પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગરીબનવાજ
૭૫
 


રાત્રિએ મોડે સુધી એણે આ બે મુકદમાની વિગતો તપાસી. પાંચ પાંચ વર્ષો સુધી મુદતો પડ્યા કરતી હતી. રેલવે અધિકારી અને રાવબહાદુર ત્રિવેદીની અનિવાર્ય કારણસરની ગેરહાજરીમાં આ મુદતોનાં કારણરૂપ હતી. શિવરાજે અદાલતે જતાં જોયું હતું : ગામડિયાં સાહેદોનાં ટોળાંને ઊભવાની કોઈ છાંયડી નહોતી, બેસવા બાંકડો નહોતો, પાણી પીવા નળ નહોતા. ઊભા ઊભા ખેડૂતો ને ઉભડિયાઓ દાળિયા ફાકતા હતા. ધાવણવિહોણી માતાઓની છાતીએ ભૂખ્યાં બાળકો ખુલ્લા તાપમાં ચીસો પાડતાં હતાં. કેટલી વાર આમ બની ચૂક્યું હતું ? ઈન્સાફ કેટલો દુર્લભ હતો ? આ લોકોને આંહીં ટોળાબંધ તેડાવવાનો શો અર્થ હતો ?

રાતમાં જ એણે વિચાર કરી કાઢ્યો. વળતા દિવસે શિરસ્તેદારને જઈ કહ્યું : “ખેડૂત ધરમાનો કેસ આંહીં નહીં પણ એના ગામ નજીકના સ્ટેશન પર ચલાવવામાં આવશે — પક્ષકારોને ખબર આપી દો.”

“રવિવારને દિવસે કોર્ટ ! અને તે પણ રેલવેના સ્ટેશનમાં !” બિલાસપુર રેલવેના હાકેમોએ બપોરના બેથી ત્રણની ચા પીતે પીને આશ્ચર્ય અનુભવ્યું.

“એક દિવસ પણ આ ઘસડબોળામાંથી આરામ નહીં ?” તેઓમાંના એક ખિજાયા. પણ સામા બીજાએ સંભારી આપ્યું :

“બાર વાગ્યાથી તો કામે ચડીએ છીએ. બે વાગ્યાથી ચાની તૈયારીઓ કરાવવી પડે છે. ત્રણ વાગ્યે માંડ પ્યાલા ભેગા થઈએ છીએ. ચાર વાગ્યે તો બંગલે ચાલ્યા જવું પડે છે. ચડી ગયેલા કાગળોના થોકડા સાથે લેવરાવી જવું પડે છે. સહીઓ પણ પૂરી કરી શકાતી નથી. કાગળોની કમબખ્ત થપ્પીઓ સામે, બસ, ખડકાયા કરે છે. તેમાં પાછા આ તિસમારખાં જુવાન મેજિસ્ટ્રેટોની આપણા રવિવાર પર પણ તરાપ પડે છે !”

“આ રવિવાર તો હું મિસિસને આપી પણ ચૂક્યો છું.”

“હવે ?” બીજાએ કહ્યું, “હોનારત થશે કે ?”

“સવાલ જ નહીં ને !”

નવા મેજિસ્ટ્રેટ શિવરાજ સાહેબ રવિવારે પ્રભાતે કેમ્પના સ્ટેશન પર આવ્યા ત્યારે સ્ટેશન-માસ્તર સલામ કરીને ઊભા રહ્યા : “સ્પેશિયલ કેરેજ આવી ગઈ છે.”

“કેમ ? મેં તો નહોતી મગાવી.”

“અમારા સાહેબે મોકલી છે. આવું હોય ત્યારે કાયમ મોકલાય છે.”

“કાયમની વાત જુદી હશે. હું તો કાયમી નથી ખરોને ? કહેજો તમારા સાહેબને.”

શિવરાજે પંદર-વીસ માણસો સાંભળી શકે તે રીતે કહ્યું, ને પોતે પોતાના મળતા ભથ્થામાંથી જ ટિકિટ કઢાવી ગાડીમાં બેઠો.

ઊતરવાને સ્ટેશને એકાએક ગાડીના પાટા તળે ફટફટ અવાજો થયા અને બહાર એણે ફૂલહારોના ટોપલા સાથે ઊભેલ ટોળું દીઠું.

શિવરાજ નીચે ઊતર્યો. રેલવેના સાહેબે નજીક આવીને જાણે કે મહોબતના સૂરો કાઢ્યા : “કેમ સાહેબ, કેમ છો ? આજ તો રેલવે પર બહુ કોઈ કૃપા !”

એટલું કહેતાં એણે નજીકની ટોપલીમાંથી હાર ઉપાડવા ડાબો હાથ પાછળ લંબાવ્યો ને જમણો હાથ હસ્તધૂનન કરવા શિવરાજ તરફ લંબાવ્યો.

શિવરાજે એ હાથને પોતાના હાથમાં લેવાની કશી પરવા ન કરી. એણે ધીમેથી કહ્યું : “તમારા હાર દૂર રખાવશો ? હું તમારી મહેમાની ખાવા નથી આવ્યો.”