એને એક વાત કહેતાં હતાં, કેદીનું આઠેઆઠ દિવસનું મૌન એને બીજી વાત કહેતું હતું.
“કેદી, તું રહમ પણ માગતો નથી ?”
“રહમ તો માગી’તી પરભુની કને, સાહેબ ! પણ એણે અધૂરી સાંભળી.”
“એનો અર્થ ?”
“અરથ એ કે મારે એને જાનથી મારીને ફાંસીએ જાવું’તું.”
“તારે બાળબચ્ચાં છે ?”
“ત્રણ.”
“માબાપ છે ?”
“બેય જીવતાં મૂઆં છે.”
“તું દારૂ પીએ છે ?”
“ના, સાહેબ.”
“તારે કાંઈ નથી કહેવું ?”
“કોને કહું ? ક્યાં કહું ?”
શિવરાજે અદાલતને વિખેરી નાખી. વળતે દિવસે કેદીને પોતે પોતાની ચેમ્બરમાં એકાંતે તેડાવ્યો.
કેદી રવાના થયા પછી એના પર ડેપ્યુટી સાહેબના ચપરાસીએ આવીને એક ચિઠ્ઠી મૂકી. લખ્યું હતું :
‘આ કેસમાં વધુ ઊંડા ઊતરવામાં સાર નથી. ઠેઠ ઉપરથી એવી ઈચ્છા મને પહોંચાડવામાં આવી છે. તમારી કારકિર્દીને પ્રથમ પહેલે પગથિયે થાપ ન ખાઈ બેસતા. સરસ્વતી પણ એ જ ઈચ્છે છે.’
શિવરાજનું યુવાન લોહી આગની ભઠ્ઠી પર મુકાયું : ‘ઠેઠ ઉપરવાળા, સરસ્વતીના પિતા અને સરસ્વતી, બધાં જ અમુક વાત ઈચ્છે છે — એનો શો અર્થ ?
શિવરાજ સીધો પોતાને ઘેર ગયો. એણે કપડાં બદલ્યાં. એ બહાર નીકળ્યો. તે પૂર્વે શહેરના બે પ્રતિષ્ઠિતોએ એને પકડી પાડ્યો, ને કહ્યું : “આ શું કરી રહ્યા છો, સાહેબ ? પોથી માયલા વેદિયા થવાનું હોય આમાં ? શેઠની લાગવગો, સખાવતો, ધર્માદાઓ, શહેરમાં પાણીની રાડ બોલતી તેનો એણે કરેલ મિટાવ — એ બધું તો વિચારો. મજૂરની બહુ દયા આવતી હોય તો તેને ટૂંકી સજા કરો.”
“મારું મન નથી કબૂલતું. આમાં જે ફરિયાદી છે તે જ અપરાધી છે.”
“તમે ચેપળાઈ છોડો. કાંઈક અમારાં ધોળાં સામું તો જુઓ. અમે સાઠ સાઠ વર્ષ પાણીમાં નથી કાઢ્યાં.”
“આ બાબત પર આપણી ચર્ચા નકામી છે.”
એટલેથી વાતનો છેડો લાવીને શિવરાજ સ્ટેશને પહોંચ્યો ત્યારે સ્ટેશન પર મળનાર એક સ્નેહીએ એના કાનમાં કહી નાખ્યું કે, “આરોપીને ચેમ્બરમાં એકલો તેડાવીને તમે તમારા સામે ભયંકર સંદેહ નોતર્યો છે.”
“થાય તે સાચું.” વધુ વાર્તાલાપ કર્યા વગર એ પિતાજીની પાસે પહોંચ્યો, ને મજૂરના મુકદ્દમાની વાત ઉચ્ચારી.
મોં પરની એકેય રેખાને કૂણી પાડ્યા વિના દેવનારાયણસિંહ વાત સાંભળી રહ્યા.
શિવરાજે વિગતોની સમાપ્તિ કરી.