લખાણ પર જાઓ

પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮
અપરાધી
 


કોનો હતો એ કંઠ ?

તે પછી અંદર થોડી ધબાધબી પણ મચી ગઈ.

પા કલાક બેઠા પછી આશ્રમનાં સંચાલકબાઈ આવ્યાં. તેમણે શિવરાજને ઘણી લાંબી વાર શંકાભરી નજરે નિહાળ્યા પછી અજવાળીને બોલાવી.

આ અજવાળી ! — શિવરાજ એને જોઈને ચમક્યો : ફૂલીને ઢોલ થઈ ગયેલું એ કલેવર હતું, એ મોં પર માર્દવ નહોતું રહ્યું. જડતાની જાણે પ્રતિમા હતી.

“કેમ છે આંહીં ?”

“મઝો સે.” એ જવાબ સાંભળતાંની જોડે જ શિવરાજને સમજ પડી : થોડી વાર પૂર્વેનો ઘોઘરો સંગ્રામ-સ્વર આ પોતે જ હતો; અજવાળીનો અવાજ બહુ કજિયા કરી કરીને જાણે કે તરડાઈ ગયો હતો. રાતમાં શું રોટલા-રોટલીની ચોરી કરતી હતી અજવાળી ? મને જોઈને એના મોં પર શરમના શેરડા કેમ નથી પડતા ? ગલની ભાત પડે તેવા એના ગાલ જ ક્યાં રહ્યા છે ? આ ચરબીના થર કેવી માનસિક વિકૃતિ બતાવે છે !

ફરીથી ધમાલ મચેલી સાંભળીને સંચાલક ઊઠીને બહાર ગયાં ત્યારે શિવરાજે અજવાળીની સાથે વાર્તાલાપમાં ઊતરી જોયું :

“ભણે છે કાંઈ ?”

“ભણતર હૈયે ચડતું નથી.”

“કેમ?”

“નીંદર આવે છે.”

“વાળ નથી ઓળતી ?”

“કોણ માથાકૂટ કરે ?”

“મા સાંભરે છે ?”

“કોક કોક દી.” એમ બોલતી બોલતી અજવાળીએ જૂઠું જૂઠું હાસ્ય કર્યું.

“અહીં કંઈ દુઃખ નથી ને ?”

“વારે વારે ‘પરણ્ય… પરણ્ય… પરણતી કાં નથી ?’ — એમ કહ્યા કરે છે.”

“કોની જોડે ?”

“કંઈક શેઠિયાઓ દો’ડી આવ્યા જ કરે છે. અમને સૌને હારબંધ ઊભિયું રાખે છે.”

"ખાવું ભાવે છે ?”

“પેટ ક્યાં પૂરું ભરાય છે ?”

આ આખી જ વાતચીતમાં નરી જડતા વહેતી હતી. ખરી રીતે તો એમાં વહેતું કોઈ વહેણ જ નહોતું — જાણે કોઈ ખાબોચિયું મચ્છરે બણબણતું ગંધાતું હતું. એક પણ રેખા — કરુણતાની, કે સ્ત્રીત્વની — આ છોકરીના સૂણી ગયેલા શરીર પર નહોતી રહી.

“તારે કાંઈ કહેવું છે ?”

“મને પેટપૂરી રોટલિયું આપે એમ કહેતા જાવ. ને મને પરાણે શીદ ભણાવે છે ?”

શિવરાજ હજુ તો બેઠો હતો, ત્યાં જ છેટેથી બીજી બે-ત્રણ સ્ત્રીઓ અણગમો આવે તેવી ચેષ્ટા અજવાળી પ્રત્યે કરી રહી હતી.