લખાણ પર જાઓ

પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગરીબનવાજ
૭૩
 

ઘડી ન કરવી આપ્યો. એને થયું કે શિવરાજે પોતાને સાત માળના ઊંચાણેથી ૫ડતી ઝીલી છે.

“હાય ! હું તો બી મરી !” એના હાંફતા હાંફતા શ્વાસમાંથી એટલો જ ઉચ્ચાર માંડ, માંડ નીકળ્યો. એના રોમેરોમમાંથી ‘શરમ… શરમ’ના જાણે સુર નીકળ્યા, એનું શરીર અસંખ્ય છિદ્રોવાળું વાદ્ય બની ગયું. એ બોલી શકતી નહોતી, કેમ કે એ મહાબંસીમાંથી પૂર્વે કદી ન સુણેલું સંગીત બજતું હતું.

શિવરાજના હાથમાં આટલું કૌવત હતું ! એક છલકતા નારીદેહને આસાનીથી હિલોળા ખવરાવવા જેટલું કૌવત ! કાયદાની પોથીઓ ઉથલાવનારા એ હાથ આવું કૌવત ધરાવી શકતા હશે ? પુરુષના કૌવતમાં પણ શું આટલી કોમળતા સંઘરેલી હતી ?

જગત સર્જાયું છે તે દિવસની જૂની વાત : પલેપલની સામાન્ય પાર્થિવતા : તેનો સરસ્વતીને અચંબો શું થયો ?… કોણ કહી શકે ? યૌવન પણ ક્યાં સૃજનજૂનું બેવકૂફ નથી ? કૌવતની પૂજા સ્ત્રીએ ક્યાં આદિકાળથી નથી કરી ? સરસ્વતીનું એ શરીરવાદ્ય શિવ-ગોરીનું ‘કુમાર સંભવ’ સંભળાવી રહ્યું હતું.

ન સરસ્વતી બોલી શકી, ન શિવરાજના મૂંઝાયેલા મોંમાંથી શબ્દ પડ્યો. શરમ એના મોં પરથી જતી રહી હતી. પોતાના ગુપ્ત કૌવતનું એને પણ નવભાન થયું હતું. અને એ નવું ભાન જૂના અનુભવની કોઈપણ ઓળખાણનો જ જાણે ઇન્કાર કરતું હતું.

૨૧. ગરીબનવાજ

ખરે બાપદીકરીને ગાડી પર વિદાય દઈને શિવરાજ પોતાની અદાલત તરફ વળ્યો. એણે નવી જગ્યાનો ચાર્જ લીધો અને ફરી વાર એને ઘેર શ્રીફળ અને સાકરના પડાની સોગાદો વરસવા લાગી. એ શ્રીફળ અને સાકર પોતે કેમ્પના નાના ગામડાને ઠાકરદ્વારે મોકલી દીધાં ને પૂજારીને કહેવરાવ્યું : “નાનાં બાળકોને વહેંચી દેજો.”

જૂના મુકદ્દમાઓની એક આખી થપ્પી એકઠી થઈ હતી. જૂના ડેપ્યુટી સાહેબે કંઈક પ્રમાદથી, કંઈક બુઢાપાને કારણે, અને મોટે ભાગે તો લડનારા પક્ષોને થકવી નાખી ઘરમેળે સમાધાન પર આવી જવાની સ્થિતિ ઊભી કરવા માટે ઢગલો રાખી મૂક્યો હતો. ઉપરાંત, દીવાની દાવા સાંભળનાર મેજિસ્ટ્રેટનો પણ કામચલાઉ ચાર્જ તેને લેવો પડ્યો. એ કામ ઘણા કાળનું ચડેલું હોઈ જલદી પતાવવાનો ઉપરથી હુકમ હતો. શિરસ્તેદારે વેપારીઓના દીવાની દાવાઓ અને તાલુકદારોની તકરારો વગેરે પોતાને માટે માલદાર હતા તેવા તેવા કેસોનાં કાગળિયાં મથાળે રાખીને સાહેબને ઊઠાં ભણાવવા માંડ્યાં.

“બીજા કોના કોના છે ?”

“બહુ ઉતાવળના નથી.”

“તમામનાં નામ વાંચો.”

શિરસ્તેદારે વાંચવા માંડ્યું.

ત્રણ ચાર મોટાં નામો ગયા પછી નાનાં નાનાં ને નજીવાં નામો શરૂ થયાં.

“બામણી બાઈ તરવેણી વિરુદ્ધ રાવબહાદુર તુલજાશંકર ત્રિવેદી.”

“શી બાબત ?”