૨૨. રાવબહાદુરની પુત્રવધૂ
પાછા કેમ્પમાં આવતાં કોર્ટમાં રાવબહાદુર ત્રિવેદીનો તાર આવેલો તૈયાર હતો. લખ્યું હતું કે, મારા ને મારી પુત્રવધૂ વચ્ચેના મુકદ્દમાની મુદત ફેરવવાની વિનંતી કરું છું. અનિવાર્ય કારણોએ મને રોકી રાખેલ છે.”
“હં !” શિવરાજ જ્યારે મરણિયો બનતો ત્યારે હમેશાં ભમ્મર ભેગાં કરીને ભીડ્યા હોઠનું ‘હં’ ઉચ્ચારણ કરતો : “શિરસ્તેદાર, આ કેસમાં કેટલી વાર મુદત પડી છે ?”
“પાંચ વાર.”
“કોની માગણીથી ?”
“રાવબહાદુરસાહેબની.”
“ક્યાં છે એના વકીલ ?”
“આ રહ્યો, સાહેબ.” કહીને એક ધારાશાસ્ત્રીએ જવાબ આપ્યો.
“ક્યાં છે ? કોણ છે ?” શિવરાજે ફરી ત્રાડ પાડી.
વકીલ ઊભા થયા.
“હાં, હવે હું તમને જોઈ શક્યો છું વકીલસાહેબ !” શિવરાજે વકીલની બેઅદબી પ્રત્યે વ્યંગ કર્યો, “તમે બચાવપક્ષના વકીલ છો કે ?”
"જી હા, રાવબહા…”
“સમજ્યો, સમજ્યો,” શિવરાજે વકીલને એ દમામભર્યું નામ પૂરું પણ ન કરવા આપ્યું, “હું તમારા અસીલને વધુ મુદત આપી શકતો નથી — જણાવવું હોય તો જણાવજો એમને.”
અદાલતમાં હાજર તમામને શિવરાજસાહેબ વીફરી ગાંડા થઈ ગયેલા લાગ્યા. આ શું ? રાવબહાદુર ત્રિવેદીસાહેબને એક સાધારણ અસીલની સ્થિતિમાં મૂકી દીધા ! એમનું નામ પણ નથી લેતા ? એને ફક્ત બચાવપક્ષ, અસીલ વગેરે નામો લઈ બોલાવે છે. આનું શું થવા બેઠું છે ?
“એ ઓલ્યો છેક દિલ્હીના સેક્રેટેરિયેટ સુધી વસીલા બાંધીને બેઠો છે. આનાં હાંડલાં અભડાવી મારશે ઓલ્યો બામણ.”
એ લાગણી ધાસ્તીની હતી. એમાં ગભરાટ હતો. ધીરે ધીરે એ ભાવ વિરમી ગયો. બપોરની રજામાં બધા વકીલો અને અસીલો બહાર નીકળ્યા. એકબીજાને અહોભાવના બોલ સંભળાવ્યા : “છે બાકી ભાયડો હો ! મર્દનો બચ્ચો છે ! આરબ છે, વિલાયતી આરબ ! કોઈની સિફારસ કે લાગવગનો તો કાળ છે કાળ ! કોઈનું મોટું ભડકામણું નામ સાંભળતાં તો ગરમ ગરમ બની જાય છે. પણ એ ગરમીની છાંટોય અસર પાછી એના ફેંસલામાં છે ? આપણી તરફ, વકીલો તરફ પણ એને અમુક અસીલોના વકીલો તરીકે જરીકે ડંખ નથી. ચોખ્ખો તો ખરો, ભાઈ ! એમાં ના નહીં પડાય.”
વળતા જ પ્રભાતે અદલ અગિયારને ટકોરે પટાવાળાની ત્રણ બૂમો પડી : “બામણી તરવેણી ! તરવેણી ! તરવેણી હાજર છે ?”
એ ચીસો સાંભળનારને કોઈ કોઈ વાર એક બીજી ચીસ યાદ આવે છે : લોકકથામાં
કહેવાય છે કે જગર બિલાડો (જંગલી બિલાડો) ઉંદરના દર પર ઊભા રહીને એક કાળી