લખાણ પર જાઓ

પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રાવબહાદુરની પુત્રવધૂ
૮૧
 


“તમારી સામે —”

“ગમે તે બોલે,” બાઈ એ જવાબ આપ્યો, “અગાઉ બંધબારણે કામ થયું છે એટલે જ મારે સોસવું પડ્યું છે, સાહેબ !”

“પ્રતિવાદીના વકીલ !” ન્યાયમૂર્તિએ સૂચના આપી, “તમારા અસીલને કહો જઇને — બંધબારણાનું રક્ષણ તો આ ઓરત માગે તો બરાબર કહેવાય. પણ એ તો ઊલટો જ આગ્રહ કરે છે. પ્રતિવાદીએ આંહીં જ હાજર થવાનું છે.”

શિવરાજની હિંમત એના પ્રત્યેક વર્તનમાંથી જાણે કે ઘોષ કરતી હતી. એ જરીકે થોથરાતો નહોતો. એનો ઇરાદો પ્રતિવાદીને પછાડવાનો હોય એવું પણ કોઈથી કહેવાય તેમ નહોતું : હિંમત હતી, પદ્ધતિ હતી. પ્રામાણિકતા હતી.

રાવબહાદુર ત્રિવેદીને ચેમ્બરમાં તેડવા ગયેલ વકીલે, ચેમ્બરવાળાં ન્યાયમૂર્તિના ખાનગી બારણાથી પ્રવેશ ન કરવા સલાહ આપી; અદાલતમાં આગલા બારણેથી જ લઈ આવ્યો. ઉપરાંત, ખાસ અલાયદી ખુરશીમાં બેસવાના રાવબહાદુરના મનોરથો એમના મનમાં જ સમાયા. ન્યાયમૂર્તિની નજીક જઈને પણ એ વિશિષ્ટ ધ્યાન ન ખેંચી શક્યા, સામાન્ય ખુરશી પર એમને બેસવું પડ્યું.

શિવરાજની નજર એક ત્રાજવું બની ગઈ એની જમણી આંખના છાબડામાં પચાસ વર્ષના રેશમધારી સસરા હતા; ને ડાબી આંખમાં થીગડાંના કરેલ ચંદરવા હેઠ ઢંકાયેલ ડામચિયા સમી પચીસ વર્ષની પુત્રવધૂ હતી. પ્રતિવાદી પુરુષનો દેહ લાલ લાલ લોહીએ છલકાતો હતો, સ્ત્રીના શરીરમાં ચામડી લબડતી હતી.

“બોલ, બાઈ” શિરસ્તેદારે રોજની તોછડી પોપટ-વાણી શરૂ કરી, “જે કહીશ તે સાચું કહીશ.”

“રહો, મારી પાસે લાવો !” કહીને ન્યાયમૂર્તિએ પોતે જ બાઈ તરફ જોઈ તદ્દન હળવા અને ગંભીર સાદે કહ્યું : “જુઓ બહેન, કહો કે : સાચું જ બોલીશ, ખોટું બોલું તો પરમેશ્વર પૂછે.”

બાઈ કશુંક બબડી.

“જરા જોરથી બોલ, બાઈ !” શિરસ્તેદારે સૂચના કરી.

“કશી ફિકર નહીં. પ્રભુએ તો એ સાંભળી લીધું છે ને ?”

એટલું બોલીને શિવરાજે બાઈની જુબાની શરૂ કરી. વકીલોએ શરૂ શરૂમાં વાપરેલા તુંકારાઓ શિવરાજના મન પર કોઈ ઊંડી વ્યથા ઉપજાવતા હતા. એ જોઈને વકીલો પણ બાઈ તરવેણીને ‘બહેન તમે’ શબ્દ સંબોધતા થઈ ગયા. મુકદ્દમાના પ્રારંભમાં રાવબહાદુર ત્રિવેદીએ તેમ જ તેના વકીલે ઊભા થઈ વિક્ષેપો નાખવા માંડ્યા. શિવરાજ કરડો બન્યો.

એણે વકીલને કહ્યું : “તમે કે તમારા અસીલ વચ્ચે કૂદશો તો મારે દિલગીરી સાથે અદાલત —” આંહીં એ જરાક થોથરાયો… એક પળના થોથરાટને વટાવીને, એક જ છંલાગે દીવાલ કૂદતા અશ્વ સમું એનું હૈયું હામ ભીડીને બોલી ઊઠ્યું : “તો મારે અદાલત ખાલી કરાવવી પડશે !”

મુકદ્દમો આગળ વધ્યો, તેમ તેમ અદાલતનું વાતાવરણ જમાવટ પામ્યું, વિશુદ્ધિ પામ્યું. એક પણ વિક્ષેપ ત્યાં અસંભવિત બન્યો. અને બપોરની રજાનો સમય થતાં પહેલાં એણે જાહેર કર્યું : “જો વાદી-પ્રતિવાદીના વકીલો, અસીલોને વાંધો ન હોય તો, હું આ