પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮
અપરાધી
 


ખરેખરો ઘાસ તો મને ઢાંઢાનો લાગ્યો, સા’બ. ત્રણસો રોકડા દઈને જોડ લીધેલી. ઈ સારુ તો એક ખેતર માંડેલું. ઉપરાંત, ઈ જે મૂઈ ભાળ્યું. ઈ છોકરીને પણ માંડી’તી. સંધીને કીધું’તું કે એના સાસરિયાં ફારગતી કરી દેશે તો હું બીજે ઘરઘાવીને જે રકમ બચશે તે ભરીશ.”

ધરમો વિચારતો જ નહોતો કે પોતાનું બોલ્યું કોઈ સાંભળે છે કે નહીં. એ તો એને કોઈ ન અટકાવે ત્યાં સુધી બોલે જ જતો હતો. એને ભાન જ નહોતું કે પોતે અદાલતમાં બોલતો હતો. એને તો લાગ્યું કે, મારી આખી વીતકકથા સાંભળનારા કોઈ દયાળુ શ્રોતાઓ આંહીં એકઠા થયા છે. અને આટલે વર્ષે બીજું કાંઈ નહીં તો ઘણા લાંબા કાળથી મનમાં સીસાના રસ રેડાયા જેવી જે વાતો ભરાઈ બેઠી છે, તેને તો બહાર ઠાલવી નાખું ! નવા સાહેબ એને કોઈ પ્રભુના ઘરનું માણસ લાગ્યા. સાંભળે છે એ કાંઈ ઓછું છે ! મનની કળ કેટલી બધી ઊતરી ગઈ !

“મારી છોકરી ગઈ તેની વાત મેં આંહીં જ પે’લવે’લી કરી, સા’બ; એટલો તમ માથે વશવાસ બેઠો, હૈયું એટલું તમ પાસે વીસમ્યું, તારે જ મેંથી બોલાણું હશેને, સાબ !”

પછી પ્રતિવાદી રેલવેના વકીલ ઊભા થયા. ઊભા થઈને સૌ પહેલાં જ એણે એક પગ ખુરશી પર ઠેરવ્યો અને ધોતિયું ગોઠણ સુધી ઊંચું લીધું.

“Have some manners, Mr. Pleader” (વકીલસાહેબ કાંઇક રીતભાત રાખો !). શિવરાજે કચવાઈને શાંત સૂચના કરી. એ સૂચના એમણે અંગ્રેજીમાં કરી, કેમ કે વકીલની પણ ઠેકડી કરાવવાની શિવરાજની ઈચ્છા નહોતી.

વકીલે ઘણા ઘણા ધમપછાડા મારી ધરમાને મૂંઝવવા મંથન કર્યું. પણ ધરમો ન અકળાયો. વકીલ બરાડા પાડતા ત્યારે શિવરાજ હસીને કહેતા : “ધરમાં, ડરીશ નહીં હો કે ? એ તો એમનો અવાજ મૂળથી જ જરા ઘોઘરો છે.”

“ડરિયેં શીદને, સા’બ ? અમારે સીમના લોકને તો ઢોરની ત્રાડું સાંભળવાની ટેવ પડી ગઈ.”

વકીલની માથાફાડ દલીલોના અંતે શિવરાજે પૂછ્યું: “રૂપિયા ત્રણસો જેવી નાની રકમના કોપેન્સેશનમાં રેલવેએ આ શી જિકર માંડી છે ?”

“સાહેબ !” રેલવેના અધિકારીએ કહ્યું, “ડોશી મરે તેનું કાંઈ નહીં, પણ જમ ઘર ભાળી જાય !”

“એટલે ?”

“રેલવેને વાત વાતમાં કોર્ટે ઘસડી જવાની લોકોને ટેવ પડે છે.”

“ઓહો !” શિવરાજને આ માણસની વાચાળતા પર તિરસ્કાર છૂટ્યો. એણે નુકસાનીના રૂપિયા ત્રણસોનો ફેંસલો સંભળાવ્યો. આ રકમ ખેડુ ધરમાને આઠ દિવસમાં ભરી દેવા એણે રેલવેને હુકમ કર્યો.