પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અપરાધી
 


લાકડીના છેડા વતી નિશાની કરીને એક છોકરાને કહ્યું : “આંહીં આવો.”

કોણ ઊઠ્યું ? બારીની આરપાર આકાશને જોઈ રહેલો શિવરાજ ઊઠ્યો.

બીજા સૌએ શ્વાસ વિરામીને, ઊઠનારની સામે આંખો ફેરવી. બસો જેટલી એ આંખો અનિમેષ બની. પ્રત્યેક આંખની કીકીમાં હેરતભર્યો પ્રશ્ન હતો.

શિવરાજ ! હોય કદી ? આપણા સર્વનો સન્માનિત, ગરવો, અણીચૂક, સદાચારી જુવાન શિવરાજ આ કૃત્યનો અપરાધી ?

અચંબાની લાગણીઓ વચ્ચે ચટચટ માર્ગ કરતો શિવરાજ નામનો વિદ્યાર્થી મોખરે આવ્યો. એના મોં પર, બેશક, થોડું વિસ્મય હતું – પણ ગભરાટ નહોતો.

“તમે – તમે – તું મારો પ્રિય વિદ્યાર્થી ઊઠીને રાતના આ ધંધા કરવા નીકળ્યો ! તું ! તું ! તું પોતે જ !”

શિવરાજના મોં પર ભેદ અને રમૂજનું ગૂંથણકામ થઈ રહ્યું હતું. “કર્યા ઉપર પાછો ઢાંકવાનો પ્રયાસ !”

શિવરાજ કશું બોલ્યો નહીં. એણે પોતાના ભરાવદાર દેહ ઉપર ઓઢેલું ધોતિયું જરા વિશેષ લપેટ્યું.

“બોલ, નાલાયક ! તું જ હતો કે બીજો કોઈ !”

“આપ કહેતા હો તો હું જ !” બોલતાં બોલતાં શિવરાજનું મોં પણ અગ્નિકુંડની રતુંબડી આંચ પકડી ઊઠ્યું.

“હું કહું છું ? ચોરી ઉપર શિરજોરી ? સામો મને લેતો પડે છે ? દુર્જન !”

પછી વાણીનાં કાણાં અંદરની વરાળને નીકળવા માટે નાનાં પડ્યાં. આચાર્યે સીસમની લાકડી ઉપાડી. જૂના વખતની ટેવ આચાર્યના ઝનૂનની મદદે આવી.

ઉપરાઉપરી લાકડીના સોટા પડ્યા. સીસમ બટકણું હોય છે, અને શિવરાજના શરીરમાં રોજની કસરતે લોખંડના ટુકડા જેવી માંસની પેશીઓ ગોઠવી હતી. લાકડીના બે કટકા થઈ ગયા. એક ટુકડો ઊડી ગયા પછી બાકીનો બૂઠો ટુકડો આ મારનારની આંખો સામે દાંત કાઢતો હોય તેવી અણીઓ બતાવતો રહ્યો.

શિવરાજની આંખોએ પહેલાં ધુમાડા ફેંક્યા — ને પછી દડદડ આંસુ છોડ્યાં. એ કશું બોલ્યો નહીં; પણ એને રૂંવાડે રૂંવાડે રોષની જીભો ફૂટી રહી હતી.

“જાઓ ! કાળું કરો ! ગાદલાંની ઓરડીમાંથી આજે કયાંય બહાર ન નીકળશો; આઠ દિવસ સુધી શાળામાં ન આવશો. તમારા પિતાજીને હું લખી જણાવું છું. જાઓ.”

કોઈની સામે નજર કર્યા વગર શિવરાજ હમેશની એકસરખી ચાલે ચાલ્યો ગયો. એની પછવાડે નજર કરવાની પણ અન્ય વિદ્યાર્થીઓને હામ ન રહી. બધાનાં મોઢાં હજુ ભોંયમાં જ સમાવા મથતાં હતાં.

“જાઓ બધા.” એટલું કહીને આચાર્ય ઊઠ્યા. એણે એક ઊંડો શ્વાસ લીધો. એ પોતાના ખંડમાં ચાલ્યા ગયા.

બપોર પડ્યા. થોડે દૂર શાળાનું મકાન ગુંજતું હતું. અહીં ગુરુકુલના ગાદલાંવાળા ખંડમાં શિવરાજ એકલો હતો. માળો બાંધતાં બે ચકલાં બારીમાંથી જતાં હતાં, ને અક્કેક તણખલું ઉપાડી લાવતાં હતાં. તેને જોઈ રહેલ શિવરાજની આંખો વધુ ને વધુ ઝરતી હતી. પણ એ નહોતો ડૂસકાં ખાતો, કે નહોતો રુદનના સ્વરો કાઢતો. વરસીને રહી ગયેલા વરસાદ પછી નેવાનાં નળિયાં જે પ્રશાન્ત મૂંગી કરૂણાતાથી સરખે અંતરે ટપકતાં હોય છે,