પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪
અપરાધી
 


“પોતાની ખોરાકીપોશાકી બાબત.”

“લાવો એ કાગળિયાં. બીજું વાંચો.”

“કુંભાર ધરમા વિરુદ્ધ બિલાસગઢ રેલવે.”

“શી બાબત ?”

“કોમ્પેન્સેશન બાબત.”

“શાનું કોમ્પન્સેશન ?”

“એના બળદ રેલવે ફાટક પર કપાઈ ગયા હતા તેનું.”

"લાવો મારી પાસે એ ફાઈલ. આ બંને કેસ ક્યારથી બાકી છે ?”

“પાંચ વરસથી.”

“અને પહેલા બે ?”

“નવા છે.”

“ત્યારે તમે કેમ એને આગળ ધરતા હતા ?” શિવરાજની આંખો કરડી બની.

“અગત્યના કહેવાય ખરાને, સાહેબ !”

“અગત્ય-બિનઅગત્ય કેવી રીતે માપો છો ?”

“સાહેબ,” શિરસ્તેદારે જરા મરકીને કહ્યું, “આપ હજુ આજે પધારો છો. ને મારે માથે આંહીં રહ્યે રહ્યે ધોળાં આવ્યાં. હું આપને આડે માર્ગે ન દોરવું. સંજોગો હું સમજું છું, માટે મેં આપને સીધા દોર્યા.”

“મને દોરવાનું છોડો ને સફેદ વાળ મને ન બતાવો. પાંચ પાંચ વર્ષોથી તમે ખોરાકીપોશાકીના ને કોમ્પેન્સેશનના મામલા દબાવીને બેસી શી રીતે શક્યા ? ફેરવી નાખો પહેલા બે કેસની મુદત. આ કેસની સુનાવણી થશે. નજીકમાં નજીકની તારીખ નાખો. પહેલો કેસ બામણી તરવેણી વિ. રાવબહાદુર તુલજાશંકર ત્રિવેદીનો લેવાશે. કોણ છે આ પ્રતિવાદી ?”

“આપણા એજન્સીના જ માજી ડેપ્યુટીસાહેબ છે. અત્યારે દૌલાની સ્ટેટના દીવાન છે.”

“નાખો આવતા મંગળવારની મુદત.”

“પણ… સાહેબ !”

“શું છે ?”

“રાવબહાદુરને એ તારીખ અનુકૂળ હશે ?”

“નહીં હોય તો નહીં આવે.”

શિરસ્તેદારે કહ્યું : “જેવી મરજી.”

“તે પછી બીજો જ દિવસ નાખો ખેડુ ધરમાના કેસનો. ઊભા રહો —” શિવરાજે વિચાર કર્યો, “ધરમો ખેડૂત છે, ખરું ? ને અત્યારે એને ખેડવાનું કામ ચાલતું હશે. કયા ગામનો છે એ ?”

“રાવણિયા થાણા હેઠ તાબે દીતડાનો.”

“વારુ, અમાસ ને કયો દિવસ આવે છે ?”

“રવિવાર આવે છે, સાહેબ.” શિરસ્તેદારે કેલેન્ડરમાં જોઈને કહ્યું.

“ફિકર નહીં, ખાસ કિસ્સા તરીકે એ રવિવારે ચલાવવામાં આવશે. રેલવેને ખબર આપો ને અત્યાર સુધીનું તમામ દફતર મોકલી આપો.”