“વધુ કાંઈ ?” બાપે પૂછ્યું.
“ના.”
“બસ ત્યારે, જાઓ.”
“મારે શું કરવું ?”
“કોને પૂછો છો ? શા હિસાબે પૂછો છો ?”
શિવરાજ પિતાના મનની વેદના કળી શક્યો. પોતે પોતાના પ્રત્યે પિતાનો આવો કોપ પહેલી જ વાર નિહાળ્યો.
“ડરો છો ? કાયદાનાં થોથાં ગોખીને જ ન્યાયાસને બેસી ગયા છો ? મને પૂછો છો ? પ્રભુને નથી પૂછ્યું ? એ તો મારા કરતાં તમારી વધુ નજીક છે.”
શિવરાજ સ્તબ્ધ બન્યો.
“જાઓ.”
દેવનારાયણસિંહે ‘જાઓ’ શબ્દ જિંદગીમાં બીજી વાર આવી કરડાઈથી ઉચ્ચાર્યો. એક વાર છાપાની દમદાટી દેવા આવનાર દેવકૃષ્ણ મહારાજ ‘જાઓ’ સાંભળીને આ પિતાને દ્વારેથી પાછા ગયા હતા.
પાછા કેમ્પમાં જઈને વળતા દિવસની ભરચક અદાલતમાં શિવરાજે ફેંસલો સંભળાવ્યો. ફેંસલો ટૂંકો અને ટચ હતો :
“મને સંપૂર્ણ ખાતરી થઈ છે કે આરોપીના અપરાધ પાછળ ઉશ્કેરણીનું જે કારણ આંહીં ફરિયાદી તરફથી રજૂ કરવામાં આવેલ છે તે પૂરતું નથી. તેની પાછળ વધુ તીવ્ર ઉશ્કેરાટનો એક પ્રદેશ મને દેખાયો છે. પણ તેની અંદર ઊતરવાની જરૂર કોર્ટ જોતી નથી. આરોપીને છોડી મૂકવામાં આવે છે.”
ચુકાદો સાંભળનારાઓમાં ગંભીર લાગણીનો ગરમ વાયુ ફૂંકાયો, અને શેઠના, શેઠ-પુત્રના, આરોપી મજૂરના ને વકીલમંડળનાં મોં પર તાતા તમાચા ચોડતો આ મિતાક્ષરી ફેંસલો સુણાવીને શિવરાજ સીધો ઘેર ગયો.
“આપ મહેરબાની કરીને થોડા મહિનાની રજા પર ઊતરી જશો ?” સ્નેહીઓએ આવીને એને ભય બતાવ્યો.
“જરૂર નથી.”
“તો રાતના બે ચોકીદારો ગોઠવશો ?”
“શા માટે ?”
“આપ દુનિયાને ઓળખતા નથી.”
“ન્યાયકર્તાને બહોળી ઓળખાણ ન જ હોવી જોઈએ.”
આઠેક દિવસ વીત્યા. શિવરાજ ઈરાદાપૂર્વક પિતાજીની પાસે ન ગયો. એ ઘરમાં પણ ન પેસી રહ્યો. એના આત્માની અંદર ઠંડું વીરત્વ પ્રસન્નતાના ઘોષ કરવા લાગ્યું. એ વીરત્વની નૂતન પ્રભા નચવતે ચહેરે પોતે એકાકી જ સવાર-સાંજ ફરવા નીકળ્યો. એકલપંથી બનીને ફર્યો. ન કોઈ સ્નેહીના ઉંબર પર ચડ્યો, ન સરસ્વતીના આંગણા સામે પણ એણે નીરખ્યું. ‘સરસ્વતી ઈચ્છે છે કે…’ એ વાક્યનો વીંછી-ડંખ એનાથી વીસરાતો ન હતો. સરસ્વતી એવું ઈચ્છનારી કોણ ? કયો અધિકાર ? એક મજૂરની ઓરત શું શેઠ-પુત્રની પથારીનું રમકડું હતી ?
‘ત્યારે અજવાળી શું મારું રમકડું ?’ એ વાક્ય કોણ બોલ્યું અંદરથી ? કોઈક એની