એ શબ્દોમાં રેલવે અધિકારીની અધીર બની રહેલી મહોબતને થપ્પડ હતી.
રેલ્વે સાહેબનું મોં પડી ગયું. પણ પોતાનો રોષ એ ખાળી શક્યા. એણે કહ્યું : “આપ ઈન્સાફ કરવા આવો છો, પણ મનમાં prejudices (પૂર્વગ્રહ) ભરીને પધારતા લાગો છો.”
“Shut up” (ચૂપ કરો). શિવરાજે અન્ય કોઈ ન સાંભળી જાય તેવી સંભાળ રાખીને હોઠ ધ્રુજાવ્યા. તે પછી એ ઊતર્યો ત્યારે ત્યાં ફૂલહારની કશી ગૂંગળામણ નહોતી.
વેઇટિંગ રૂમમાં સીધેસીધા પેસી એણે અદાલત ભરી. નાનો-શો ખંડ ખુરશી અને બાંકડાઓથી છલોછલ થઈ ગયો. અને રેલવેના બે-ચાર અધિકારીઓ, નજીકના મહાલોના રેવન્યૂ અધિકારીઓ, સીતારામનગરના ખાખી ફટકાધારી મહંતસાહેબ, અને નજીકનું દારૂનું પીઠું ચલાવનાર પારસી શેઠ અરદેશર વગેરે ખુરશીઓ રોકીને ત્યાં શા માટે બેસી ગયા હતા તે શિવરાજથી સમજી ન શકાયું.
“આ… સાહેબ,” રેલવે અધિકારી મહંતશ્રીની પિછાન આપવા ગયા તે જ ઘડીએ શિવરાજે કંઈ સાંભળ્યું જ નથી કરીને શિરસ્તેદારને પૂછ્યું : “ક્યાં છે ફરિયાદી ?”
“ધરમા પ્રાગા.” શિરસ્તેદારે પટાવાળાને નામ આપ્યું.
“ધરમા પ્રાગા ! ધરમા પ્રાગા હાજર છે ?”
પટાવાળાએ રોજિંદા યંત્રની જેમ અરજદારને બોલાવવાની નહીં પણ જાણે કે બિવરાવવાની ત્રણ ત્રાડો પાડી.
“આંહીં છું.” ધરમો ખેડુ ધીમેથી બોલ્યો.
“ત્યારે ફાટતો કેમ નથી અત્યાર સુધી ?” પટાવાળાએ પાસે જઈને કહ્યું.
“પણ તમે એક જ સવાસે રાડ્યું દ્યો, તેમાં હું વચ્ચે કેમ કરીને બોલું ?”
“ઠીક ભા, હાલો મોટા જામ !”
ધરમો અંદર આવ્યો. એણે પોતાની ચૂંચી આંખો પર હાથની છાજલી કરી. એને ખબર ન પડી કે આમાં કોણ ન્યાયાધિકારી છે. એની આંખો જાણે ત્યાં બેઠેલા સર્વની મશ્કરી કરતી હતી. ગરીબી પોતે જ એક ઠઠ્ઠાપાત્ર તમાશો હોવા ઉપરાંત બીજાઓની પણ ઠેકડી જ કરનારી દેખાય છે. ધરમાએ ડાબી-જમણી ગમ ખોટે સ્થાને સલામો કરી તે જોઈને મહંત હસી પડ્યા. શિવરાજે રોષને રૂંધી રાખ્યો.
“પટાવાળા !” એણે કહ્યું, “ફરિયાદીને આંહીં મારી બાજુમાં લઈ આવ.”
ધરમાનો રસ્તો કરવા માટે સાહેબોને ખુરશીઓ ખેસવવી પડી. ધરમો નજીક જઈ ઊભો, પણ ફરીથી એની છાજલિયાળી આંખોએ સાહેબની શોધમાં ખોટી દિશા તરફ નજર ખેંચી.
“આંહીં જુઓ, હું આંહી છું ને” કહી. શિવરાજે ધરમાનું ધ્યાન ખેંચ્યું.
“પટાવાળા, ફરિયાદીને માટે બેઠક લાવો.” પ્રતિવાદીઓ અને દારૂના પીઠાના માલિક વગેરે પ્રેક્ષકો પણ ખુરશીએ ચડીને બેઠા હતા, ત્યારે ફરિયાદીનો એકનો જ શો અપરાધ — એવો ભાવ શિવરાજના હૈયે ઉદ્ભવ્યો.
શિવરાજના એ હુકમે દોડાદોડી કરાવી મૂકી. એક સ્ટૂલ લાવીને મૂક્યું. ધરમાને બેસાડ્યો. તે પછી જ મુકદ્દમો શરૂ થયો.
ધરમાને — એક કણબાને કોરટમાં બેઠક ! પ્રેક્ષકોને વિચિત્ર લાગ્યું એટલું જ નહીં, પોતાનું સૌનું એમાં અપમાન પણ દેખાયું.