પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬
અપરાધી
 

“પોતાનો દીકરો જુવાન છે માટે કે ?” ડેપ્યુટી હસ્યા.

“મને તો કોઈ દિવસ લાગ્યું જ નથી કે એ મારો દીકરો છે.”

“ત્યારે કોણ છે ?”

“પરોણો છે. એની માતાનું સોંપેલ દ્રવ્ય છે, થાપણ છે.”

“ત્યારે તમને ખબર આપું ? દસ સિનિયરોના હક ડુબાવનાર તમારો એ પરોણો જ છે.”

દેવનારાયણસિંહ મૂંગા રહ્યા. થોડી વાર એની આંખો મીંચાયેલી રહી. ડેપ્યુટીએ પૂછ્યું : “કેમ વિચારમાં પડી ગયા ?”

“કસોટીમાં ટકશે ?”

“શિવરાજને માટે સવાલ જ નથી. ગયા મિલ-કેસમાં એણે જબરી છાપ પાડી નાખી છે. ને હવે હું એને એક વધુ નાજુક મુકદ્દમો ભળાવતો જાઉં છું — ધણીને મારી નાખનાર કુંભારણનો.”

“એની કસોટી બહુ વહેલી શરૂ થઈ ગઈ. ન્યાયનો પંથ તરવારની ધાર છે.”

દેવનારાયણસિંહને દિલે આ સમાચાર આનંદ ન જગાડ્યો. એક બાજુ કાયદો, બીજી બાજુ અંતઃકરણ, ત્રીજી બાજુ લોકમત : વચ્ચે એક જુવાનને માર્ગ કાઢવાનો હતો. કાયદો એને જડ કરી મૂકશે, અંતઃકરણ એનામાં વધુપડતી કુમાશ રમાડ્યા કરશે, લોકમત એનું એનાપણું — પોતાપણું — નહીં રહેવા આપે. મા વિનાના અને કઠોર પિતાના પુત્રની આ કસોટી અતિ વહેલી આવી. લગ્નજીવન જેણે નથી જોયું, જગતનાં સાતે પડોમાં જે નથી જઈ આવ્યો, એવા બાળકને એકલો કાયદો શી દોરવણી દેવાનો હતો ?

“સારા ન્યાયકર્તા બનતાં પૂર્વે પ્રત્યેકે સારા ગૃહસ્વામી બનવું રહે છે. એટલા પૂરતી સિનિયોરિટીની પ્રથા મને વાજબી લાગે છે.” દેવનારાયણસિંહે થોડા વિરામ બાદ કહ્યું.

“માટે તો કહું છું કે, સરસ્વતીને તેડી જાઓ.”

દેવનારાયણસિંહે ઉતાવળો નિર્ણય ન આપ્યો. એના ગંભીર હાસ્ય કહેવાનું કહી દીધું કે, હજુ વિચારી રહ્યો છું. એને નક્કી કરવું હતું કે સરસ્વતીનો આજે નિહાળેલ સંસ્કાર કાયમી છે કે કેવળ તમાશો છે ?

એ ગયા ત્યારે એને ખબર નહોતી કે સરસ્વતીએ પોતાના કરેલા અથાણાનો એક મોટો બાટલો ભરીને એની ગાડીમાં મુકાવી દીધો હતો.

૧૯. શિવરાજ પીડિત-આશ્રમમાં

રસ્વતીના આંગણામાંથી શિવરાજ સરકી જતો હતો ત્યારે એણે પોતાની પાછળ ધીરો એક અવાજ છોડ્યો હતો : “થોડી વાર નહીં રોકાઓ ?”

પણ પોતે એને સાંભળ્યો-ન-સાંભળ્યો કરીને નીકળી ગયો. છતાં એ સાદ એનો સાથી બન્યો હતો. સરસ્વતીના સ્વભાવ-પલટાના સૂરો એ સાદમાં સમાયા હતા સરસ્વતી શું નક્કી જ કરીને બેઠી હતી ? એના ને મારા બેઉ પિતાઓ પણ સરસ્વતીનું સ્થાન મુકરર કરી ચૂક્યા હતા ? ને પોતે આ ભ્રમણાનો વધુ વણાટ અટકી પડે એવું એક પણ પગલું કેમ નહોતો ભરતો ?