુશીમજામાં છું. માડી, તું ચિંતા કરીશ મા. મને ગોતીશ-કરીશ મા. હું મારી જાતે જ તને મળી જઈશ. તમારો જમાઈ આંઈ મને સાચવે છે.’

અક્ષરો ડાબા હાથે કાઢવા છતાંય વળાંક સારો આવ્યો. લખેલું ફાડી નાખ્યું. ફરીથી, ફરીફરીથી એની એ વાત જુદી જુદી ઢબે લખી. અભણ ખેડૂતના અક્ષરોનો પહેરવેશ પહેરાવવા એણે મથામણ કરી. શિવરાજ તરકટ કરતો હતો. બુદ્ધિ અને લાગણી બેઉ એ તરકટમાં કામે લાગી ગયાં હતાં. ચોથે કે પાંચમે દિવસે એ કાગળ એણે સ્ટેશન પર જઈ