ભાષણો વાંચતી, કે નથી આ કેમ્પની કન્યાશાળાના મેળાવડામાં પણ ભાષણ કરવા જતી.
આ વખતે તો પાછી અથાણાં કેમ બનાવવાં તેની ધમાલ લઈ બેઠી છે. ઘરમાં જુઓ તો
ઠેકાણે ઠેકાણે હળદરના ડાઘ, નાકને ફાડી નાખે તેવી મરચાંની ભૂકી બસ ઊડ્યા જ કરે. રાઈ-મેથીને દળવા માટે ઘંટલાની શોધાશોધ થઈ રહી હતી, ને પાછી પોતે રાઈ ભરડવા બેઠી. દાણા આખા ને આખા નીકળી નાસવા લાગ્યા. પંદર વાર એ-નું એ ભરડ્યું તોય હજુ
રાઈ ભરડાઈ નથી, હોં કે સાહેબ !” ડેપ્યુટીસાહેબ હસ્યા.
દેવનારાયણસિંહને અચરજ થયું કે, સરસ્વતી આ પરિહાસ પ્રત્યે મંદ મંદ હસતી નિરુત્તર જ ખડી છે. પોતાનો બચાવ પણ નથી કરતી, પોતાનું ગૌરવ અનુભવતી લાગે છે. આટલું મોટું પરિવર્તન આ છકેલ છોકરીમાં જે કારણસર આવ્યું હતું તેની દેવનારાયણસિંહને મુદ્દલ ખબર નહોતી.
“શિવરાજ ક્યાં ગયા ?” વૃદ્ધે આજુબાજુ જોયું : “એમને તો આ બધું ખાસ સંભળાવવાનું હતું. જો તો, સરસ્વતી છે કે ગયા ?”
“ગયા.” સરસ્વતીને ખબર હતી.
“કેમ જવા દીધા ? ગૃહિણીનું કામકાજ શીખતી ગૃહિણી-ધર્મ ભૂલી જ ગઈ કે ?”
ગૃહિણી-ધર્મ શબ્દના પ્રહારે સરસ્વતીના ગાલ પર લાલાશ આણી.
“કહો કે — ગૃહસ્થીનો ધર્મ.” દેવનારાયણસિંહ સરસ્વતીની અકળામણને પામી ગયા.
“અરે, ધર્મ ! ફક્ત ધર્મ,” ડોસાએ સુધારો પૂરો કર્યો : “એ જ સાચો ધર્મ છે. પણ આવી છોકરીને તમે તેડી જઈને શું કરશો ? હા, તમારા નિર્જન મકાનમાં કોઈ મોટું કુટુંબ આવી પડ્યું હોય તેવી ધમાલ કરી બતાવશે : કરશે કાંઈ નહીં. પણ ગજવશે ગામ આખું !”
“હવે એને છોડો.” દેવનારાયણસિંહે સરસ્વતી પર મીઠા જુલમની હદ થતી જોઈ.
“અત્યારથી જ એના વડીલ બની બેસવાનો આપને હક થઈ ગયો ? બેઉ જણાંએ આંખો વાટે શી શી વાતો કરી લીધી ? મારા ઘરમાં આવનારા જુવાનો, બુઢ્ઢાઓ, બધા જ, બસ, ચોરી કરવામાં પ્રવીણ લાગે છે. ચોરો, ભાઈ, બધું જ ચોરો ! કૃપા કરીને એક આ દીકરીનું હૈયું હમણાં ચોરતા નહીં… હમણાં… હમણાં થોડો વખત.”
પિતાના તૂટતા બોલોથી ચમકેલી સરસ્વતીએ પિતા સામે જોયું. વાણી અને કંઠ વચ્ચે ત્યાં એક નાની-શી લડાઈ મચી ગઈ હતી.
“જા, બેટા !” દેવનારાયણસિંહે સરસ્વતીને સીધેસીધું આવું સંબોધન એના યૌવનપ્રવેશ પછી સૌ પહેલું જ કર્યું.
બંને બુઢ્ઢાઓ એકલા પડ્યા ત્યારે ડેપ્યુટીએ દેવનારાયણસિંહને પૂછ્યું : “તમને તો ખબર હશે.”
“શાની ?”
“મારી બદલીની ને મારી જગ્યાએ થયેલી કામચલાઉ નિમણૂકની.”
“જાણ્યું નથી. હું પોતે તો ઇંતેજાર છું જ નહીં.”
“પણ ઘણા સિનિયરોના હકો ડૂબ્યા છે.”
“આપણે ‘સિનિયરો’ કહેવાવા લાયક નથી, આપણે તો ટ્રામના ઘરડાખખ ઘોડા કહેવાઈએ. સિનિયરો એટલે ચડિયાતા — ને આજે તો નવા જુવાનો આપણા કરતાં વધુ ચડિયાતા છે. તેમને કાયદાનાં ચોગઠાંની બહાર નીકળીને ન્યાય તોળતાં આવડે છે.”