અંદર જાગ્રત હતું ? કોઈક એના આરોપની અદાલત ભરીને બેઠું હતું ?
શિવરાજે લલાટ પર હાથ ફેરવ્યો, એ ભૂંસવા મથ્યો, લલાટ પર પડેલા દસ્તખતો ન લૂછી શકાયા.
આઠમાં દિવસે શિવરાજને પ્રાંતસાહેબનું તેડું આવ્યું. પોતાને ભણકારા વાગી ગયા, તૈયાર થઈને ગયો, પણ અજાયબી તો ત્યાં પણ એની વાટ જોઈ રહી હતી. ગોરા અધિકારીનો સન્માન અને સ્તુતિભાવભર્યો પંજો એના પંજાને પકડીને ધૂણી ઊઠ્યો.
તમને મારા અભિનંદન છે. તમારું આચરણ બહાદુરને છાજે તેવું હતું, તમને હું બીજા ખુશખબર આપું ? અત્યારના ડેપ્યુટીને દફતરદારી સંભાળવાની છે. તમને એના ખાલી પડતા સ્થાન પર કામચલાઉ નીમવાનો હુકમ રાજકોટથી આવી ગયો છે. પણ હમણાં વાત ખાનગી રાખવાની છે.”
શિવરાજને શ્રદ્ધા બેસતાં થોડી વાર લાગી. ગોરા અમલદારોનો એને અનુભવ નહોતો. ગોરાઓ ડરકુઓને અને ખુશામદખોરોને ગુલામ બનાવી દબાવે છે, પણ વીર્યવંતોની શેહમાં ગોરાઓ ઓઝપાય છે — એ ગુપ્ત વસ્તુ શિવરાજને શીખવી બાકી હતી.
ઘેર જઈને શિવરાજે તે રાત્રિએ કાગળ ને પેનસિલ લીધાં. પેનસિલ એણે ડાબા હાથમાં પકડી, અને એક વધુ છેતરપિંડીનો દસ્તાવેજ તૈયાર કરવા માંડ્યો.
એ લખી રહ્યો હતો અજવાળીનો એની મા પરનો બીજી વારનો કાગળ. ફરી વાર એના એ જ ભાવો : ‘માડીને માલૂમ થાય કે તમારી દીકરી અંજુડી ખુશી ખાતે છે. તમારો જમાઈ એને મારતોકૂટતો નથી. ઘઉંનાં ઓરણાં હાલે છે. પેલકી વારના દાણા ખપેડી ખાઈ ગઈ છે, બીજી વાર વાવીએ છયેં. વાણિયો બી ઉધાર માંડતો નો’તો તેથી, માડી, મેં તમારા જમાઈને મારા કાનનું ઠોળિયું દીધું છે. મેં કહ્યું કે, ભૂંડા, તારે ઘઉં થાય તયેં આપણે ઈ ઢોળિયું વાણિયા પાસેથી છોડાવી લેશું. એમાં તું ના ના શું પાડ છ ? તું હેમખેમ રૈશ તો ઠોળિયાં તો મને લાટ મળશે. પછેં એને માંડ માંડ મનાવ્યો છે. અમારી ગાયના ગોધલાને હવે ચડાઉ કરવા છે. તમારો જમાઈ બળૂકો છે તોય ગોધલા એના હાથમાં રે’તા નથી. ગોધલાને મારી સાસુએ ભેંસનું દૂધ પાઈને મોટા કર્યા છે. તમારો જમાઈ કહે કે, ઠોળિયું નૈ, એક ગોધલો વાણિયાને વેચી દઈયે. મેં કહ્યું કે, તો તો ગોધલાના પગ હેઠ કચરાઈને જ મરું. ઘઉંનાં ઓરણાં થઈ જાશે પછી હું તને મળી જાશ. માડી, તું દખી થાતી ના.’
કેટલી પ્રકાંડ બનાવટ ! શિવરાજને લાગ્યું કે પોતે આ બનાવટ કરવામાં પાવરધો થઈ ગયો છે. પોતાને ખેડૂતની છોકરીની ભાષા લખતાં આવડી ગઈ. પોતે આ કાગળને ધારે તેટલો લાંબો કરી શકે. પોતે ફસાવેલી એક છોકરીની ઝૂરતી માતાને કેવું કેવું મીઠું હળાહળ પાઈ રહ્યો છે ! આ છલનાનો કોઈ અંત જ નથી આવવાનો હવે શું ? અજવાળીને પોતે જીવનમાં જે દિવસ પરણશે, તે દિવસ આ જનેતા આ બનાવટી કાગળો ક્યાંથી લખાયાની કલ્પના કરશે ? આજનું અમૃત તે દિવસે સંબોળિયા નાગનું વિષ નહીં બની જાય ?
કાગળને સ્ટેશને જઈ પેટીમાં નાખ્યા પછી પાછા ફરતાં રેલવેના પાટા પાસે ડેપ્યુટી- સાહેબ અને સરસ્વતીને લટાર મારતાં જોયાં. પોતે માર્ગ તારવીને છટકવા ગયો. સરસ્વતી એને દેખી ચૂકી હતી. સરસ્વતી ઊપડતે પગલે એની કેડી રૂંધીને ઊભી રહી. હવે શિવરાજથી ન-જોયું કરવાનો ઢોંગ થઈ શકે તેવું રહ્યું નહીં, એણે ઠંડાગાર નમસ્કાર કર્યા.
“મારે તમને ખબર આપવા હતા.” સરસ્વતીએ એક શુષ્ક કારણ કહેવાને બહાને