બાજુમાં માલુજી બેઠા હતા. એના હાથમાં માળા હતી. એનો દેહ તાવમાં થરથરતો
હતો. એના રડતા કંઠમાં એક ભજનની ટૂંક હતી :
છેટાંની આ વાટું રે,
વીરા મારા, મળવું કિયાં ?
ભલાઈ કેરું ભાતું રે,
વીરા ! ભેગું બાંધી ગિયા.
અહીં નથી રે’વાતું રે,
વીરા શીદને ભાગી ગિયા !
“અરે સા’બ !” માલુજી વચ્ચે બોલતો હતો, ‘દગો દીધો — જનમભરના જોડીદારને ? આખર લગી અંતર કોઈને દેખાડ્યું જ નહીં ? અમને રઝળાવ્યા — અમને બે ડોસાને દગા દીધા !”
દુનિયામાં અપરંપાર કરુણતાઓ છે પણ એકલ જઈફ જનના જિગરના રુદન સમી ઘણી થોડી છે. ભરજુવાન દીકરા માટે રડતો ડોસો એક હૃદયદ્રાવક દૃશ્ય છે. સગાં પેટ પણ હાડહાડ કરતાં હોય તેવી અવસ્થાને છાની છાતી ખોલવાનું ઠેકાણું ટાળી નાખતું. પંચાવન-સાઠ વર્ષની પત્નીનું મોત પણ, પાછળ રહેનાર બુઢ્ઢાની ભયાનક દશા કરે છે. પરંતુ માલુજીની ને ચાઊસ દરવાનની દશા તો એ તમામ કરુણતાને વટાવી જતી હતી. આ બેઉ બુઢ્ઢાઓનો બાકીનો સકળ સંસાર લૂંટાયાને તો આજે વર્ષો વીત્યાં હતાં. દીકરા, દીકરી, સ્ત્રી, ઘરબાર વગેરેથી ભર્યું જીવન તો તેમના પૂર્વાવતાર જેવું બની ગયું હતું. નવી જિંદગીમાં એ ફક્ત દેવનારાયણસિંહના જ સ્નેહને ઓળખતા હતા. એ એક જ માનવીના સ્નેહમાં એ બેઉ બુઢ્ઢાઓની તમામ માયામમતા સમાઈ ગઈ હતી.
માનું મૃત્યુ તો શિવરાજની સ્મૃતિની દુનિયાનો બનાવ જ નહોતો. આજનું અવસાન એની આંખો આગળનો સૌ પહેલો બનાવ હતો. આગ લઈને શિવરાજ પિતાના શબની આગળ ચાલ્યો ત્યારે, સ્મશાને પહોંચ્યા ત્યારે, અરે, ચિતા ચેતાઈ અને સળગી ચૂકી ત્યારે પણ પિતા જેવો પુરુષ જગતમાં હવે નથી એવી કોઈ લાગણી એને થઈ નહીં. એ લાગણી એના પર એકસામટી તો ત્યારે તૂટી પડી, જ્યારે બધું પતી ગયા પછી પિતાના ઓરડામાં એણે માલુજીને છાનામાના ઊભા ઊભા સાંજે બિછાનાની ચાદર ઝાપટતા જોયા. શિવરાજ જઈને પોતાના ખંડના પલંગ પર ઢળી પડ્યો. બારી પાસેની લીમડા-ડાળે ચકલાંને એકબીજાંને ચૂમતાં જોયાં. જૂઈની વેલ — શિવરાજની બારી પાસે પિતાએ જ કાળજી કરીને રોપાવેલી — તેની કળીઓ સાથે પતંગિયાં પોતાના દુપટ્ટા ઉડાડતાં હતાં. બારીએ આવીને સફેદ બિલ્લી પણ એક વાર ગરીબડા ‘મિયાઉં’ શબ્દે જાણે કે ખરખરો કરી ગઈ, ત્યારે પહેલી જ વાર શિવરાજને આ ઘરની આટલાં વર્ષો સુધીની નિર્જનતા ને ચુપકીદીમાંથી કશુંક ચૈતન્ય ચાલ્યું ગયેલું લાગ્યું.
માલુજી આવીને શિવરાજ પાસે બેઠા. એણે ધીરે ધીરે હિંમત કરીને આગલી રાતની વાત કરી :
“કાલ કાંપમાંથી આવ્યા ત્યારે જ ખુશખુશાલ દેખાતા’તા. કોઈ દી નહીં ને કાલ સાંજે જ એણે દરવાજે ચાઊસને એના ઘરના સમાચાર પૂછ્યા. ઘોડાને થાબડી થાબડીને જોગાણ ખવરાવવા પોતે ઊભા રહ્યા. અમને બેયને સો સો રૂપિયાની બક્ષિસો આપી. જમતાં જમતાં કોરટમાં શું શું બન્યું તેની મારી જોડે વાતોએ ચડ્યા. ભાઈ આમ બોલતો