લખાણ પર જાઓ

પૃષ્ઠ:Aparadhi - Gujarati Novel (1938).pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૮
અપરાધી
 


તેની, પા પા પગલી એણે કયા દિવસે કરી તેની, કેટલી વાર એણે સળગતા કોલસાને ફૂલો સમજી પકડ્યા ને પછી ચીસો પાડી તેની… પાને પાને તારીખવાર વિગતો હતી. અને એક ટચૂકટી નોંધે શિવરાજના કંઠમાં ડૂમો આણ્યો :

“નર્મદા, તારા બાળકને આજે મેં બા ! બા ! બા ! બા ! ઉચ્ચાર કરતો સાંભળ્યો, ને મેં એને જરા દબડાવી કહ્યું, એ ન બોલાય.”

પછી શિવરાજના અભ્યાસના સમયની વાતો, એને કાઢી મૂક્યાની કથા, એના કાયદાના ભણતરની આશાભરી નોંધો : કાંપમાં એનો નિવાસ થયો ત્યારે પોતાને થયેલી લાગણી : અને પછી ધીરે ધીરે આ પ્રકારના છૂટક ઉદ્‌ગારો :

“દીકરો તો નિરાળો જ માનવી હોય છે. નર્મદા ! બાપ તો બીજું શું કરી શકે ? પ્રેમ માગ્યો તો થોડો મળે છે ? હુંયે બેઠો બેઠો એનું હૈયું વળવાની વાટ જોઈશ.”

વચ્ચે વચ્ચે જૂની વાણીમાં જોડેલાં ભજનો

સગડ હોય તો તારા
સગડ કઢાવું રે !
સગડ કઢાવું રે !
ત્રણે ભુવનમાંથી શોધી તુજને લાવું !
ઊડેરા સાગર-નીરે
અણદીઠા તુજ કેડા રે
અણઘેખા તુજ કેડા રે,
પાણીડાંમાં પગલાં તારાં શી રીતે શોધાવું ?

વાંચતાં વાંચતાં શિવરાજે અધરાતની શિયાળ-લાળી સાંભળી. શ્વાનો રોતાં હતાં. સવારે જ જ્યાં પિતાનું શબ ઘીને બળતે દીવે સૂતું હતું તે જ આ ઘર હતું. શિવરાજના શરીરે એક ધ્રુજારી છૂટી ગઈ. કંપતા હાથે એણે નવી નોંધ વાંચી :

“નર્મદા, તારો બાળ હવે તો આંહીં કોઈક જ વાર આવે છે — મહેમાન પણ વધારે આવે. મારી સાથે જ એ રહેવાનું રાખશે એવી મને આશા હતી. પણ આ રોદણાં શાને માટે ? કુદરત તો આગળ જોનારી છે, પાછળ નહીં. બાપ જેટલું બેટાને ચાહે તેટલું કોઈ બેટો બાપને ચાહી શકે જ નહીં. એ તો જીવનનો નિયમ છે, નર્મદા ! અને પિતાઓએ તો મન વાળવું જ રહ્યું.”

શિવરાજની આંખે અંધારાં આવ્યાં. એનું મન ચક્કર ચક્કર ફરતું હતું. અરેરે ! આટલું જો મેં જાણ્યું હોત ! કોઈકે મને આ વાત કરી હોત ! અબોલ રહેતા બાપની ટાઢાબોળ શાંતિની હેઠળ શું વાત્સલ્યનો આટલા ગાંડા ધોધ ગર્જતા હતા !

શિવરાજે મોડી રાતના ચંદ્રાસ્ત પછીનાં કાજળવરણાં અંધારાં ગણકાર્યાં નહીં. અંધકારમાં મૂંગાં મૂંગાં પોતાનાં માથાં હલાવીને કાંઈક જાણે કહેવા માગતા હોય તેવાં ઊંચાં તાડના ઝાડ ખવીસ જેવાં લાગ્યાં, તોપણ એણે વાચન આગળ ચલાવ્યું — ને ઓચિંતો એ ચમક્યો. હવે પછીના ફકરાઓમાં એક નવું નામ રમતું હતું — એ હતું સરસ્વતીનું નામ. એ નામનો આ ફકરો વાંચ્યો :

“સરસ્વતીને મેં ઝીણી નજરે જોયા જ કરી છે, નર્મદા ! નારી પરીક્ષા તો તેં જ મને ભણાવી હતીને ! પૂર્વકાળ તો એનો મોળો હતો ને મને બીક હતી કે તારો બેટો ક્યાંક ભેખડાઈ પડશે. પણ છેલ્લા છ મહિનાથી સરસ્વતીએ તો કાંઈ રૂપનાં કિરણો કાઢ્યાં છે !