લખાણ પર જાઓ

પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાપુનું અવસાન
૮૭
 


હતો, ને ભાઈ રાવબહાદુરને આમ ડારો દેતો હતો; ભાઈએ નિરાધાર બાઈની કેવી વહાર કરી છે, ખબર છે માલુજી ? તેં નજરે જોયું હોત તો તારું હૈયું જ હાથ ન રહેત… જમીને પછી કહે કે બસ, લાવ મારો સતાર. બસ તે દી તમે ગુરુકુળમાંથી ઘેર આવેલા ત્યારની રાતે બજાવેલો, તે કાલ રાતે ફરી લીધો. સતારની રજેરજ પોતે જ સાફ કરી. ક્યાંય સુધી બજાવ્યો. પછી ઓરડામાં જઈને લખ લખ જ કરતા હતા. બાર વાગ્યા સુધી તો હુંય જાગતો હતો. પછી મારી આંખ મળી ગઈ. પણ ચાઊસ જાગતો’તો. એ કહે છે કે સાહેબે બે બજ્યા સુધી લખ્યું. લખીને ઉપર જવા ઊઠ્યા ત્યારે પોતાને હાથે જ ટેબલ માથેથી ઘડિયાળ લઈને ચાવી દીધી. બત્તી પણ પોતે જ બુઝાવી ને પછી તમારા ઓરડામાં કોઈ દી નહીં ને કાલે રાતે જ પેઠા. ચાઊસ કહે છે કે દીવાલે તમારી નાનપણની છબીઓ ટાંગી છે તેને પોતે નીરખી જ રહ્યા હતા. તે પછી ઉપર ચડ્યા ત્યારે સીડીને માથે બે-ત્રણ વાર થંભવું પડ્યું હશે એમ ચાઊસને લાગ્યુંતું. પગ લથડ્યો તે અજવાળી રાતમાં દેખાણુંય ખરું, પણ ચાઊસને ભોળાને શી ગતાગમ કે વગર બોલાવ્યો દોડ્યો જઉં. અને કોઈ દી નહોતા ભૂલ્યા, તે કાલે રાતે જ કેમ ભૂલી ગયા એ હવે સમજાય છે. ચામડાના પૂંઠાની મોટી નોટબુક લખી-કારવીને કાયમ ખાનામાં મૂકતા અને ચાવી મારીને ત્રણ વાર તો ખાનાનું કડું ખેંચી જોતા, તેને બદલે કાલ નોટ ટેબલ માથે જ મૂકી રાખી છે. બધી જ તૈયારી જાણે કે એણે તો કરી રાખી હતી — છુપાવી રાખ્યું ફક્ત અમારાથી જ એણે.”

માલુજી આથી વધુ ન કહી શક્યા. એણે પોતાનું બિછાનું શિવરાજના ઓરડામાં બારણાં અડોઅડ જ પાથર્યું ને તે પર બેસી માળા લીધી.

શિવરાજ બાપુના ઓરડામાં ગયો. ચામડાનું પૂંઠું લપેટેલી, પણ દોરી બાંધ્યા વગરની એ પાંચસો પાનાંની જાડી નોટ ત્યાં પડી હતી. ઉપર કશું જ લખ્યું નહોતું.

શિવરાજ ટેબલ પર બેઠો — જ્યાં આગલી રાતે જ પિતા બેઠેલા પૂંઠું — ખોલ્યું અને અંદરના પહેલા જ પૃષ્ઠ પર નામ જોયું : ‘નર્મદાની નોંધપોથી’. નર્મદા શિવરાજની માતાનું નામ. એ નામ શિવરાજે જગત પર પહેલી વાર વાંચ્યું, ને પાછું પિતાના હસ્તાક્ષરોમાં વાંચ્યું — ઘૂંટી ઘૂંટીને દોરેલા એ મોટા મરોડદાર અક્ષરો હતા.

પહેલો જ વિચાર શિવરાજને પાપનો આવ્યો. બીજાના આત્મદેવાલયના ગર્ભદ્વારે ડોકિયું કરવાનો અધિકાર માનવીને નથી. એ અધિકારી આંખો તો એકલા ઈશ્વરની જ છે. મથાળાની નીચે આ શબ્દો હતા :

“મારી નર્મદા આજે આ જગતમાંથી જતી રહી છે તેમ મારાથી મનાતું નથી. મને પાછળ એકલો રાખનાર પ્રભુની મરજી એવી જ હશે કે મારે નર્મદાના બાળનું જતન કરવું. મારી પ્રભુસોંપી ફરજની નોંધ ટપકાવવા માટેની આ નોટબુક છે.”

શિવરાજે પાનાં ફેરવવા માંડ્યાં. કોઈક તારીખે એક ફકરો, કોઈ બીજે દિવસે એક્કેક-બબ્બે લીટી, કોઈક વાર વળી એક જ વાક્ય, કોઈક વાર આખું પાનું, પણ વિષય એકનો એક જ : “નર્મદા, તારો પુત્ર…”

બાવીસ વર્ષ પરના દિવસની નોંધ :

“તારા બાળકને આજે શરદી થઈ છે. ન્યુમોનિયા થઈ જવાની બીકે હું આખી રાત એને શેકતો બેઠો છું. માલુજી બાપડો ઉજાગરા કરી કરીને આજે માંડ સૂવા જવાનું માન્યો છે. સગડીમાં અંગારા બળે છે, ને તારો બાળ સરખા શ્વાસ લેતો ઊંઘે છે.”

શિવરાજના નાનપણની તોતળી બોલીનો પ્રથમ બોલ શિવરાજ કયે દિવસે બોલ્યો