પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મુંબઈના માર્ગે
૫૫
 


પૂછી લઉં. કોઈ કાંઈ પૂછશે તો શું કહીશ ?”

“કહીશ કે તમે મારા બાપ છો.”

“પણ બીજું બધું પૂછશે તો ?”

“તો કહીશ — મને ખબર નથી.”

“બધી જ વાતમાં ?”

“હા.”

“હું તને બે-ચાર વાતો કરું ?”

“મને યાદ નહીં રહે.”

માલુજીને હસવું આવ્યું. એ હસવું એનું પોતાનું જ કલેજું વીંધતું હતું : કેવા તરકટનો શિકાર બની છે આ છોકરી !

“તને આંહીં કેમ મોકલી – જાણ છ ?”

અજવાળીએ ખુલાસો ઝીલવા આંખો પાથરી. એ ખુલાસો માલુજીએ કર્યો : “ભણીગણીને હુશિયાર થાવા, મારા શિવરાજને માટે લાયક ને સુલક્ષણી બનવા. થોડો વખત છુપાઈને રહ્યા પછી હું પોતે જ તારો એની જોડે વિવાહ કરીશ, હું નહીં મરું, હો ! મોત આવશે તોય પાછું મોકલીશ.”

ભણીગણીને હોશિયાર બનવાની વાત અજવાળીના કાનમાં પોતાના ખેતરમાં ટહુકતા તેતરની કિલકિલ બોલી-શી ગુંજી ઊઠી. પોતાને અક્ષરો ઊકલશે ? કાળા કાળા મકોડા અને ખડમાંકડી મારીને ચોંટાડ્યાં હોય તેવા વિચિત્ર રૂપવાળા શબ્દોની સૃષ્ટિ પોતાને સમજાતી થશે ? પોતે ‘શિવરાજ’ એવો શબ્દ લખી શકશે ? શિવરાજના કાગળો આવશે ને પોતે એ કાગળોની વાણી ભેદી શકશે ? પોતે જ્યારે સામો જવાબ વાળશે ત્યારે શું શું લખશે ? આંગળીઓ એ શબ્દોના કેવા મરોડ કાઢશે ? હાય હાય ! મૂઈ અજવાળી ! હું કાગળ લખીશ ત્યારે મારી આંગળીઓ ઓગળીને ખરી જ પડશે ને ?

માલુજીના વાળ સફેદ હતા. માલુજીનું બૂઢું, બોખું મોં અવિશ્વાસ કે દગાખોરીની એક પણ રેખા દાખવતું નહોતું. અજવાળી પોતાનાં માતપિતા પર ભરોસો હારી બેસીને હવે આ અજાણ્યા ઊજળા પુરુષો પર કયા વિશ્વાસે ઢળતી હતી ? પોતાને જ એ બધું અકળ લાગ્યું.

પહેલો કાગળ ભણીગણીને શિવરાજને લખીશ, કે મારી માને ? અજવાળીને એ વાત તે ઘડીથી મૂંઝવવા લાગી.

“ભરોસો રાખજે, હો દીકરી !” માલુજીએ અજવાળીના વિચારમગ્ન મોં પરથી ઉચાટ અનુભવીને કહ્યું : મારો શિવરાજ લોફર નથી. એની માએ ધાવણો મેલેલો તે દા’ડાથી આ મારા હાથની જ આંગળી ચૂસીને એ આવડો થયો છે. એ તને રઝળાવે નહીં. એણે તને સુધારવા મોકલી છે.”

સુધારવા ? મુંબઈમાં ? અજવાળીએ આજ સુધી મુંબઈનું નામ પચીસ-પચાસ વાર સાંભળ્યું હતું. બાપના જ મોંએથી એક બોલ વારંવાર પડ્યો હતો. માને બાપ કહેતો : “તેં, રાંડ, તેં મને પરણ્યા પે’લાં ગેરકામ ન કર્યું હોય તો બોલ — તારા માથે મુંબઈનું પાપ !” મહારાજ દેવકૃષ્ણ પણ વારે વારે આવીને ધમકાવતા : “આ વખતે તારે વિઘોટી ભરવાના પૈસા ન હોય તો બોલ — તારા માથે મુંબઈનું પાપ !” પાડોશણ કુંભારણ વિધવાને લેણદાર વેપારી આવીને ઘણી વાર સોગંદ દેતો : “રૂપિયા ન હોય તો ખા સમ