પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દેવનારાયણસિંહ
 

પિતા દેવનારાયણસિંહજી પર પત્ર લખ્યો. પત્રમાં બનેલા બનાવની આખી વારતા અક્ષરેઅક્ષર લખી ને પછી ઉમેર્યું :

આપ આ ગુરુકુલના પ્રમુખ છો. હું આપની પાસેથી સજા માગું છું : કાં તો આપ મને છૂટો કરો. ને કાં ભાઈ શિવરાજને અહીંથી ઉઠાવી લો. જે બનાવ બની ગયો છે તે પછી હું અને ચિ. શિવરાજ એક જ સ્થાને, એક જ સાથે, આચાર્ય અને વિદ્યાર્થીના સંબંધથી જીવી ન શકીએ. બનેલા બનાવનું નિવારણ મને બીજી એકેય રીતે સૂઝતું નથી. હું પોતે તો આ સ્થાનેથી ભ્રષ્ટ થવા તૈયાર જ બેઠો છું. ફક્ત આપના નિર્ણયની રાહ જોઉં છું.

બીજા દિવસે સવારે સુજાનગઢથી શિવરાજના પિતાજીનો તાર આવ્યો. એમાં ફક્ત આટલું જ લખ્યું હતું : “શિવરાજને મોકલી આપો. બાકીની સ્થિતિ તેની તે જ રહે છે.”

૨. દેવનારાયણસિંહ

સુજાનગઢને સ્ટેશને આગગાડી આવીને ઊભી રહી ત્યારે શિવરાજે પિતાને ઊભેલા જોયા. જોતાં જ, ઘઉંની વાડી પરથી વહી જતી પવનલહેરખીના જેવી એક ધ્રુજારી એના શરીર પર થઈને ચાલી ગઈ.

બાપુના માથા પર સફેદ સાફો હતો : મોંએ કાબરી મૂછોનો જથ્થો હતો. ગળાબંધ કોલરનો કાળો લાંબો ડગલો, બાપુના ધિંગા પગને ઢાંકતી, નહીં બહુ પોચી તેમ નહીં તસતસતી એવી સુરવાળ પર ઝૂલતો, બાપુના કદાવર દેહને દીપાવતો હતો. બાપુના હાથમાં એક લાકડી હતી.

રેલવેનું સ્ટેશન એવા એક જ આદમીની હાજરીથી પણ ઘણી વાર શોભીતું બને છે. દેવનારાયણસિંહ સ્ટેશન પર કોઈક જ વાર આવતા. પણ રોજ રોજ આવે તો કેવું સારું, એમ આખા સ્ટેશન-સ્ટાફને થતું. રેલવે પર એની કશી સત્તા નહોતી, છતાં એની હાજરીની સૌ અદબ કરતા. આવતી ગાડીના એન્જિનમાંથી ખ્રિસ્તી ડ્રાઈવરે પણ એને સલામ કરી હતી.

સત્તાનું સિંહાસન આત્માના પ્રતાપની અંદર છે.

શિવરાજે ગાડીમાંથી ઊતરી પોતાનું બિસ્તર ને એક ટૂંક નીચે ખેંચ્યાં. પટાવાળાએ દોડીને એને મદદ આપી. પિતા તો જ્યાં ઊભા હતા ત્યાં જ ઊભા રહ્યા. એમણે પટાવાળો હોવા છતાં પુત્રને તેનો સામાન ઉતારતો અટકાવ્યો નહીં. શિવરાજ બીતાં બીતો નજીક આવીને જરા નમ્યો. દેવનારાયણસિંહનો હાથ પુત્રના માથા પર મુકાઈને પાછો ઊઠી ગયો. ઘેરા રવે પિતાજીએ ફક્ત એટલું જ કહ્યું : “ચા… લો !”

સલામોનો મોહ પણ ન રહ્યો હોય, તેમ કંટાળો પણ ન આવ્યો હોય, તેવી અદાથી સૌની સલામ ઝીલતા એ ઘોડાગાડી પર ચડ્યા. શિવરાજને ઇશારત કરી પોતાની બાજુમાં આવી જવા કહ્યું. ગાડીને પોતે જ હાંકી. શિવરાજ પિતાના લગામધારી હાથનાં ધિંગા આંગળાં પર વાળના ગુચ્છ જોતો રહ્યો. ઘેર પહોંચતાં સુધી આખી વાટ પિતાએ એક શબ્દ પણ પૂછ્યો નહીં તેમ તિરસ્કાર પણ બતાવ્યો નહીં. આખે રસ્તે એ બેઉ ઘોડાને શાંતિપૂર્વક હાંકી ગયા. વચ્ચે કૂતરું કે બકરું આવે ત્યારે જલદ ઘોડાઓને પોતે ગંભીર નાદે માત્ર એટલો જ વારણ-શબ્દ સંભળાવતા : “ધીરા, બેટા ! ધીરા, બાપા !”