મુકદ્દમો એક જ બેઠકે પૂરો કરવા માગું છું. વાંધો હોય તો જણાવશો ?”
બાઈ તરવેણીએ પગે લાગીને કહ્યું : “હું આપને પગે પડું, ધરમરાજ; કોઈ વાતે પૂરું કરો.”
બાઈની જુબાની પૂરી થઈ રહ્યે પ્રતિવાદીનો વારો આવ્યો. “શિરસ્તેદાર,” શિવરાજે કહ્યું, “નામ પુકારો.”
‘રાવબહાદુર તુલજાશંકર ત્રિવેદી’ એ નામ સંભળાયું. નામધારીએ બેઠક છોડી, પણ પોતે ખુરશી પાસે જ ઊભા રહ્યા.
“તમે કે ? આવો અંદર.” શિવરાજે પીંજરું બતાવ્યું. રાવબહાદુરના પગમાં કોઈએ જાણે સીસું સિંચ્યું હતું. એને આશા હતી કે પોતે પીંજરે પહોંચે તે પૂર્વે ત્યાં ખુરશી મુકાઈ જાય. ખુરશી આવી જ નહીં. રાવબહાદુરના પગ પીંજરે ચડ્યા — જાણે પહાડ ચડ્યા !
શિવરાજ જાણીબૂજીને ખુરશી નથી મુકાવતા કે સરતચૂકથી ? સર્વને અજાયબી થઈ, શ્વાસ ઊંચા ચડ્યા : રાવબહાદુર પ્રત્યે દયા છૂટી, શિવરાજ પ્રત્યે માન થયું. જગત ધનિકોની પડતી થતાં દયા ખાય છે. ગરીબોના નગ્ન શરીર પરનો એકાદ લીરો વધુ કે ઓછો, તે અનુકંપાને પાત્ર નથી; અમીરોના હારના એકાદ હીરાનું ગુમ થવું ‘અરેરે બાપડો !’ જેવા અનુકંપાયમાન શબ્દોના વિષય બને છે.
ખુરશીવિહોણા ઊભેલા રાવબહાદુર, એક ઉજ્જડ પડેલા રાજકિલ્લા સમાં કરુણાજનક બન્યા. શિવરાજે જો કોઈ જીવતા માણસને રાવબહાદુરની બેઠક બની જવા કહ્યું હોત તો એક કરતાં વધુ માણસોએ ત્યાં પોતાના દેહની ઘોડી વાળી આપી હોત.
મુકદ્દમાની પ્રતિભામાં નવું તેજ પુરાયું. એજન્સીના ગઈ કાલના એક અડીખમ અધિકારીને પ્રતિવાદીના પીંજરામાં જોવો, ને સિંહને પશુબાગના સળિયા પાછળ જોવો, એ બેઉ બરોબરિયાં દૃશ્યો છે.
“શું કહેવાનું છે તમારે ? શા માટે જિવાઈ નથી આપતા આ વિધવા પુત્રવધૂને ?”
એના જવાબમાં રાવબહાદુરે તિરસ્કારથી કહ્યું : “એ રાંડ બદચાલ ચાલે છે. એને હું કયા દાવે જિવાઈ આપું ?”
એ શબ્દોએ શિવરાજને બાઈ તરવેણી તરફ નિહાળતો કર્યો.
ચિતામાંથી ઊઠતા ખોળિયા જેમ એ ઊઠી : “સાહેબ ! સાહેબ ! મને આંહીં ને આંહીં ટૂંકી કરી નાખો !”
શિવરાજે પૂર્વે હતી તે કરતાં વધુ શાંતિ પકડી. એણે પહેલાં તરવેણીને કહ્યું : “બાઈ, બેસી જાઓ.” ને પછી એ રાવબહાદુર પ્રત્યે વળ્યો : “તમે શું બોલો છો તેનો ખ્યાલ છે ?”
“જી, હા.”
“તમે એ વાત પુરવાર કરી આપો છો ?”
“એવા ધંધા પુરવાર થઈ શકતા નથી.”
“ત્યારે ચૂપ રહો !” શિવરાજના મોંમાંથી એ શબ્દો ચાબુકની જેમ છૂટ્યા. “આવા આક્ષેપો પુરવાર કરવાની શક્તિ નથી છતાં અદાલતમાં આગળ ધરો છો ? તમે આ અપમાન ઈન્સાફની સામે ફેકો છો, જાણો છો ?”
“સાહેબ, હું સરકારનો ઈલકાબધારી છું.”
“માટે ? માટે શું તમે સત્યવક્તા છો ?”