પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બે પિતાઓ
૬૩
 

“તો તો સારું. ચોકીદાર ઊઠીને જાસૂસ ન બની જાય તેટલું જ જોવાનું છે.”

“તમે બત્તી નથી રાખતા, નથી માણસને સુવરાવતા. એમ શા માટે ?”

“અંધારામાં મને મારવા આવનાર ગોતી જ ન શકે તે માટે.”

“ઠીક, વધુ તો શું કહેવું ?”

“તમે ઉજાગરા ન કરતાં. હું તો ઘસઘસાટ ઊંઘું છું.”

“દુનિયામાં ઊંઘની અછત છે. કોને ખબર છે — મારી ઊંઘ જ તમને મળતી હશે તો !”

વાર્તાલાપ લંબાવવાની લાલચ સરસ્વતીના પગને વજનદાર બનાવતી હતી. વાતોમાંથી નાસી છૂટવા ઇંતેજાર શિવરાજ ‘બાપુજી’નું બહાનું કાઢી પગ ઉપાડતો હતો.

“કાં, ભાઈ !” ડેપ્યુટીએ પણ પેલી ચિઠ્ઠી લખ્યાના અપરાધયુક્ત ભાવે નમસ્કાર કર્યા. શિવરાજ કેમ નથી ડોકાતો એ પ્રશ્ન જ ન છેડ્યો, પણ સારા સમાચાર આપ્યા : “અમે તો હવે અહીંથી ઊપડીએ છીએ.”

“હા જી, મેં જાણ્યું.”

સરસ્વતીએ જોયું કે જાણ્યા છતાં શિવરાજ આ વિદાયનો એક પણ વેદના-સ્વર કાઢતો નહોતો.

“સરસ્વતીની સંભાળ,” ડેપ્યુટીએ બોલતાં બોલતાં ગળું ખરડ્યું : “દૂર બેઠે પણ લેતા રહેજો. હું તો હવે પેન્શન માગતો હતો, પણ આ લોકો છોડતા નથી. પેન્શન લઈને પણ ક્યાં જાઉં ? સરસ્વતીની સાથે જ રહું તો ઠીક. રહેવાય ત્યાં સુધી તો રહું. પછી તો તમારા બાપુજીને જ ભળે છે ને —”

૧૮. બે પિતાઓ

ડેપ્યુટીસાહેબના એ શબ્દોની મતલબ શિવરાજ અને સરસ્વતી બંનેને સમજાઈ ગઈ. દેવનારાયણસિંહને પોતાની પુત્રીનું કાંડું સોંપવા ઇચ્છનાર બુઢ્‌ઢો દીકરીનો બાપ શિવરાજને ચમકાવી શક્યો, સાથોસાથ શિવરાજની દયાનું પણ પાત્ર બન્યો. જુવાન થયેલી અને માવિહોણી, ભાંડુવિહોણી દીકરીનો બાપ ચાહે તેવો તાલેવાન અને સત્તાધીશ હોય તોપણ એ કંગાળ છે. બુઢાપો એની કંગાલિયતમાં ઉમેરો કરે છે.

સરસ્વતી પોતાની આટલી બધી પામરતાને માટે તૈયાર નહોતી. થોડાક રોષની લૂ એના મોં પર ગરમ ચીલા મૂકતી ચાલી ગઈ. પોતાની ઊડઊડ થતી લટોને સામા પવનની દિશામાંથી ખેસવી લેવાને બહાને એણે મોં ફેરવી લીધું. એણે શિવરાજની સામે ઘણી વાર સુધી નજર પણ ન કરી. ત્રણમાંથી કોઈ કશું બોલ્યું નહીં. એ ચુપકીદીનો દરેકે જુદો જુદો અર્થ બેસાડ્યો : ડેપ્યુટીએ શિવરાજના મૌનમાંથી સંમતિ સાંભળી : સરસ્વતીને શિવરાજની શાંતિમાં ખુમારીનો ભાસ આવ્યો : શિવરાજને અબોલ સરસ્વતી શરણાગત જેવી લાગી.

“ચાલો, હવે જઈએ.” સરસ્વતીએ બાપની બાજુએ જઈને બાપુનો હાથ પોતાના ખભા પર ટેકવાવી દીધો. શિવરાજ ડેપ્યુટીની બીજી બાજુએ ચાલવા લાગ્યો. સરસ્વતી હજી બીજી જ બાજુ જોઈ રહી હતી. સ્ત્રીને, ખાસ કરીને જુવાન કન્યાને, અભણ કે ભણેલીને, પોતે કોઈની શરણાગત છે એવું ભાન કટાર જેવું ભોંકાયા કરે છે. પરણાવવા